ધનપૂજનથી હિસાબ ચોખ્ખો રહેશે, લક્ષ્મીજી શુદ્ધ થશેઃ અનુપમ મિશનમાં સાહેબજીની નિશ્રામાં દીપોત્સવ ઉજવાયો

Wednesday 02nd November 2022 06:58 EDT
 
 

અનુપમ મિશન-યુકે દ્વારા પ.પૂ. સંત ભગવંત સાહેબજી, પ.પૂ. સંત શાંતિદાદા અને વડીલ સંત પ.પૂ. દિલીપદાસજીની પાવક ઉપસ્થિતિમાં ડેન્હામ ખાતે દિવાળી અને નૂતન વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 24 ઓક્ટોબરે લક્ષ્મી પૂજન અને શારદા પૂજન કરાયું હતું જ્યારે 26 ઓક્ટોબરે નૂતન વર્ષ આશીર્વાદ અને થાળ ઉત્સવ યોજાયા હતા. સાહેબજીના હસ્તે અન્નકૂટ આરતી થઇ હતી. હજારો હરિભક્તો તેમના પરિવારજનો અને મિત્રો સાથે અન્નકૂટ દર્શન સહિતના તમામ કાર્યક્રમોની ઉજવણીમાં ઉલ્લાસભેર જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુરુહરિ સંત ભગવંત સાહેબજી યુએસની ધર્મયાત્રા કરી 18 ઓક્ટોબરે જ યુકે પરત પધાર્યા હોવાથી સંતો અને અક્ષરમુક્તોમાં દિવાળીના પર્વોની ઉજવણીનો અનેરો ઉલ્લાસ હતો. આ પ્રસંગે 24 ઓક્ટોબરે સાધુ હિંમતસ્વામીદાસજી અને સાધુ અશોકદાસજીએ લક્ષ્મી પૂજન અને શારદા પૂજનની વિધિ કરાવી હતી. સંત ભગવંત સાહેબદાદાએ આશીર્વચન આપતા કહ્યું હતું કે ‘માનવદેહ દુર્લભ છે અને આ દેહમાં રહેલા આત્માના કલ્યાણ માટે ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર પધાર્યા અને વરદાન આપ્યું કે વ્યક્તિ ગમેતેટલી પાપી-પુણ્યશાળી, નાની-મોટી, અભણ કે ભણેલી હશે પણ જો ભગવાન અને ભગવાનના સાધુના યોગમાં આવશે અને તેમની સાથે આત્મબુદ્ધિ અને પ્રીતિએ જોડાશે તો અવશ્ય તેનો ઉદ્ધાર થશે અને છેલ્લો જન્મ થઇ જશે. આજે ધનપૂજા કરી, વહીઓના પૂજન થયા જેનાથી આપનો હિસાબ ચોખ્ખો રહેશે અને ભગવાનના કાર્યમાં કમાણીમાં દસ-વીસ ટકા ભાગ કાઢીશું તો લક્ષ્મી શુદ્ધ થશે અને આપણને કુસંગ-વ્યસન અને કકળાટ-કંકાસથી દૂર રાખશે.’
તેમણે કહ્યું હતું કે આજના શુભ દિવસે યુકેના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એક હિંદુ વ્યક્તિ પ્રધાન મંત્રી તરીકે નિમાયા છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય અને આપણા સૌ હિંદુઓ માટે સારામાં સારી દિવાળી ઉજવાઈ કહેવાય. શ્રી ઠાકોરજીને આપણે સૌ પ્રાર્થના કરીએ કે તેઓ આ કાર્યમાં સફળ થાય અને સમગ્ર બ્રિટનનો ઉત્કર્ષ થાય. તેઓ સૌ દેશવાસીઓ તન-મન-ધન અને આત્માએ કરીને ખુબ સુખિયા થાય તે આજની દીપાવલીની વિશેષ પ્રાર્થના છે.’

નૂતન વર્ષ ઉત્સવ

અનુપમ મિશન - યુકેમાં વર્ષારંભથી શરૂ થયેલા અન્ય સામૈયાઓની ઉજવણીની જેમ જ ગુરુહરિ સંત ભગવંત સાહેબજી અને સદ્ગુરુ સંત પ.પૂ. શાંતિદાદાના દિવ્ય સાન્નિધ્યમાં નૂતન વર્ષના સામૈયાની ઉજવણી પણ ખૂબ અદભુત રીતે થઇ. ઉજવણીમાં સર્વશ્રી ભીખુભાઇ, વિજયભાઈ, તુષારભાઈ, નયનકુમાર, વિજયકુમાર ઠક્કર, રોહિતભાઈ મહેતા, સતિષભાઈ ચતવાણી, રશ્મિભાઈ ચતવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અન્નકૂટ પ્રસંગે શ્રી ઠાકોરજીના થાળ ગવાય બાદ ગુરુહરિ સાહેબજીએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે કે, ‘ભારતીયો દુનિયાના ગમે તે ખૂણે વસતા હોય પણ માતા-પિતા અને ગુરુઓ તરફથી મળેલા સંસ્કારોને લીધે આપણે જ્યાં હોઈએ ત્યાં આવા ઉત્સવો ઉજવીને આખું ભારત ઉભું કરી દે છે. ભગવાનને સાથી રાખીને સઘળા કામ કરો અને ભક્તિ કરો... પહેલા પ્રભુ પછી પગલું... અને જે કઈ છે તે પ્રભુના અર્થે વાપરીને તેને પ્રસાદીનું કરવું જોઇએ.’ આ સાથે જ તેમણે જણાવ્યું કે નવનિર્માણ પામી રહેલા ૐ અંત્યેષ્ઠી સંસ્કાર કેન્દ્ર માટે જે કોઈ પણ સેવા કરશે તેના ઉપર મહારાજ રાજી રહેશે.
નૂતન વર્ષના મહાપ્રસાદની સેવા લંડનના સાઉથોલમાં રેસ્ટોરાં ધરાવતા ગુલુ આનંદના સૌજન્યથી ગોઠવાઇ હતી. આ દિવસે આશરે ૨૬૦૦ જેટલા સંતો - હરિભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter