યુકેમાં ભારતીય કોમ્યુનિટીઓ દ્વારા નવરાત્રિ અને દુર્ગા પૂજાની ભવ્ય ઉજવણી

LSU દુર્ગા પૂજામાં ભારત અને બાંગલાદેશના હાઈ કમિશનરોની વિશેષ ઉપસ્થિતિ

Wednesday 05th October 2022 07:35 EDT
 
 

લંડનઃ હિન્દુ કેલેન્ડરમાં સૌથી પવિત્ર અને લોકપ્રિય તહેવારોમાં એક નવરાત્રિની ઉજવણી કરવા યુકેના હજારો ભારતીયો દરરોજ એકત્ર થઈ રહ્યા છે. નવરાત્રિમાં મા દુર્ગા અને તેમના નવ દૈવી સ્વરૂપોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં, પશ્ચિમ અને ઉત્તર ભારતની કોમ્યુનિટીઓના સભ્યો દેવી માતાની મૂર્તિ અથવા તસવીરની આસપાસ વર્તુળાકારે ગરબા પ્રકારનું નૃત્ય કરે છે તેમજ ઘણા લોકો નવ દિવસના ઉપવાસ અને ફળાહાર કરીને માતાની ભક્તિ કરે છે. આ ઉપરાંત, બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા દુર્ગા પૂજા - લંડન શરદ ઉત્સવ (LSU)ની ઉજવણી કરવામાં આવી હતી

ગુજરાતના કચ્છ વિસ્તાર સહિતના ગુજરાતી લોકોએ લંડનમાં નવરાત્રિની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ગરબા નૃત્યના તાલે પોલીસદળના સભ્યો પણ રમઝટમાં જોડાઈ ગયા હતા. શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (UK)- SKLPC દ્વારા આયોજિત નવરાત્રિની ઉજણીમાં 5000થી વધુ લોકો સામેલ થયા હતા. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પત્ની સહિત અગ્રણીઓ શ્રદ્ધા અને ભક્તિની આ સામુદાયિક ઉજવણીના રંગે રંગાયા હતા.

નવરાત્રિ ફેસ્ટિવલ એસોસિયેશન માન્ચેસ્ટરના કમિટી સભ્ય પ્રવીણ અરજણે ITV News ને જણાવ્યું હતું કે,‘મારા માટે આ બાબત કોમ્યુનિટીના એકસંપ અને સંવાદિતાની છે. ઘણા લોકો તો વર્ષમાં એકબીજાને મળતા પણ હોતા નથી અને નવરાત્રિના પ્રથમ દિવસે તો બધા અરસપરસ પ્રેમથી ભેટી અને હાથ મિલાવીને પ્રેમપૂર્વક મળતા દેખાય છે. વિવિધ પશ્ચાદભૂ સાથેના લોકોને હળીમળી એક થતા નિહાળવાનો આ સુંદર સમયગાળો છે.’ નોર્થવેસ્ટ, માન્ચેસ્ટર, બોલ્ટન અને આસપાસના વિસ્તારો ઉપરાંત, બ્રેડફોર્ડ અને લીડ્ઝ સહિતના દૂરના વિસ્તારોમાંથી પણ લોકો નવરાત્રિની ઉજવણીમાં ભાગ લેવા આવે છે. આ વર્ષે એક મહિલા છેક પોર્ટુગલથી ખાસ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવી છે.

આ જ પ્રમાણે, શુક્રવાર 1 ઓક્ટોબરની સાંજે લેસ્ટરના પ્લેટિનમ સ્યૂટ ખાતે સેંકડો લોકો મ્યુઝિક આર્ટ્સ દ્વારા આયોજિત રંગીન ઉજવણીમાં ભાગ લેવા એકત્ર થયા હતા. આયોજક મીરા મજિઠીઆએ લેસ્ટર ટાઈમ્સને જણાવ્યું હતું કે,‘ સંખ્યાબંધ પરિચિત ચહેરાઓને નિહાળવાનું ઘણું સારું લાગે છે. મહામારી પછી બે વર્ષમાં પહેલી વખત આ કાર્યક્રમ યોજાયો હોવાથી તે વધુ સ્પેશિયલ બન્યો છે. અમે છેલ્લાં 27 વર્ષથી કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે ત્યારે અમારા માટે એ વિરામ પછી પહેલી વખત અમે ફરી મળ્યા છીએ.’

લેસ્ટર અને તેની આસપાસ પીપૂલ સેન્ટર અને સ્ક્રેપટોફ્ટ લોજ ફાર્મ સહિત વિવિધ કોમ્યુનિટી સેન્ટર્સ અને મંદિરોમાં પણ નવરાત્રની ઉજવણીના આયોજનો કરાયાં છે. શનિવાર, 9 ઓક્ટોબરની રાત્રે ‘ડિસ્કો દાંડિયા’ની સંગતમાં બોલીવૂડ મ્યુઝિક, ડિસ્કો બોલ અને ભવ્ય રોશની સાથે ઉજવણીનું આયોજન છે.

યુકેમાં સૌપ્રથમ વખત ‘નબપત્રિકા સ્નાન’

લંડનમાં દર વર્ષે ડાયસ્પોરાની વસ્તી વધતી જાય છે ત્યારે બંગાળીઓ દ્વારા દુર્ગા પૂજાના આયોજનો પણ વધી રહ્યા છે. આ વર્ષે માત્ર લંડનમાં જ ઠેર ઠેર થઈને 30થી વધુ સ્થળોએ પૂજાના આયોજનો થયા છે. બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા યુરોપમાં સૌથી મોટી દુર્ગા પૂજાઓમાંની એક પૂજા - લંડન શરદ ઉત્સવ (LSU)ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં, 4 દિવસમાં 12,000થી વધુ લોકો તેમાં સામેલ થયા હતા. ઈલિંગ ટાઉન હોલ ખાતે સ્થાપિત આ દુર્ગા પૂજામાં પરંપરા અનુસારની વિધિઓ અને કળા, સંગીત, ફૂડ અને મનોરંજનનું અનોખું મિલન જોવા મળ્યું હતું.

આ વર્ષે પૂજાનો થીમ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીની ભાવનાને અનુરુપ ‘આઝાદી કા અમૃત મહોત્વ’ રહ્યો હતો વિવિધ સ્થળો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભારતીય તિરંગો લહેરાયો હતો. આ વર્ષે લંડન શરદ ઉત્સવ દ્વારા યુકેમાં સૌપ્રથમ વખત થેમ્સ નદીના કિનારા પર ‘નબપત્રિકા સ્નાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

LSUની દુર્ગા પૂજાનું ઐતિહાસિક મહત્ત્વ એ રીતે સ્થાપિત થયું હતું કે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને બાંગલાદેશના યુકેસ્થિત હાઈ કમિશનર સઈદા મુના તસ્નીમે સૌપ્રથમ વખત એક સાથે અહીં હાજરી આપી લંડન શરદ ઉત્સવની દુર્ગા પૂજાનું એક જ મંચ પરથી ઉદ્ઘાટન કર્યું હતું.

ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે,‘બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ભારત અને બાંગલાદેશના હાઈ કમિશનરોની એક સાથે ઉપસ્થિતિ વિશ્વને ભારત અને બાંગલાદેશ વચ્ચે મૈત્રીની યાદ અપાવે છે. દુર્ગા પૂજા એ આનંદમાં સહભાગિતાનો પ્રસંગ છે.’

બાંગલાદેશના હાઈ કમિશનર સઈદા મુના તસ્નીમે જણાવ્યું હતું કે‘દુર્ગા પૂજા મારાં માટે બાળપણથી જ વિશેષ તહેવાર રહ્યો છે અને તેની ઘણી આનંદદાયક યાદગીરીઓ છે.BHF ના આયોજકો સાથે થોડો સમય વીતાવવાનું અને આ સુંદર ઉત્સવના આયોજનના તેમના અનુભવો સાંભળવાનું આનંદદાયક બની રહ્યું હતું.’

બંગાળીઓ દ્વારા દુર્ગા પૂજા અને પરિક્રમા

બંગાળી એસોસિયેશન ‘ઈન્ડિયન બેંગાલીઝ ઈન યુકે’ (IBUK) દ્વારા પૂજા પરિક્રમાનું આયોજન કરાયું હતું. કોલકાતાના પ્રસિદ્ધ પાંડાલની મુલાકાતો લેવાની માફક ચાર્ટર્ડ બસીસ દ્વારા લોકોને દુર્ગા પૂજાના સ્થળોએ લઈ જવાયા હતા. IBUK દ્વારા વેસ્ટ લંડન માટે 1 ઓક્ટોબરે 3 બસ, ઈસ્ટ લંડન માટે એક અને મિડલેન્ડ્સના બર્મિંગહામ માટે 2 ઓક્ટોબરે એક બસ મળીને કુલ 5 ચાર્ટર્ડ બસીસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસીસ દ્વારા હંસલો, રીડિંગ (બર્કશાયર), બર્મિંગહામ, લેસ્ટર સહિતના સ્થળોની દુર્ગા પૂજા આવરી લેવાઈ હતી.

----------------------------

ફોટોલાઈન્સઃ

• યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પત્ની તેમજ યુકેસ્થિત બાંગલાદેશના હાઈ કમિશનર સઈદા મુના તસ્નીમની સાથે એલિંગ ટાઉન હોલ ખાતેની દુર્ગા પૂજામાં દીપ પ્રગટાવી રહ્યા છે.

• શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (UK) દ્વારા નવરાત્રિની ઉજવણી

• યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પત્ની SKLPC નવરાત્રિની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter