મહંત સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં બ્રિટિશ હિન્દુઓના પ્રદાનને બિરદાવતો ઈવેન્ટ

યુકેમાંથી 40 થી વધુ વૈવિધ્યસભર હિન્દુ કોમ્યુનિટીઓ સમૃદ્ધ વારસા અને મૂલ્યવાન સિદ્ધિઓને પોંખતા ઈવેન્ટમાં હાજર

મહેશ લિલોરિયા Tuesday 23rd May 2023 05:41 EDT
 
 

લંડનઃ નીસડન મંદિર આપણને એક હિન્દુ કોમ્યુનિટી તરીકે પરસ્પર સંપર્ક, સહકાર અને ઉજવણીનો અદ્ભૂત રાહ દર્શાવે છે. લંડનમાં બ્રિટિશ હિન્દુઓ દ્વારા વ્યાપક યોગદાનને ઉજવવા સમગ્ર યુકેમાંથી 40થી વધુ વૈવિધ્યસભર હિન્દુ કોમ્યુનિટીઓ ‘સેલિબ્રેટિંગ બ્રિટિશ હિન્દુ કોન્ટ્રિબ્યુશન્સ’ ઈવેન્ટમાં એકત્ર થઈ હતી. પરમ પૂજ્ય મહંત સ્વામીની પવિત્ર ઉપસ્થિતિમાં 19 મે 2023ની સાંજે પ્રતિષ્ઠિત નીસડન મંદિર ખાતે પ્રેરણાદાયી ઈવેન્ટ યોજાયો હતો. આ ઈવેન્ટ થકી સમગ્ર યુકેમાં હિન્દુ કોમ્યુનિટીઓના સમૃદ્ધ વારસા અને મૂલ્યવાન સિદ્ધિઓને ઉજવવાની અનોખી તક સાંપડી હતી જેમાં મનમોહક જીવંત પરફોર્મન્સીસ અને પ્રતિષ્ઠિત વક્તાઓની ઊંડાણપૂર્વકની રજૂઆતોનો સમાવેશ થયો હતો.

સનાતન હિન્દુ ધર્મના ઐક્ય સર્જાવતા સિદ્ધાંતોને સામૂહિકપણે ઉજવવા આ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. તેની પ્રેરણા મહંત સ્વામી મહારાજના ‘વસુધૈવ કુટુમ્બકમની ભાવના અનુસાર આપણે સહુ આગળ વધી વૈશ્વિક સંવાદિતાના વર્તુળને વિસ્તારીએ’ વિઝનથી પ્રાપ્ત થઈ હતી. આ પવિત્ર દૃષ્ટિને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત વક્તાઓના ઊંડાણપૂર્વકના વક્તવ્યો, ભક્તિગીતો અને જીવંત સાંસ્કૃતિક પરફોર્મન્સીસ સાથેના આ કાર્યક્રમની રજૂઆત ચિન્મય મિશન, ઈસ્કોન અને તેલુગુ એસોસિયેશન ઓફ લંડન સહિત સંખ્યાબંધ વિવિધ હિન્દુ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા કરાઈ હતી. 1600થી વધુ મહેમાનો રુબરુ ઉપસ્થિત હતા અને સંખ્યાબંધ લોકોએ તેનું જીવંત ઓનલાઈન પ્રસારણ નિહાળ્યું હતું.

હિન્દુઓના યોગદાન સંબંધિત પાંચ મુખ્ય વિષયો (1) ચેરિટી અને સામાજિક કાર્ય; (2) બાળ અને યુવાવિકાસ; (3) જાહેર સેવા; (4) ધર્મ અને પૂજા; અને (5) કળા અને સંસ્કૃતિના ક્ષેત્રોથી સંકળાયેલા હતા. હિન્દુ કોમ્યુનિટીના વિદ્વાન સભ્યો દ્વારા પ્રવચનો અને ચિત્રો થકી તેની રજૂઆતો કરવામાં આવી હતી.

પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના પ્રવચનમાં શાંતિ અને એકતાને આગળ વધારવા સભાજનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનસૂત્ર ‘અન્યોની ખુશીમાં આપણી ખુશી સમાયેલી છે’ને માત્ર આ દેશ નહિ, સમગ્ર વિશ્વમાં પ્રદાન કરવાના માર્ગદર્શક પરિબળ સ્વરૂપે દર્શાવ્યું હતું.

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ પોતાના ચાવીરૂપ સંબોધનમાં જણાવ્યું હતું કે,‘આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આપણે સહુ યુનાઈટેડ કિંગ્ડમમાં આપણા ધર્મજૂથોના વિવિધ હિસ્સાઓમાં અગ્રણી કોમ્યુનિટી નેતાઓમાં બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીની ભૂમિકા અને સેવાને યાદ કરી રહ્યા છીએ. મને લાગે છે કે BAPS દ્વારા આ નોંધપાત્ર પ્રદાન છે. આપણે આપણી આંતરિક એકતાને પારખીએ – એ સુવર્ણદોર જે આપણામાં દરેક અને સહુ કોઈને જોડે છે. જો આપણે તેની ઉજવણી કરીશું અને તેને બરાબર સાચવીશું તો આપણી સભ્યતા અને સમગ્ર માનવજાતની સભ્યતાના વ્યાપક ઉદ્દેશને પાર પાડીશું. તેમાં જ આપણે વિશ્વને શું આપી શકીએ છીએ તેનું સાચું સત્વ સમાયેલું છે.’

લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, ‘હવેલીની આસપાસ નિહાળતા આ સાંજનો મેળાવડો કોઈ ધાર્મિક સંમેલનથી જરા પણ ઓછો નથી. આ એકતા અને સમાવેશિતાનું આવકારદાયી પ્રદર્શન છે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન નીસડન મંદિરની મુલાકાતો દરમિયાન આ મંચ પરથી જ્યારે પણ બોલતા ત્યારે હંમેશાં પ્રેરણાદાયી હિન્દુ મૂલ્યો અને આદર્શ નાગરિકો તરીકે આપણી ભૂમિકાને હાઈલાઈટ કરતા હતા. આજે આપણને સહુને એક સાથે લાવીને અને એકતાના વર્તુળને વિસ્તૃત કરવાના મિશનની વિઝનરી આગેકૂચ માટે આપણે પૂજ્ય મહંત સ્વામી મહારાજના આભારના વિશાળ ઋણી બન્યા છીએ. આપણને સહુને એક સાથે લાવવા બદલ BAPS નો આભાર.’

નીસડન ટેમ્પલના મુખ્ય સ્વામી સાધુ યોગવિવેકદાસ સ્વામીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘આજનો ઈવેન્ટ સમગ્ર દેશના હિન્દુઓ માટેનો કાર્યક્રમ છે. એકબીજા પાસેથી શીખવામાં, પ્રેરણા પ્રાપ્ત કરવામાં અને એકબીજા સાથે અર્થસભર સંપર્કો સાધવાના આપણા સામૂહિક યોગદાનોની ઉજવણીનું આ માધ્યમ છે. આજે આપણે એક સાથે મળ્યા છીએ તે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દૃષ્ટિ છે.’

ઈન્ડિયા ઈન્ક. ગ્રૂપના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ પ્રોફેસર મનોજ લાડવાએ જણાવ્યું હતું કે, ‘સેવા કરવા માટે હંમેશાં એક તક હોય છે અને સૌથી મહત્ત્વનું તો એ છે કે હંમેશાં સમય પણ હોય છે. વ્યક્તિની ઈચ્છા, રાષ્ટ્ર માટે આખરી બલિદાન આપવાની વ્યક્તિની ઈચ્છાથી વધુ જાહેર સેવાનું મોટું કાર્ય કોઈ હોઈ શકે નહિ. આપણો અવાજ ઊંચો સંભળાય અને સન્માન મળે તે જરૂરી રહે છે. કોઈ વ્યક્તિના મતક્ષેત્ર, કોઈના પેશન્ટ્સ, વિદ્યાર્થીઓ અને ચોક્કસપણે આપણે જેને ઘર કહીએ છીએ તે આ મહાન દેશની સેવા કરવાથી વધુ બહેતર સન્માન અને સંતોષ કશું નથી. આ હિન્દુ જીવનમાર્ગ છે. સેવાના માર્ગથી આપણને હજારો વર્ષોથી પ્રેરણા મળતી રહી છે. હજુ શ્રેષ્ઠ તો આવવાનું બાકી છે.’

ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર ઓફ કલ્ચર અને એજ્યુકેશન તેમજ નેહરુ સેન્ટર, લંડનના ડાયરેક્ટર અમિશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,‘ સંસ્કૃતિનો હંમેશાં ઉદ્દેશ રહ્યો છે જે આપણને ગતિશીલ રાખે છે. આપણી કલા અને સંસ્કૃતિના હાર્દમાં, જે આપણને સતત ગતિશીલ રાખે છે તે શબ્દ છે, ધર્મ. ધર્મ ખરેખર તો રીલિજિયનથી પણ આગળ છે. બ્રિટિશ હિન્દુઓ કળા અને સંસ્કૃતિમાં જે કરે છે તે ધર્મથી પ્રેરિત છે. ધર્મ ઉપદેશ આપે છે કે બધા એક સાથે, એકસંપ રહેવા જોઈએ.’

PwC હિન્દુ નેટવર્કના સ્થાપક અને અગ્રણી તથા સેવા યુકે ખાતે આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી નિલેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘આપણા ધર્મ, સંસ્કૃતિ અને મૂલ્યોમાં સેવાનું સત્વ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સેવા શબ્દનો અર્થ સંસ્કૃતમાંથી સેવા કરવી પરથી ઉતરી આવ્યો છે. વ્યક્તિઓ સક્રિય સેવા દ્વારા કોઈ પણ અપેક્ષા વિના સક્રિયપણે સેવારત થાય છે ત્યારે માનવતા, કરુણા અને નિઃસ્વાર્થપણાની ભાવનાનું પોષણ કરે છે.’

નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ યુકેના પ્રેસિડેન્ટ ભવ્યા શાહે જણાવ્યું હતું કે, ‘એક તરફ, આપણે આપણી પૂણ્યભૂમિ ભારતને આદર આપી તેની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. આપણે સમજવું જોઈએ કે આપણો ધર્મ અને મૂલ્યો તે દેશ પાસેથી આવ્યા છે. બીજી તરફ, આપણે આપણી કર્મભૂમિ - યુકેને સક્રિય યોગદાન આપવું જોઈએ. બ્રિટિશ હિન્દુ યુવાનો તેજસ્વી છે જેઓ સમતુલા જાળવવાનું જાણે છે. આપણે બ્રિટનને વધુ ધાર્મિક બનાવવું જોઈએ.’

આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ભારે સફળતા મેળવનારા સ્વામિનારાયણ ભાષ્યમ અને સ્વામિનારાયણ સિદ્ધાંત સુધાના લેખક તથા વર્તમાનમાં હિન્દુ ફીલોસોફીના વિશ્વના પ્રકાંડ વિદ્વાનોમાં એક ગણાયેલા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી આ ઈવેન્ટમાં હાજરી આપવા યુકે આવ્યા છે. તેમણે મહેમાનોને મહંત સ્વામી મમહારાજના માર્ગદર્શન અને એક સમુદાય તરીકે સાથે મળી કામ કરવાના વિઝનને મજબૂત બનાવવા જણાવ્યું હતું.

સાધુ પરમતત્વદાસ અને કૌશલ પટેલે ઓડિયન્સને યુકેમાં બ્રિટિશ હિન્દુઓના યોગદાનની તલ્લીન કરાવનારી અને સંવાદાત્મક યાત્રા કરાવી હતી. આ ઈવેન્ટના આયોજન સાથે સંકળાયેલા સ્વયંસેવકોમાં એક દીપન લાખાણીએ સમજાવ્યું હતું કે, ‘ આ દરેક હિન્દુ કોમ્યુનિટી માટેનો ઈવેન્ટ છે જે માત્ર સંબંધો મજબૂત કરવા માટે જ નહિ પરંતુ, ભવિષ્યમાં આ પ્રકારની ઉજવણીઓ નિયમિત થતી રહે તેની આધારશિલા છે.’

આ ઈવેન્ટમાં ગુજરાત સમાચાર-એશિયન વોઈસના ચેરમેન અને એડિટર -ઈન-ચીફ સી.બી. પટેલ, ભક્તિવેદાંત મેનોર, વોટફર્ડના પ્રેસિડેન્ટ વિશાખા દેવી દાસી, ઈસ્કોન- ISKCON ખાતે કોમ્યુનિકેશન્સ મિનિસ્ટર અનુત્તમા દાસ, અનૂપમ મિશન યુકેથી વિનોદ નાકરજા, વેસ્ટકોમ્બ ગ્રૂપના ચેરમેન વ્રજ પાણખણીઆ સહિત જૈન, શીખ અને બૌદ્ધ કોમ્યુનિટીઓના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જીવનના તમામ ક્ષેત્રોમાં સફળ રહેલી બ્રિટિશ હિન્દુ મહિલાઓના યોગદાન વિશે પ્રેરણાદાયક વીડિયો પણ મૌસમ મિસ્ત્રી, સપના પટેલ, ડો. લક્ષ્મી વ્યાસ, શીતલ પટેલ, હેતલ પટેલ, ડો. કૃષ્ણા પૂજારા, હિનલ પટેલ, કાઉન્સિલર અંજના પટેલ, નિમિષા ગોષરાની OBE, કૈલાસ પારેખ OBE અને સુષમા પટેલના સંદેશાઓ સાથે દર્શાવાયા હતાં.

પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં...
• 27 મે: પૂજા દર્શન (સવારે 6.00થી 7.30) • 27 મેઃ કિશોર-કિશોરી દિન - રિમેમ્બર ધ ફિલીંગ (સાંજે 5.30થી 8.00) • 28 મેઃ પૂજા દર્શન (સવારે 6.00થી 7.30) • 28 મેઃ સમૂહ વિવાહ અને જનોઇ વિધિ (સવારે 10.00થી 11.00) • 28 મેઃ શિશુ દિન - સ્વામી બાપા, માય બેસ્ટ ફ્રેન્ડ (સાંજે 5.30થી 8.00) • 29 મેઃ પૂજા દર્શન (સવારે 6.00થી 7.30) • 29 મેઃ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ દિન - ધ પાવર ઓફ એસ (સાંજે 5.30થી 8.00) • 2 જૂનઃ ભક્તિ દિન (સવારે 9.00 થી 1.00) • 3 જૂનઃ પૂજા દર્શન (સવારે 6.00 થી 7.30) • 3 જૂનઃ બાલ-બાલિકા દિન (સવારે 9.00 થી સાંજે 4.00) • 3 જૂનઃ બાલ-બાલિકા દિનઃ સ્વામીસ ચોકોલેટ વન્ડરલેન્ડ (સાંજે 5.30 થી રાત્રે 8.00) • 4 જૂનઃ પૂજા દર્શન (સવારે 6.00 થી 7.30) • 4 જૂનઃ યુરોપ દિન - યુરોપ રંગવુ છે (સાંજે 5.30 થી રાત્રે 8.00) • 6 જૂનઃ પૂજા દર્શન (સવારે 6.00 થી 7.30) • 7 જૂનઃ પૂજા દર્શન (સવારે 6.00 થી 7.30) • 7 જૂનઃ અક્ષરધામ દિન (સાંજે 5.30 થી 8.00)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter