ISKCON દ્વારા અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

Tuesday 16th January 2024 04:29 EST
 
 

લંડનઃ ધ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON) ભગવાન રામના અયોધ્યામાં પરત આગમન અને ઉત્તર ભારતમાં રામ જન્મ ભૂમિ ટેમ્પલના સોમવાર 22 જાન્યુઆરી 2024ના રોજ ઉદ્ઘાટનની વૈશ્વિક ઉજવણીમાં સામેલ થશે. યુકેમાં અગ્રણી ISKCON ટેમ્પલ ભક્તિવેદાંતા મેનોરમાં 1981થી સીતા, રામ, લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરાય છે ત્યારે આ વિશિષ્ટ દિવસે ભક્તોને મંદિરમાં દર્શન કરવાની તક મળશે.

આ પ્રભાવશાળી પ્રસંગની ઉજવણી કરવા સમગ્ર વિશ્વમાં ISKCON દ્વારા દરરોજ 100,000 (અયોધ્યા વિસ્તારમાં દરરોજ 10,000) યાત્રાળુઓને ભોજન કરાવવાની યોજના છે તેમજ ઈશ્વરના નામના (ખાસ કરીને ‘હરે કૃષ્ણા’ અને ‘હરે રામ’) જપ કરાવવા ઉત્સવો યોજાનાર છે.

ભક્તિવેદાંતા મેનોરના ટેમ્પલ પ્રેસિડન્ટ વિશાખા દાસીએ જણાવ્યું હતું કે,‘ આપણે ભગવાન રામના વારસા તેમજ ધર્મ અને બલિદાનના તેમના ઉપદેશોની છાપ ધરાવીએ છીએ. ભગવાન રામ સચ્ચાઈ, આધ્યાત્મિક સત્ય અને નેતિકતાના આદર્શ છે અને તેમના ઉદાહરણ થકી આપણે પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વ તેમના ઉદાહરણથી બહેતર બને.’

ભક્તિવેદાંતા મેનોર આ દિવસ સુધી ઉજવણીઓનું આયોજન કરી રહ્યું છે અને આ દિવસ ભજન, કીર્તન, પ્રસાદ અને શુભ સમારંભોથી ભરપૂર રહેશે. મેનોર એપ્રિલ મહિનામાં આગામી રામનવમીના તહેવાર સુધી ઉજવણીઓ ચાલુ રાખશે.




to the free, weekly Gujarat Samachar email newsletter