દેવી ભગવતી શક્તિ પીઠ નિર્માણ લાભાર્થ પૂ. દેવીજીની યુ.કે. યાત્રા

Tuesday 05th June 2018 07:52 EDT
 

આપણે સૌ ભારતથી જોજનો દૂર વસીયે છીએ પણ આપણી રગેરગમાં ભારતીયતા પ્રવર્તે છે. ‘જ્યાં વસે ભારતીય, ત્યાં વસે એક ભારત’. જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપણાંથી દૂર હોય ત્યારે તે આપણાં હૃદયની ખૂબ નજીક હોય છે. આપણે સૌ આપણાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ. મંદિરો, સંસ્થાઓ, ભજન-સત્સંગ મંડળોએ હિન્દુ ધર્મના દીપકને તેમના યોગદાનનું ઘી પૂરી આજ સુધી નિરંતર રાખેલ છે. હિન્દુ ધર્મની ધજાને દુનિયાભરમાં હંમેશ લહેરાતી રાખવા માટે યુવા પેઢીને સજ્જ કરવી ખૂબ જરૂરી છે. આગામી પેઢીને હિન્દુત્વનાં રંગે રંગવા તેમને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે ધાર્મિક-સામાજીક સંસ્થાઓએ બાળકોને સામેલ કરી ધર્મ શિક્ષણ આપવું જરૂરી છે.

સૌથી પૌરાણીક ગણાતો હિન્દુ ધર્મ - સંસ્કૃતિ - સંસ્કારો - સંસ્કૃતભાષા અને યોગ વિજ્ઞાન વિશ્વને સૌથી મોટી દેન છે, જેના મૂળભૂત પાયા ઉપર વિશ્વભરનાં સંપ્રદાયો - ભાષા - સાહિત્ય – વિજ્ઞાન વિકાસ પામ્યાં છે. જે પાવનધરા ઉપર હિન્દુ ધર્મનો ઉદ્ભવ થયો એ ભારતભૂમીની મહત્તા માપવા માટે વિશ્વમાં કોઈ માપદંડ સમર્થ નથી. મા ભારતીનાં વારસાના જતન કરવા માટે મંદિરો નિર્માણ કરવાં અને બાળકોનાં મનમાં ભારતમાતાનાં ગુણગાનનાં બીજ રોપાવા જ જોઈએ.

આ ઉચ્ચ વિચારધારા પર શ્રી ભગવતીશક્તિ પીઠ મંદિરનો નોંટીગહામની ધરા પર શીલાન્યાસ કરવામાં આવ્યો છે. માતા ભગવતીનાં મંદિર નિર્માણ લાભાર્થ શ્રી દેવી ભાગવત કથાનું આયોજન લેસ્ટરમાં કરવામાં આવ્યું અને આસ્થા ચેનલના માધ્યમથી પૂ. દેવીજી હેમલતા શાસ્ત્રીની મધુરવાણીમાં વિશ્વભરમાં તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. કથાનાં આયોજનમાં હિન્દુ મંદિર, લેસ્ટર તરફથી મળેલ સાથ-સહકાર બદલ ભગવતી શક્તિપીઠ નોટીંગહામનાં અનિલ રણદેવ અને સર્વે કાર્યકર્તાઓ હાર્દિક આભાર માન્યો છે.

તા. ૧૮થી ૨૫ મે દરમિયાન આ કથામાં યુ.કે.ભરમાંથી ભક્તો ઊમટ્યા અને માતા નવદુર્ગા સાથે ભારતમાતાનાં પૂજન અને અર્ચનનો પણ ખાસ કાર્યક્રમ કરી વિશ્વભરની કથાઓનાં ઇતિહાસમાં એક નવું સોપાન શરૂ કર્યું. પૂ. દેવીજી હેમલતા શાસ્ત્રીની વાણીમાં ભારત માતા પ્રત્યેનો અપાર પ્રેમ અને લાગણી પ્રવર્તે છે. પૂ. દેવીજીના કાર્યક્રમો ગીતાભવન મંદિર – લેસ્ટર, શ્રી સનાતન હિન્દુ મંદિર – કાર્ડિફ, ભગવતી શક્તીપીઠ નોટીંગહામમાં યોજાયા હતા.

દેવી હેમલતાજીની આ સર્વપ્રથમ વિદેશયાત્રા ને તેમણે શ્રી ભગવતીશક્તિ પીઠ મંદિર નિર્માણના હેતુને સમર્પિત કરી છે. આવો આપણે સૌ ભેગા મળી પૂજ્ય દેવીજીના સંકલ્પને ફળીભૂત કરવા સાથ આપીયે. આપના દાનનો ચેક ‘Bhagwati Shakti Peeth’ના નામનો લખી 47 Eland Street, Basford, Nottingham, NG7 7DY પર મોકલવો. ડેબીટ-ક્રેડીટ કાર્ડથી દાન આપવા માટે સંપર્ક 0800 999 0022 અથવા Anil Randev 07868 755 506.

પ્રભુકથાના માધ્યમથી ભારત માતાની અનન્ય સેવા કરનાર દેવી જી હેમલતાજી તા. ૧૫મી જૂનના રોજ યુકે યાત્રાને વિરામ આપી સ્વદેશગમન કરશે. તેમની વાણીથી પ્રભાવીત અનેક સંસ્થાઅોએ કથા માટે ઇચ્છા વ્યક્ત કરી છે. તેમની લાગણીને માન આપી દેવીજી આગામી સપ્ટેમ્બર માસમાં ફરીથી યુકે પધારશે. જેમના કાર્યક્રમો માટે સંપર્ક: દીપ્તી મિસ્ત્રી 07846 852 215.

000

લંડન વાસીઓને પણ દેવીજીના વાણીનો લાભ મળે તે માટે રવિવાર તા. ૧૦ જૂનના રોજ સવારે ૯.૩૦થી ૧૨.૩૦ સુધી ‘એક દીપ ભારત કે નામ’ એક દીવસનો ખાસ કાર્યક્રમ Ilford Hindu Centre, 45 Albert Road, Ilford, IG1 1HN ઇલ્ફર્ડમાં રાખવામાં આવ્યો છે જેમાં પધારવા સૌને હાર્દિક આમંત્રણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter