ભારતના LED બલ્બથી બ્રિટન ઝગમગી ઉઠશે: ૨૦૨૨ સુધીમાં ભારત વિશ્વમાં ઝળહળશે

- કોકિલા પટેલ Wednesday 17th May 2017 08:06 EDT
 
 

ભારત સરકારમાં ઉર્જા, કોલસા, નવીન તેમજ નવીનીકરણ ઉર્જા તથા ખાણ બાબત સ્વતંત્ર હોદ્દો ધરાવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ તાજેતરમાં બ્રિટનના પ્રવાસે આવ્યા હતા. ભારત-યુ.કે. જોઇન્ટ એફોર્ડેબલ અંતર્ગત "ઉજાલા" પ્રોગ્રામ લોંચ કરવા આવેલા ઉર્જા મંત્રી પિયુષ ગોયેલ જણાવ્યું કે, ભારતીય બનાવટના LED બલ્બથી હવે બ્રિટન-લંડન ઝગમગશે. ગયા શનિવારે (૧૩ મે) વેસ્ટ લંડનના હેઇઝ ખાતે નવનાત ભવનમાં "ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી"ના ઉપક્રમે પિયુષભાઇનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય હાઇકમિશ્નર વાય. કે. સિંહા પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે કહ્યું કે, "છેલ્લા ત્રણેક વર્ષથી મારું ઓબ્ઝર્વેશન છે કે વિશ્વભરમાં ભારતનું માન-સન્માન વધ્યું છે. આરએસએસ અને ભારતીય જનસંઘના પ્રમુખ નેતાઓમાંના એક પંડિત દિનદયાલ ઉપાધ્યાયની શતાબ્દિ આ વર્ષે ઉજવાઇ રહી હોવાથી કાર્યક્રમનો આરંભ એમના જીવનચરિત્ર દર્શનથી થયો. ત્યારબાદ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રમુખ લાલુભાઇ પારેખે સૌનું અભિવાદન કરી પિયુષભાઇનો પરિચય આપ્યો હતો. પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે અદભૂત વાકચાતુર્ય ધરાવતા પિયુષભાઇએ જણાવ્યું કે, “કવિ રાજિન્દર કૃષ્ણએ લખ્યું છે એમ જહાં ડાલ ડાલ પર સોનેકી ચિડિયા કરતી હૈ બસેરા એ ભારતદેશ હૈ મેરા" ખરેખર એ સોનાની ચિડિયા જેવો આપણો દેશ વિશ્વમાં ફરી ચમકી ઉઠશે. ભારત સુપર પાવર બને એવું આપણું સ્વપ્ન પૂરું કરી શકે એવી વ્યક્તિ નરેન્દ્ર મોદીજી છે. વેમ્બલીમાં નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તમે ખૂબ ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આપ સૌએ મોદીજી અને એમના સહયોગીઓમાં વિશ્વાસ રાખ્યો એ બદલ ધન્યવાદ. વિશ્વભરમાંથી ભારતીય વંશજોનો જે વિશ્વાસ સાંપડે એનો ઇમ્પેક્ટ જુદો હોય છે. કારણ તમે બધા ભારતભરના શહેરો, નગરો અને નાના ગામડાઓમાંથી આવ્યા છો. એના અનુભવો, પ્રશ્નો, જરૂરિયાતો અમને જણાવો એનો ઇમ્પેક્ટ બહુ પડે છે. તમે અમારી સાથે જોડાયેલા રહો એથી અમારો જુસ્સો વધે છે. આજે આપણે પં. દિનદયાલજીની ફિલ્મ જોઇ વાસ્તવમાં મને નાની ઉંમરમાં એમનો લાભ મળ્યો છે. મારા ઘરેથી નીકળી એ લખનૌથી ટ્રેનમાં થર્ડ કલાસમાં મુંબઇ જતા હતા ત્યારે એમની હત્યા થઇ હતી. ૧૯૬૮માં તેઓ જનસંઘના પ્રમુખના અગત્યના સ્થાને હતા. આજે ભારતીય જનતા પક્ષ એમની વિચારસરણી "નૈતિકતાનો સિધ્ધાંત કોઇ દ્વારા બનાવાતો નથી પણ શોધવો પડે છે" એના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે.”

અમીત શાહ બીજેપીના અધ્યક્ષ બન્યા એ પછી બીજેપીના કોઇ મંત્રી કે સાંસદને ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવા દેતા નથી. ૧૨ માર્ચે ઉત્તર પ્રદેશ, મણીપુર અને ઉતરાખંડની ચૂંટણીઓમાં ઇતિહાસ સર્જાયો. ગોવામાં પણ બીજેપીએ મેદાન માર્યું. આગામી ચૂંટણીમાં ત્રિપુરામાં પણ બીજેપી જ આવશે. વડાપ્રધાન મોદી જે કહે છે એ કરે છે. ૧૨૦ કરોડ લોકોની આકાંક્ષાઓ અમારી સાથે જોડાયેલી છે, એ અમને પ્રોત્સાહિત કરે છે. હું તમારી પાસે એટલા માટે આવ્યો છું કે આપણે સૌએ સાથે મળીને ઇન્ડિયાનું ભાવિ ઉજ્જવળ બનાવી "સાઇન ઇન્ડિયા" કરવું છે.” વડાપ્રધાન મોદી ફ્રાન્સમાં પર્યાવરણ બાબત વર્લ્ડ સમીટમાં ગયા ત્યારે એ વખતના અમેરિકન પ્રમુખ ઓબામા અને ઇઝરાયેલના વડાપ્રધાન મોદીજીને મળવા કેટલા ઉત્સુક હતા એનો જાતે અનુભવેલ પ્રસંગ પિયુષભાઇએ વર્ણવ્યો ત્યારે તાળીઓના ગડગડાટ સાથે "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્"ના નારાથી હોલ ગૂંજી ઊઠયો હતો.

પિયુષભાઇએ કહ્યું કે, "સ્વચ્છ ભારતની કલ્પના એટલે ઘર આંગણું સાફ કરી જાય એટલા પૂરતું નથી. શુધ્ધતા દિમાગમાં પણ આવવી જોઇએ તો જ સારા મૂલ્યોની સમજ થાય. સરકારે "ભીમએપ" (ભારત ઇન્ટરફેસ ફોર મની) યોજના હેઠળ કેસલેસ ઇન્ડિયા બનાવવા કમરકસી છે. ભારતની આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ભારતના ૧૮,૪૫૨ ગામોને ઇલેકટ્રીસિટી મળતી નહોતી. ૨૦૧૧ સુધીમાં ૩૦ કરોડ લોકો વિજળી વિના અંધકારમય જીવન જીવતા હતા. આજે નવીનત્તમ અને નવીનીકરણ ઉર્જાની યોજના હેઠળ ૧૪૦૦૦ ગામોને ઇલેકટ્રીસિટી મળતી થઇ ગઇ છે. ૨૦૧૮ સુધીમાં તમામ ગામોને વિજળી મળતી થઇ જાય એવી અમારી નેમ છે. “ન્યુ એન્ડ રીન્યુવેબલ એનર્જી"નું ભગીરથ કાર્ય મારા માટે ચેલેન્જ નહિ પણ મારી ફરજ સમજું છું. ૨૦૧૯માં હું ખાતરી આપું છું કે ભારતના દરેક ગામોના ઘરોમાં વિજળી મળતી થઇ જશે. garv aap વેબસાઇટ પર આપ મારું કામ કેટલું થયું એ જોઇ શકશો.”

(તસવીર સૌજન્ય: રાજ બકરાણીયા)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter