LCNL દ્વારા તંદુરસ્ત જીવન માટે જાગૃતિ કેળવવા મેડિકલ કેમ્પ યોજાયો

Tuesday 05th December 2023 05:08 EST
 
 

લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન ( LCNL) દ્વારા રવિવાર, 3 ડિસેમ્બર 2023ના દિવસે હેરોના ધામેચા લોહાણા સેન્ટર ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ઈવેન્ટનો મુખ્ય હેતુ તંદુરસ્ત જીવન માટે જાગૃતિ કેળવવાનો હતો.

પ્રોફેસર ભીખુ કોટેચા દ્વારા શક્ય બનાવાયેલા આ ઈવેન્ટમાં લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને તેમાં હાઈ બ્લડ પ્રેશર, મેનોપોઝ, પ્રોસ્ટેટ કેન્સર અને વયોવૃદ્ધોમાં પડી જવાની સમસ્યા સહિત આરોગ્યના વિવિધ મુદ્દાઓ પર વિશિષ્ટ લેક્ચર્સનો સમાવેશ કરાયો હતો. આ લેક્ચર્સ ડો. મિલન રાડીઆ, ડો. ચાંદની રાજાણી, મિસ વનેસા સ્ટ્રુમેન, ડો. અનંત સચદેવ, ડો. જિતેન્દ્ર કાકડ દ્વારા અપાયાં હતાં. જૈન એન્ડ હિન્દુ ઓર્ગન ડોનેશન એલાયન્સ (JHOD)ના ચેરપર્સન કિરીટ મોદી MBE દ્વારા જીવંત કિડની ડોનેશન વિશે પ્રવચન કરવામાં આવ્યું હતું.

આના પછી ઓડિયન્સ માટે હેલ્થ સ્ક્રીનિંગ પ્રોગ્રામ કરાયો હતો જેમાં, બ્લડ પ્રેશર, હૃદયના ધબકારાં અને બોડી માસ ઈન્ડેક્સ માપવાનો સમાવેશ થયો હતો. મહિલાઓ માટે સ્ત્રી આરોગ્યની બાબતોને ડો. ચાંદની રાજાણી, ડો. દીપા મોદી, ડો. અંજલિ લાખાણી અને ડો. દીપિકા ઠકરારે સંભાળી હતી. સ્ક્રીનિંગ પ્રોસેસમાં સહાય કરનારા અન્ય જનરલ પ્રેક્ટિશનરોમાં ડો. દિવ્યાશ ઠકરાર, ડો. નિક દત્તાણીનો સમાવેશ થયો હતો. મેડિકેશન્સની ચર્ચા માટે પોલી-ફાર્મસી સ્ટેશનનું સંચાલન શિલ્પા રાડીઆ અને પન્ના કોટેચા દ્વારા કરાયું હતું. ભરત રુઘાણી અને ડો. મીરા રાડીઆની નેતાગીરી હેઠળ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ અને ઓપ્થેલ્મિક સર્જન્સની ટીમમાં સંજય સવજાણી, પ્રકાશ રુઘાણી, મિસિસ નીરા રાડીઆ અને ભારતી રાજાનો સમાવેશ થયો હતો જેમણે ગ્લુકોમા, મોતિયાબિંદની ઉત્પત્તિ અને રેટિનોપથીનાં પરીક્ષણો કર્યાં હતાં.

LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ આ મેડિકલ કેમ્પ ઈવેન્ટને પોતાની મુખ્ય પ્રાથમિકતાઓમાં એક ગણાવી તેને સફળ બનાવવા મહેનત કરી હતી. LCNL ની એકજૂટ કામગીરીમાં યંગ લોહાણા સોસાયટી, યૂથ ગ્રૂપ, મહિલા મંડળ અને સીનિયર મેન તરફથી વોલન્ટીઅરીંગનો સંપૂર્ણ સાથ મળ્યો હતો જેના થકી આ કાર્યક્રમને ભારે સફળતા સાંપડી હતી. ઈવેન્ટના સ્પોન્સર્સ વિનોદ અને દક્ષા ઠકરારનો આભાર વ્યક્ત કરવાની સાથોસાથ લાયન્સ ક્લબ ફિન્ચલીના સપોર્ટ અને સહકારની પણ વિશેષ કદર કરાઈ હતી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter