ચોરી-લુંટફાટથી બચવું છે? આટલું કરો....ચોર ચાર વાર વિચારશે

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર અને પોલીસ દવારા જાગૃતી ફેલાવવા ઝુંબેશ

- કમલ રાવ Tuesday 20th February 2018 09:18 EST
 
મંદિર ખાતે ઉપસ્થિત પોલીસ અધિકારીઅો ડાબેથી DI કમલ પટેલ, PSCO અજય ધોકીયા અને PSCO નેરી પટેલ
 

યુકેના વિવિધ શહેરોમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને સોનાના દાગીનાની ચોરી અને લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન દ્વારા મેટ્રોપોલિટન પોલીસના સહયોગમાં સત્સંગીઅો અને સૌ કોઇ માટે જાગૃતી ફેલાવવા એક નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સાંજની સભામાં ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર કમલ પટેલ (મેટ પોલીસ લીડ ફોર કોમ્યુનિટી એંગેજમેન્ટ ફેમિલી ગોલ્ડ) અને તેમના સાથી સ્ટિવ ટોડ દ્વારા રજૂઆત કરાઇ હતી. હાલમાં થઇ રહેલા સોનાના દાગીનાની ચોરીઅોના બનાવો અને આવા ગુનાઅોને રોકવા માટે સમુદાય કેવી રીતે એક-બીજા સાથે મળીને કામ કરી શકે તે વિશે વિસ્તૃત સમજ આપતા પ્રદર્શનની દર્શનાર્થીઅોએ મુલાકાત લીધી હતી. આગામી શનિવાર તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ પણ ફરીથી મુલાકાત લઇ શકાશે.

"ગુજરાત સમાચાર"ને માહિતી આપતા ડીટેક્ટીવ ઇન્સપેક્ટર કમલ પટેલે જણાવ્યું હતું કે "છેલ્લા એક વર્ષમાં માત્ર લંડન વિસ્તારમાંથી £૫૦ મિલિયનના દાગીનાની ચોરી થઇ હતી હતી. આ ચોરીઅોનો ભોગ બનેલા લોકોમાં ૩૦% લોકો માત્ર એશિયન હતા. ચોરીઅોના આ બનાવોના ૫૦% કેસમાં માત્ર જ્વેલરીની ચોરી થઇ હતી. એશિયન્સ અને ખાસ કરીને ભારતીયો દ્વારા પહેરવામાં આવતા ૨૨ કેરેટના સોનાના દાગીના ચોરો માટે મુખ્ય ટારગેટ હોય છે. જેમાંથી ચોરોને ૨૧.૬% શુધ્ધ સોનુ મળે છે અને પ્રોફીટ માર્જીન પણ સારુ મળે છે. સમગ્ર લંડન વિસ્તારમાં અોર્ગેનાઇઝ્ડ ક્રિમનલ નેટવર્ક કામ કરે છે અને તેઅો એશિયન પરિવારોના ઘરના સરનામા શોધી કાઢે છે. ઘર બહાર કે દરવાજા પર લાગેલા સાથીયો, ભગવાનની છબી, અોમ કે અન્ય ધાર્મિક ચિહ્નો દોરેલા હોય તો તેઅોને આપણું ઘર શોધવામાં આસાની થાય છે. માટે આવા સીમ્બોલ દૂર કરવા જરૂરી છે.”

કમલ પટેલે જણાવ્યું હતું કે "ચોરીઅોને અટકાવવા જાગૃતી ફેલાવવા અને સૌને સમજ આપવા મેટ્રોપોલિટન પોલીસ દ્વારા સમગ્ર લંડનમાં છેલ્લા ૬ માસમાં કુલ આઠ જેટલા કાર્યક્રમોના આયોજન કરીને ૧૮૦,૦૦૦ લોકોને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા ફેમિલી ગોલ્ડ નેટવર્ક નામના ગૃપની રચના કરવામાં આવી છે. આ ગૃપના વોલંટીયર્સ પોલીસ અને વિવિધ સમુદાયના લોકો વચ્ચે કડીરૂપ બની વ્યક્તિગત સુરક્ષા અને ઘરની સુરક્ષા કેવી રીતે કરવી તે વિષે સમજ આપે છે.

દાગીનાનું વેલ્યુએશન

સોનાના દાગીના તેમજ મુલ્યવાન ચીજવસ્તુઅો પર પોલીસ દ્વારા અપાતી ખાસ ઇન્કથી માર્કિંગ કરો. સફેદ કાગળ પર દાગીનો મૂકીને તેનો ફોટોગ્રાફ લઇ દરેક દાગીનાની સીરીયલ નંબર સહિત નોંધ કરો. સેફ લોકરમાં મૂકેલા કે ઘરમાં તમારી પાસે હોય તેવા બિલ ન હોય તેવા તમામ દાગીનાનું વેલ્યુએશન કરાવવું જોઇએ. વીમા કંપની તે વેલ્યુએશન અથવા તો બિલના મુલ્યના આધારે તમને ક્લેઇમના નાણાં ચૂકવે છે. રજીસ્ટર્ડ વેલ્યુઅર દરેક દાગીનાની તસવીર લઇ, તેનું ચોક્કસ વર્ણન - માર્કિંગ વગેરે લખે છે અને તેનો ચોક્કસ રીપોર્ટ આપે છે. આ રીપોર્ટ ક્લેઇમના નાણાં લેવામાં મદદરૂપ બને છે. મોટાભાગે દરેક વીમા કંપનીના પ્રિમયમમાં £૧૦,૦૦૦ જેટલી રકમના દાગીના - જ્વેલરી કવર કર્યાં જ હોય છે. પરંતુ જો વધુ દાગીના હોય તો નજીવું પ્રિમયમ ભરીને પણ તેનું કવર લેવું સારૂ.

દાગીનાના વેલ્યુએશન અને માર્કિંગ કરાવવાથી ચોર પકડાય ત્યારે તમારા દાગીના પાછા મળવાની શક્યતાઓ વધી જાય છે અને ગુનેગારને સજા કરવામાં પણ મદદરૂપ થાય છે.

ચોરી કે લુંટફાટના બનાવો અટકાવવા સાવચેતીના પગલા

તહેવારો દરમિયાન બહારના સ્થળો અને કાર્યક્રમમાં હાજરી આપતી વખતે હંમેશાં કોઇની સાથે જ પ્રવાસ કરો. એકલા અને ખાસ કરીને અંધારામાં મુસાફરી કરવાનું ટાળો. આવા સમયે બને તો પહેરેલા દાગીના ઢાંકી દો. ઘરમાં ઝવેરાત અથવા મૂલ્યવાન ચીજો પણ કોઇને ન દેખાય તે રીતે રાખો. ઘરફોડ ચોરીના બનાવોને રોકવા માટે ઇન્ટ્રુડર એલાર્મ સિસ્ટમ નંખાવો અને તેનું અલાર્મ સૌને દેખાય તે રીતે મૂકાવો. જેની કિંમત ૩૦૦ પાઉન્ડથી વધતી નથી અને કોઇ પણ વ્યક્તિ આસાનીથી બે કલાક કરતા ટૂંકા ગાળામાં તે ફીટ કરી શકે છે. ઘરની આજુ-બાજુના ભાગ અને પાછળથી પ્રવેશ ન કરી શકાય તેની તકેદારી રાખો. જો ફ્લેટ્સ / એપાર્ટમેન્ટ્સમાં રહેતા હો તો ખાતરી કરો કે મુખ્ય દરવાજો સુરક્ષિત છે. પ્રોપર્ટીઝની આજુબાજુ મોશન સેન્સર LED લાઇટ (આશરે કુલ ખર્ચ ૮૦ પાઉન્ડ) નાંખો. જેથી કોઇની હેરફેરથી તુરંત લાઇટ ચાલુ થતા ચોરોમાં ડર પેસે છે. અલાર્મ અને મોશન સેન્સર લાઇટ ચોરીના બનાવોને રોકવામાં ખૂબજ અસરકારક બને છે. ઘરના તમામ દરવાજાઅોને લોક કરો અને લોક કર્યા પછી ચાવી લેવાનું ન ભૂલો. લેટર બોક્ષમાંથી અંદર હાથ ન જાય તે માટે સાવચેતી રાખો. જો સમરમાં બારી-બારણા ખોલ્યા હોય તો તમે ન હો તેવા સંજોગોમાં તેને બંધ કરો. ચોર સામાન્ય રીતે, બેડરૂમ, લોફ્ટ, ટોયલેટના ફ્લશ, ઘરના ફ્લોર બોર્ડની ખાસ તપાસ કરે છે. અમૂક ચોરો મેટલ ડીટેક્ટર દ્વારા તપાસ કરે છે. બને તો દાગીના કોઇ શક ન આવે તેવી અજાણી જગ્યાએ મૂકો.

જો તમે ઘરે ન હો તો સાંજે અંધારૂ થતા ઘરમાં અોટોમેટીક લાઇટ ચાલુ થાય તેવી ટાઈમર-સ્વિચનો ઉપયોગ કરો. શિયાળાના ટૂંકા દિવસોમાં તે ખાસ ઉપયોગી નીવડે છે. આજ રીતે તમે ઘરની બહાર હો ત્યારે લાઇટ, ટીવી અથવા રેડિયોને ચાલુ રાખજો જેથી કોઇને લાગે કે ઘરમાં કોઇ છે. જો ઘરમાં પેઇંગ ગેસ્ટ, રૂમ શેર કરનાર કે વધુ લોકો રહેતા હોય તો તકેદારી રાખો કે કોણ કોને લાવી રહ્યું છે. બને ત્યાં સુધી ઘરેણાં ઝવેરાત ઘરમાં રાખશો જ નહીં અને શક્ય હોય તો બેંક કે સેફ ડીપોઝીટ વોલ્ટમાં રાખો. સેફ ડીપોઝીટ વોલ્ટનું ભાડુ હંમેશા પોષાય તેટલું હોય છે જે ખૂબજ ઉપયોગી થઇ રહે છે.

અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશ

જ્યારે કોઈ વ્યક્તિ બનાવટી નામે આપના ઘરે આવે તેવા સંજોગોમાં સાવચેતી રાખી હોય તો ગુનો બનતા રોકી શકો છો. તમારી એપોઇન્ટમેન્ટ ન લીધી હોય કે તમને તે વિષે ખબર ન હોય તો તેને પ્રવેશ આપશો નહિં. ઘરનું બારણું ખોલતા પહેલા દરવાજા સાથે સિક્યુરીટી ચેઇન લગાવો અને સ્પાય હોલ કે બારીમાંથી જોઇને જ દરવાજો ખોલો. કોઈને ઘરમાં પ્રવેશ આપતા પહેલા હંમેશા તેની પૂછપરછ કરો અને તેમનું ID ચકાસો. જરૂર લાગે તો જ્યાંથી આવ્યા હોય તે સંસ્થાને ફોન કરો અથવા સગા કે પડોશીને ફોન કરીને મદદ લો. જો શંકા લાગે તો તેમને ઘરમાં આવવા ન દો અને ફરીથી પાછા આવવા જણાવો.

ઘણી વખત ઘરમાં ઘુસવા ચોર લુંટારા તમારા ઘરના ગાર્ડનમાં કશુંક પડ્યું છે કે તમારા રસોડામાં ગેસમાં તકલીફ છે... જેવા બાહના બનાવી તમારૂ ધ્યાન બીજે કેન્દ્રિત કરીને કે તમને ગાર્ડન કે રસોડામાં ચેક કરવા મોકલી તકનો લાભ લઇને ઘરમાં ઘુસી જઇ ચોરી કરતા હોય છે. ઘણી વખત ગેસ - વીજળી પૂરી પાડતી કંપનીઅો તમારા ત્યાં જો કોઇ સ્ટાફ કે એન્જીનીયરને મોકલનાર હોય તો તેઅો તમારી સાથે ફોન કરીને કોઇ પાસવર્ડ નક્કી કરે છે અને આવનાર વ્યક્તિને તે પાસવર્ડ આપે છે. જો તે પાસવર્ડ મેચ થાય તો જ જે તે એન્જીનીયર કે સ્ટાફને પ્રવેશ આપવો.

આમ છતાં ગમે ત્યારે તમને જો ઘરે આવનાર વ્યક્તિથી ડર લાગે કે જોખમ લાગે તો તમારે 999 ઉપર પોલીસને ફોન કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter