નવનાત દ્વારા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી

Wednesday 29th October 2025 07:02 EDT
 
 

લંડનઃ નવનાત પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી કરવામાં આવે છે. સમૃદ્ધિ, એકતા અને સંસ્કૃતિનો આ અવિનાશી ઉત્સવ પરંપરા સમૃદ્ધિ, આભાર અને નવા આરંભનું પ્રતિક છે. પરંપરા અનુસાર, આ વર્ષે પણ 20 ઓક્ટોબરે પવિત્ર પ્રસંગની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં સમાજના અનેક સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રેસિડેન્ટ જસવંત દોશીના ઉષ્માભર્યા સ્વાગતથી થઈ હતી. તેમણે સહયોગીઓ રમેશભાઈ શાહ અને ભોગીભાઈ સંઘવીને કાર્યક્રમનું આયોજન કરવા માટે કરેલા શ્રેષ્ઠ પ્રયત્નો બદલ હાર્દિક આભાર માન્યો હતો.
લક્ષ્મી પૂજન વિધિ
લક્ષ્મી પૂજનમાં બિઝનેસમેન, નવનત વાણિક એસોસિએશનના ખજાનચીઓ, નવનાત સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા હાલના ઓડિટર શ્રી આશિષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા..કુલ 60 ટેબલ પર બે-બે ભાગ લેનાર તથા આશરે 50 નિરીક્ષકો એમ 170થી વધુ સભ્યોએ દિવાળી અને ચોપડા પૂજનની ઉજવણીમાં ભાગ લીધો હતો ચા અને કોફી બાદ મહારાજ રવિ શાસ્ત્રીએ લગભગ એક કલાક સુધી પૂજન વિધિ સંપન્ન કરાવી હતી. દરેક ભાગ લેનારને વિશેષ રીતે તૈયાર કરાયેલ ટેબલ આપવામાં આવ્યું હતું, જેમાં ભગવાન ગણેશજી અને લક્ષ્મીમાતાની પ્રતિમાઓ તથા પૂજન માટેની જરૂરી સામગ્રી રાખવામાં આવી હતી.
આ વર્ષે વિશેષ રૂપે કમળનું ફૂલ, જે લક્ષ્મી માતાનું પ્રતિક ભેટરૂપે આપવામાં આવ્યું હતું.
પૂજન પછી સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. જેમાં ઇડલી સાંભાર, સમોસા, કાળા જામુન, ગરમ ચિપ્સ તથા સોફ્ટ ડ્રિંક્સ પીરસવામાં આવ્યા હતા. ભોજનની ખૂબ પ્રશંસા થઈ હતી અને સૌએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવનો આનંદ માણ્યો હતો.
કાર્યક્રમના અંતે ભોગીભાઈ સંઘવીએ તમામ દાતાઓ અને સહયોગીઓને આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં શ્રીમતી નીતા શેઠનો સુંદર સજાવટ માટે, શ્રી સુરેશભાઈ શેઠનો પૂજન દરમિયાન સહાય માટે, શ્રી કેતન આદાણીનો કેમેરા સેટઅપ માટે, શ્રી કિશોર બાટવિયાનો સાઉન્ડ સિસ્ટમ માટે, શ્રીમતી ભારતી શાહ અને શ્રીમતી ઇન્દુ સંઘવીનો રિસેપ્શન અને મીઠાઈના બોક્સ માટે, શ્રીમતી માલા અને શ્રી શિરીષ મિઠાણીનો પૂજનની થાળીઓ ગોઠવવા તથા નાણાકીય વ્યવસ્થાપન માટે અને શ્રી પરેશભાઈ મહેતાનો રસોડાની કામગીરીનું સંચાલન કરવા માટે આભાર મનાયો
હતો. ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનનો આ અવસર ભક્તિ, એકતા અને ઉત્સાહથી ઓતપ્રોત હતો.. નવનાતના સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજભાવના પ્રતિબદ્ધતાનું એક જીવંત પ્રતિબિંબ બની રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter