SKLPC નો સુવર્ણજયંતી ઉજવણી સમારોહઃ કોમ્યુનિટીના 8000 થી વધુ સભ્યોની ઉપસ્થિતિ

Wednesday 12th October 2022 07:24 EDT
 
 

લંડનઃ કોવિડ મહામારીના લોકડાઉન્સના ગાળામાં રૂબરુ કાર્યક્રમો બંધ કરાયા પછી શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC) દ્વારા રવિવાર 25 સપ્ટેમ્બર, 2022ના રોજ વાર્ષિક મેળાવડાનું આયોજન થયું હતું. મૂળ તો કાર્યક્રમ 18 સપ્ટેમ્બરે યોજાવાનો હતો પરંતુ, ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનથી તેમના સન્માનમાં તે 25 સપ્ટેમ્બર માટે મુલતવી રખાયો હતો. કાર્યક્રમમાં 850 વોલન્ટીઅર્સના મજબૂત આર્મીની સહાયથી 8000થી વધુ લોકોની હાજરીને સંભાળી લેવામાં આવી હતી.

શ્રી માવજીભાઈ ધનજી જાદવા વેકરિઆ (પ્રેસિડેન્ટ)એ જણાવ્યું હતું કે,‘સ્વાભાવિક રીતે આપણી કોમ્યુનિટીના ઉત્સાહને નિહાળી હું નિઃશબ્દ બની ગયો છું. આપણા સમર્પિત વોલન્ટીઅર્સે સેવાના અનેક કલાકો અર્પણ કર્યા છે જેથી આપણે બધા જ આપણી 50મી ગોલ્ડન જ્યુબિલી ઉત્સવનો આનંદ માણી શકીએ. તમામ ઉપસ્થિત લોકો અને દરેક સભ્યને હું આભાર વ્યક્ત કરું છું.’

વિલેજ પ્રવેશદ્વાર નજીકના ગ્રાઉન્ડમાં આરતી સાથે કાર્યક્રમના દિવસનો શુભારંભ કરાયો હતો. આપણા સંબંધિત ગામો, સ્પોર્ટ્સની ટીમો, ક્લબ્સ અને આપણી શનિવારી સ્કૂલના તમામ વયના પાર્ટિસિપેન્ટ્સ દ્વારા ગ્રાઉન્ડમાં કાર્નિવલ સ્ટાઈલની પરેડ યોજવામાં આવી હતી. મેળાવડામાં આયોજિત એક્ષ્પોમાં 15થી વધુ સ્ટોલ્સ અને બિઝનેસીસ દ્વારા તેમની સેવાને પ્રદર્શિત કરાઈ હતી. આ પ્રદર્શનમાં ભૂતકાળની ભવ્યતા સાથે 1000થી વધુ તસવીરોમાં આપણી યાત્રાને દર્શાવવામાં આવી હતી. આપણી જ યુવાન ટીમ દ્વારા કિડ્ઝ ઝોનનું આયોજન કરાયું હતું જેમાં, ક્રિકેટ સહિતની પ્રવૃત્તિઓ અને મહેંદી વોલન્ટીઅર્સનો સમાવેશ કરાયો હતો.

આપણી રસોઈ અને કેટરિંગની વ્યવસ્થા સંભાળનારા સ્વયંસેવકો દ્વારા આપણી કોમ્યુનિટી માટે સ્વાદિષ્ટ વાનગીઓ સાથેના લંચ અને ડિનરના ભોજન તેમજ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અગાઉના વીકએન્ડ્સમાં પણ કાર્યરત વોલન્ટીઅર્સે કામગીરી સંભાળી લીધી હતી.

50મા ગોલ્ડન સોવેનિયર મેગેઝીનનું પણ લોન્ચિંગ કરાયું હતું. આ મેગેઝીનમાં આપણી સંસ્કૃતિ, ઈતિહાસનો મહિમા દર્શાવતા માહિતીપ્રદ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે. ઘણા લેખ આર્કાઈવ્ઝમાંથી લેવાયા હતા. સંકળાયેલી સંસ્થાઓ દ્વારા શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને અમે તેમના સપોર્ટને હૃદયપૂર્વક બિરદાવીએ છીએ.

આપણા યુવાવર્ગને આકર્ષી રાખવા આપણા યુવા DJs અને સેલેબ્રિટી મહેમાનો સાથે આઉટડોર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. મહા રાસ ઉત્સવ તેમજ સમગ્ર યુકેમાં 8 શ્રી સ્વામિનારાયણ મંદિરોના સહયોગમાં આરતીની સાથે મેળાનું સમાપન કરવામાં આવ્યું હતું.

આપણી પરિશ્રમી કાર પાર્કિંગ ટીમે ઘણી વહેલી કામગીરી શરૂ કરી હતી તેમજ આપણા ડ્રાઈવર્સને સલામતી સાથે વ્યવસ્થા પૂરી પાડી હતી તેમજ વિદાય લેતા લોકોને જરા પણ તકલીફ નડે નહિ તેની કાળજી રાખી હતી.

આ મેળામાં કોમ્યુનિટી માટે બહુલક્ષી સ્પોર્ટ્સ ફેસિલિટીનું નિર્માણ કરવાના હેતુસર ઈન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્રીકરણનું અભિયાન પણ ચલાવાયું છે. આ સેન્ટર ઈકો-ફ્રેન્ડલી હશે તેમજ હરિયાળી છત સાથે આસપાસના પ્રાકૃતિક પર્યાવરણ અને તેની ટકાઉક્ષમતાને ધ્યાનમાં રાખીને નિર્માણ કરાશે.

વ્યાપક સામૂહિક પ્રયાસોની સાથે મેનેજિંગ કમિટી તેના તમામ સભ્યો, ઉપસ્થિત લોકો અને સેવારત વોલન્ટીઅર્સનો આભાર માનવાની સાથે વધુ અને વધુ ઉજવણીઓ કરી શકાય તેના માટે ઉત્સુક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter