ઓકલેન્ડમાં ભગવાન રામના આગમનને ઉલ્લાસપૂર્વક વધાવતા ભારતીય ડાયસ્પોરા

ઓકલેન્ડના એડન પાર્કમાં મહાયજ્ઞઃ ભારતથી લવાયેલી મૂર્તિઓનું શોભાયાત્રા સાથે ભવ્ય સ્વાગતઃ લોકોએ વડા પ્રધાન મોદીને બિરદાવ્યા, 2024ની ચૂંટણીમાં વિજયની શુભેચ્છા પાઠવી

Tuesday 23rd January 2024 15:16 EST
 
 

ઓકલેન્ડ, ન્યૂ ઝીલેન્ડઃ ભારતમાં અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને ન્યૂ ઝીન્ડના ભારતીય ડાયસ્પોરાએ ભાવુકતા સાથે વધાવી લીધી હતી. ઈન્ડિયન માઈનોરિટીઝ ફાઉન્ડેશન (IMF) દ્વારા ભારતથી લવાયેલી ભગવાન રામ અને સીતા માતાની મૂર્તિઓનું શોભાયાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડના એડન પાર્ક ખાતે મહાયજ્ઞમાં હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અગાઉ વેલિંગ્ટનના ભારતીય ટેમ્પલ ખાતે પૂજાવિધિઓ યોજાઈ હતી.

રામ લલ્લા કી જય હો’ ના ઘોષથી ભક્તિભાવ છવાયો

અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનું પ્રસારણ નિહાળવા સાથે ભારતીય ડાયસ્પોરાના લોકોએ મત પ્રગટ કર્યો હતો કે વડા પ્રધાન મોદીના કારણે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામ પાછા ફર્યા છે. ન્યૂ ઝીલેન્ડમાં મહાયજ્ઞ, પ્રાણપ્રતિષ્ઠા અને મૂર્તિ સ્થાપના વેદિક વિધિઓ અને હિન્દુ પરંપરા અનુસાર સંપન્ન કરાઈ હતી. દેશના વિવિધ મંદિરોના 30 પૂજારીઓ વિધિઓમાં સામેલ થયા હતા. IMFના કન્વીનર સતનામ સિંહ સાંધુ ભારતથી 13,000 કિલોમીટરની મુસાફરી કરી ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓ સાથે અક્ષત કળશ પણ લાવ્યા હતા. મુખ્ય પૂજારી ઉપેન્દ્ર શાસ્ત્રી દ્વારા શુદ્ધિકરણ અને વસ્ત્રગ્રહણ વિધિઓ કરાવાઈ હતી. પવિત્ર મૂર્હુતમાં મૂર્તિઓનાં દર્શન કર્યા પછી લોકોની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. ભાવિકોએ ‘એક હી નારા, એક હી નામ, જય શ્રી રામ, જ્ય શ્રી રામ’ અને રામ લલ્લા કી જય હો’ ના ઘોષથી વાતાવરણમાં ભક્તિભાવ છવાઈ ગયો હતો.

ઓકલેન્ડના ભારતીય મંદિરના મુખ્ય પૂજારી ઉપેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘500 વર્ષના લાંબા ગાળા પછી ભગવાન શ્રી રામનો વનવાસ પૂર્ણ થયો છે અને તેમના અયોધ્યા પુનરાગમનની ઘટનાના આપણે સાક્ષી બન્યા છીએ તે ભારે સદ્નસીબ છે. વડા પ્રધાન મોદીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે સમગ્ર વિશ્વમાં બંધુત્વ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો સંદેશો પાઠવી હિન્દુ યાત્રાસ્થળો અને સમૃદ્ધ ભારતીય વારસાની જાળવણી અને વિશ્વમાં હિન્દુ ધર્મને આગળ વધારવાનું કાર્ય કર્યું છે.’ સુનિલ દાસ (હિન્દુ ફાઉન્ડેશન ન્યૂ ઝીલેન્ડ), હેમલતા જૈન અને અનિલ કુમાર જૈન (દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન), ન્યૂ ઝીલેન્ડ નેશનલ પાર્ટીના ઉમેદવાર સિવા કિલ્લારી, એન્ટ્રેપ્રીન્યોર દીક્ષા અગ્રવાલ, મનધીર સિંહ નેગી તેમજ સંખ્યાબંધ પુરુષ-સ્ત્રીઓએ રામમંદિરનું સ્વપ્ન સાકાર કરવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઘણા લોકોએ 2024માં તેમના વિજયની શુભકામના પણ આપી હતી.

વડા પ્રધાન મોદીમાં ભારતીયોની મહેચ્છા પૂર્ણ કરવાની શક્તિઃ ડેવિડ સિમોર

મિનિસ્ટર ફોર રેગ્યુલેશન અને 2025માં ન્યૂ ઝીલેન્ડના સંભવિત ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ સિમોરે જય શ્રી રામ કહેતા જણાવ્યું હતું કે હું ભારતના દરેક લોકો અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. માનવી શું કરી શકે છે તેનો પુરાવો રામ મંદિર છે. વડા પ્રધાન મોદીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરના સ્વપ્નને સાકાર બનાવ્યું છે.’ ન્યૂ ઝીલેન્ડના મેલિસ્સા લી સહિતના કેબિનેટ મિનિસ્ટર્સે ભગવાન શ્રી રામના આગમન અને રામમંદિરના નિર્માણ બાબતે ભારતીય ડાયસ્પોરાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભારત સાથે સંબંધો મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter