યુકેમાં પણ મા ઉમિયાના મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુકે પરિવારના સભ્યોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો

Wednesday 20th September 2023 05:27 EDT
 
 

લંડનઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુકે પરિવારના સભ્યોનો સ્નેહ મિલન સમારંભ 16 સપ્ટેમ્બર 2023 શનિવારે રંગે-ચંગે યોજાયો હતો. સેવા, સમર્પણ અને સદ્ભાવના ધ્યેય સાથે યુકેમાં વસતા પરિવારોએ એક સાથે આવીને ઉદાહરણ પુરૂ પાડ્યું કે સંગઠન જ શકિત છે.
અતિથિવિશેષ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઇન્ટરનેશનલ કાઉન્સિલના ચેરમેન વિશ્વનાથ પટનાયક, અરુણભાઈ, સંગત એડવાઇઝ સેન્ટરના સીઈઓ કાંતિભાઈ નાગડા, ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા માયાબેન દીપક હાજર હતા. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પ્રકાશક-તંત્રીશ્રી સીબી પટેલે આ પ્રેરણાદાયી આયોજનને બિરદાવતો વિશેષ સંદેશો મોકલાવ્યો હતો.
સ્નેહમિલનના માધ્યમથી યુકેમાં વસતા તમામ ગુજરાતી પરિવારોને ભારતમાં ચાલી રહેલા ભગીરથ કાર્યમાં સહભાગી બનાવવા તેમજ યુકેમાં પણ મા ઉમિયાના મંદિરના નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. તમામ પરિવારોને સંગઠિત કરી પરસ્પર ધંધા રોજગાર તેમજ સામાજિક ક્ષેત્રે મદદરૂપ થવાની હાકલ કરવામાં આવી હતી. ભારતમાંથી ઉજ્જવળ ભવિષ્ય, નોકરી, ધંધા કે અભ્યાસ અર્થે આવતા યુવાનો માટે UK માં રહેવા-જમવાની વ્યવસ્થામાં મદદરૂપ થઈ શકાય તેવી યોજના પર મંથન થયો. વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી. પટેલના માર્ગદર્શન અને આગેવાનીમાં અતિ-આધુનિક સુખ-સગવડો સાથે એક કોમ્યુનિટી સેન્ટર બનાવવાનો સંકલ્પ એક મોટી ઉપલબ્ધિ છે.
વિશ્વભરમાં વસતા પાટીદારોના વૈશ્વિક સંગઠન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી જગતજનની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે અમદાવાદમાં સો વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે સામાજિક સશક્તિકરણ કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
વિશ્વ ઉમિયાધામ પરિવાર યુકેમાં અત્યાર સુધીમાં 1,000 થી પણ વધારે સભ્યો જોડાયા છે. આ સાથે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અત્યાર સુધીમાં યુએસએના 30 સ્ટેટ અને કેનેડાના 21 સ્ટેટમાં વસતા ગુજરાતી પરિવારોને સંસ્થામાં સહભાગી બનાવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં વૈશ્વિક સંગઠન બનાવી તમામ પરિવારોને એક સાથે લાવીને સમાજમાં એક નવી ચેતનાનો સંચાર કર્યો છે.
વિશ્વ ઉમિયાધામ પરિવાર યુકેના કમિટી મેમ્બર દીપકભાઈ પટેલે જણાવ્યું કે, યુકેમાં વસતા આપણા પરિવારોને પણ વિશ્વ ઉમિયાધામ સાથે જોડીને UKમાં આપણે મજબૂત સંગઠનનું નિર્માણ કરવું છે. સ્નેહમિલનથી આપણા કુળદેવી મા ઉમિયા પ્રત્યેની આપણા સૌની આસ્થા દૃઢ બની છે. સમાજના ભાઈ-બહેનોમાં જોમ, જુસ્સો અને ઉત્સાહ પ્રજ્જવલિત થયો છે. સૌના મનમાં સમાજની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કંઈક કરવાની પ્રબળ ઈચ્છા જાગૃત થઈ છે.
આ ઉપરાંત સમગ્ર આયોજનને સફળ બનાવવા અને સમાજમાં જાગૃતિ માટે ચિંતનભાઈ પનારા, વિશાલભાઈ, યોગેશભાઈ, રાજુભાઈ, મનોજભાઈ, દિપાલીબેન તેમજ અન્ય મિત્રોએ અથાક મહેનત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter