LCNLના ડીમેન્શીઆ વેબિનારમાં મગજની કામગીરી સુધારવાના માર્ગો સૂચવાયા

Tuesday 23rd January 2024 15:46 EST
 
 

લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા 10 જાન્યુઆરીએ ગુજરાતી અને ઈંગ્લિશમાં ડીમેન્શીઆ વેબિનારનું આયોજન કરાયું હતું. LCNLએજિંગ પોપ્યુલેશન ડીમેન્શીઆ ટીમ દ્વારા વેળાસરની જાગૃતિ અને ડીમેન્શીઆને કેવી રીતે અટકાવી શકાય તેના પર ભાર મૂકાયો હતો. વિવિધ ધર્મના લોકોએ વેબિનારમાં ભાગ લીધો હતો.

લોર્ડ ડોલર પોપટે એજિંગ પોપ્યુલેશન રિપોર્ટ વિશે અને ગંભીર સમસ્યા બની રહેલા ડીમેન્સીઆ અંગે જાગૃતિ કેળવવાના મહત્ત્વ વિશે વાત કરવા સાથે લોકોની વય વધતી જાય ત્યારે પીડા ઘટાડવા વિશે પણ જાણકારી આપી હતી. એજિંગ પોપ્યુલેશન ટીમ અને લોહાણા સોશિયલ સીનિયર મેન્સ ગ્રૂપના ચેરપર્સન ચંદુભાઈ રુઘાણીએ લોર્ડ ડોલર પોપટના પુસ્તક ‘ધ એજિંગ પોપ્યુલેશન ઈન ધ લોહામા કોમ્યુનિટી’ની હકીકતો અને આંકડાઓ વિશે જણાવ્યું હતું જેના કારણે 2021માં LCNLએજિંગ પોપ્યુલેશન ડીમેન્શીઆ ટીમની રચના કરાઈ હતી.

દીર્ઘકાલીન સેવા પછી નિવૃત્ત GP ડો. જિતેન્દ્ર કાકડે ડીમેન્શીઆના જોખમી પરિબળો અને ચેતવણીજનક લક્ષણો તેમજ તેના વેળાસરના નિદાનના ફાયદાઓ વિશે જણાવ્યું હતું. લેસ્ટરના GP અને એજિંગ પોપ્યુલેશન ડીમેન્શીઆ ટીમના ચેરપર્સન ડો. દીપા મોદીએ ડીમેન્શીઆ માટે વર્તમાન પુરાવા આધારિત કુદરતી અને વૈકલ્પિક ઉપાયો વિશે જણાવ્યું હતું.

આ વેબિનારમાં મગજની કામગીરી સુધારવાના 15 ઉપાય સૂચવાયા હતા જેમાં, આરોગ્યપ્રદ આહાર અને લાઈફસ્ટાઈલ, વિટામિન્સ અને મિનરલ્સ, ઓમેગા-3 ઓઈલ, કોકોનટ ઓઈલ, હળદર, કેસર અને બ્રાહ્મી જેવા અન્ય સપ્લિમેન્ટ્સના ઉપયોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અપલીજર ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલના માઈકલ મોર્ગન દ્વારા શીખવાડાયેલી ક્રેનિઓસ્કેલર થેરાપીથી અલ્ઝાઈમર્સ, ડીમેન્સીઆ રિવર્સ થઈ શકવાના લાભ પણ જણાવાયા હતા. જ્યોતિબહેન જોશી MBAએ ડીમેન્સીઆની સામાજિક અસરોની ચર્ચા કરી હતી. ડીમેન્શીઆ નહિ પરંતુ, વ્યક્તિને જોવા પર તેમજ કેરર દ્વારા સારસંભાળ પર ભાર મૂકાયો હતો.

ENT સ્પેશિયાલિસ્ટ અને LCNLએજિંગ પોપ્યુલેશન ડીમેન્શીઆ ટીમના પૂર્વ ચેરપર્સન પ્રોફેસર ભિક કોટેચાએ માર્ચ 2023માં સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટર ખાતે યોજાએલા LCNL ડીમેન્શીઆ મેડિકલ કેમ્પ વિશે જણાવ્યું હતું જેમા 300થી વધુ લોકો હાજર રહ્યા હતા. 104 લોકોની ડીમેન્શીઆ માટે તપાસ કરાઈ હતી અને 9ને ડીમેન્શીઆ માટે પોઝિટિવ ગણાવાયા હતા.

અનિતા ઠક્કર દ્વારા ગાયત્રી મંત્રોના ઉચ્ચારણ સાથે વેબિનારનો આરંભ થયો હતો. LCNLના વાઈસ સેક્રેટરી સંજય રુઘાણીએ ડીમેન્શીઆ વેબિનારના હેતુનો પરિચય આપ્યો હતો.

LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ સ્વાગત પ્રવચન કરી જણાવ્યું હતું કે,‘ડીમેન્શીઆનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની અસર જીવનની ગુણવત્તા પર પડી શકે છે. આ ગુજરાતી અને ઈંગ્લિશ એજ્યુકેશનલ રેકોર્ડિંગ્સ YouTube: LCNL Dementia પર શોધવાથી મળી શકશે. અમને તેના સારા ફીડબેક ઉપરાંત, રેકોર્ડિંગ્સ મેળવવા વિનંતીઓ પણ મળી છે.’

LCNL એજિંગ પોપ્યુલેશન ડીમેન્શીઆ ટીમના વાઈસ ચેરપર્સન યતિનભાઈ દાવડાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter