નીસડન મંદિર ખાતે 10 દિવસનો પ્રેરણા ઉત્સવ

Wednesday 06th July 2022 08:46 EDT
 
 

લંડનઃ વિશ્વવિખ્યાત નીસડન મંદિર આ ઊનાળામાં 22થી 31 જુલાઇ દરમિયાન યોજાયેલા 10 દિવસના પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓને આવકારવા અને એકઠાં કરવા અતિ ઉત્સુક છે. સાત એકરમાં પથરાયેલા મંદિર પરિસરમાં 10 દિવસ સુધી બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રેન્ટનો સમગ્ર વિસ્તાર સંગીતની સૂરાવલિઓ, રંગોની છોળો અને સુગંધથી ઝળહળી ઉઠશે. આ સામુદાયિક મેળાવડામાં નીસડન મંદિરના રચયિતા અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ પૈકીના એક એવા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ જયંતિની ઉજવણી કરાશે. અન્યોની ખુશીમાં જ આપણી ખુશી રહેલી છે તેવા શિક્ષણ અને સિદ્ધાંતો સાથે તેઓ આ જીવન જીવ્યાં છે.
પ્રેરણા ઉત્સવના સંખ્યાબંધ આકર્ષણો મધ્યે ‘ધ આઇલેન્ડ ઓફ હીરોઝ’ મહત્ત્વનું આકર્ષણ બની રહેશે. જેમાં બાળકો આનંદની સાથે સાથે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની પ્રેરણાદાયી વાતો શીખી અદ્દભૂત અનુભવ મેળવી શકશે. બાળકો વિવિધ પ્રકારની રમતો, વાર્તાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, કાર્ટુન ફિલ્મો તેમજ જીવંત કાર્યક્રમો દ્વારા આનંદની સાથે શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકશે. 8 વર્ષથી નાના બાળકો પરિસરમાં જ તૈયાર કરાયેલા પ્લે એરિયામાં મોજમઝા કરી શકશે.
પરિસરમાં જ વિશાળ મંચ તૈયાર કરાશે જેના પર ભારતભરમાંથી આવેલા સંગીતકારો, નૃત્યકારો સહિત અન્ય કલાકારો દ્વારા જીવંત રજૂઆતો થશે. સ્થાનિક રહેવાસીઓ તેમજ દૂર સુદૂરથી આવેલા મુલાકાતીઓ પ્રેરણા ઉત્સવમાં એકસાથે જોડાશે અને આ ઉત્સવની ઉજવણીને સફળ બનાવવા પોતાનું યોગદાન પણ આપી શકશે અને ભાઇચારામાં બ્રેન્ટની સમૃદ્ધ વૈવિધ્યતાની ઉજવણી કરશે.
ભારતના ભવ્ય વારસાને રજૂ કરતી પ્રેરણાદાયી પ્રતિમાઓ અને ચિત્રો દ્વારા યોગ અને સુખાકારી, પર્યાવરણની કાળજી અને પારિવારિક ભાઇચારાના માધ્યમથી જીવન જીવવાનું માર્ગદર્શન અપાશે. વિવિધ પ્રકારના શો, પ્રવૃત્તિઓ અને રજૂઆતો ધરાવતા આકર્ષક લર્નિંગ ઝોનમાં મુલાકાતીઓને ઇતિહાસ, પ્રતિબિંબ અને પ્રેરિત જીવનનું સંગ્રહાલય ઉપલબ્ધ કરાવાશે.
જ્યાં સુધી જીભને આસ્વાદ ન મળે ત્યાં સુધી કોઇ પણ ઉત્સવ અધૂરો રહે છે. પ્રેરણા ઉત્સવ ખાતે વિવિધ પ્રકારના વ્યંજનો અને ભોજનનો આસ્વાદ માણવા મળશે. જાણીતા કૂક દ્વારા લાઇવ કૂકિંગ શો આયોજિત કરીને જીભના આસ્વાદની મુસાફરીને વધુ જીવંત બનાવવામાં આવશે. અનંત શિક્ષણ અને સાંસ્કૃતિક વન્ડરલેન્ડના અનુભવમાંથી પસાર થયા પછી મુલાકાતીઓ તાજગીભર્યા માનસ સાથે જ નહીં પરંતુ ઉર્જાવાન આત્મા સાથે પાછા ફરશે.
પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત મૂલ્યોની આ ઉજવણી તમામ વર્ગ, પશ્ચાદભૂ ધરાવતા અને વિવિધ સંસ્કૃતિના લોકોને એકસાથે લાવશે અને આ મહાન વિસ્તારના લોકો માટે સાચા અર્થમાં ફેમિલી ડે આઉટ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter