રામચરિત માનસ એક હરતી-ફરતી જંગમ યુનિવર્સિટી છે: પૂજ્ય મોરારી બાપુ

જીસસ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં પૂજ્ય મોરારી બાપુના રામ કથા પર આધારિત નવ દિવસીય પ્રવચન શરૂ

- મહેશ લિલોરિયા Wednesday 16th August 2023 06:23 EDT
 
 

ઐતિહાસિક શહેર કેમ્બ્રિજ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રસંગનું સાક્ષી બની રહ્યું છે. વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક જીસસ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં 12 ઓગસ્ટ 2023થી પ્રખ્યાત ભારતીય આધ્યાત્મિક ગુરૂ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ રામ કથા આધારિત નવ દિવસીય પ્રવચનમાળા શરૂ કરી. આ રામ કથા કાર્યક્રમનું આયોજન લોર્ડ ડોલર પોપટ પરિવારના મનોરથ અને બ્રિટનના યુવાનો દ્વારા સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
પૂજ્ય બાપુએ રામ કથાનું રસપાન કરાવતા કહ્યું કે, વિશ્વની આ યશસ્વી યુનિવર્સિટીના પ્રાંગણમાં અમે વૈશ્વિક ગ્રંથ લઈને આવ્યા છીએ. રામચરિત માનસ સ્વયં એક વિશ્વવિદ્યાલય છે. એટલે આ કથાનું નામકરણ માનસ વિશ્વવિદ્યાલય કરૂં છું. માનસ એક હરતી-ફરતી જંગમ યુનિવર્સિટી છે. જેના સાત વિભાગ છે - બાળ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિશ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ, ઉત્તર કાંડ. સાતેય કાંડમાં એક વિશિષ્ટ કુળપતિ બૈઠા છે.
બાપુએ કહ્યું - હું એ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું જેના કુળપતિ ગોસ્વામી તુલસીદાસ છે. કોઇ લાંબો કોર્સ નથી. માત્ર એક જ મૂળ વિષય છે - વિશ્વાસ. અહિંયા બધાને એડમિશન મળી ચુક્યું છે અને કોઇ પણ જાતની પરીક્ષા લેવામાં આવી નથી. જે આવે તે પામે. જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત કરી દે એ યુનિવર્સિટી છે. એ જ રીતે રામચરિત માનસ વૈરાગ્યની યુનિવર્સિટી છે તો જ્ઞાન અને વિજ્ઞાનની પણ. માનસ સદગ્રંથ છે અને સદગુરુ પણ છે. જો આપણે એક બુદ્ધ પુરુષ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટેના પ્રયાસ કરીએ તો જગતની યુનિવર્સિટીમાં જે શિક્ષણ મળે છે, તે માત્ર એક કલાકમાં મળી શકે છે.
પુજ્ય મોરારી બાપુએ કહ્યું - વૃંદાવન એ પ્રેમની યુનિવર્સિટી છે, ચિત્રકૂટ સત્યની યુનિવર્સિટી છે અને કૈલાશ કરુણાની યુનિવર્સિટી છે. મારી યુનિવર્સિટીમાં પ્રથમ પાઠ છે - છલમુક્ત જીવન. જો ઘર અને ઘટમાંથી રાગ-દ્વેષ નિકળી જાય તો શાંતિનો વાસ થાય છે. આ પછીના પાઠ છે - નિર્લિપ્તતા, નિર્ભયતા, નિષ્પક્ષતા અને નિશ્ચિંતતા.
બાપુએ કહ્યું - સૂર્ય, સત્ય અને પ્રેમને ક્યારેય ભુંસી ના શકાય, થોડાક સમય માટે દબાવી, છુપાવી શકાય. દયા, દાન અને તપ વગર વાસના નહિ છુટે. સંકીર્ણતામાં સુખ નથી, વિશાળ દૃષ્ટિકોણ રાખવો જોઇયે. યુનિવર્સિટી અપરાધ ખતમ કરવા માટેનો માધ્યમ બને, અપરાધ વધારવા માટે નહિ.
લોર્ડ પોપટ પોથી માથે મૂકીને કથાસ્થળે લાવ્યા
લોર્ડ પોપટ બહુ જ વિનમ્રભાવે પોથી માથે મૂકીને કથાસ્થળ સુધી લાવ્યા. બાપુને પહેલી વખત કેમ્બ્રિજમાં સાંભળવા હજારોની સંખ્યામાં લોકો કેમ્બ્રિજમાં ઉમટી પડ્યા હતા. શંખનાદ સાથે જ બાપુ કથાસ્થળ પર પધાર્યા. અત્યંત શિસ્તબદ્ધ અને ગરિમામય આયોજનમાં પોપટ પરિવારે બાપુનું અભિવાદન કર્યું. અનિલ અગ્રવાલ, પ્રદિપ ધામેચા, રમેશ સચદેવ સહિતના મહાનુભાવોએ પણ બાપુનું ભાવભીનું અભિવાદન કર્યું. આ પછી હનુમાન ચાલીસા અને વેદ મંત્રોચ્ચારથી ભક્તિમય વાતાવરણ બંધાઇ ગયું.
રુદ્ર સચદેવે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરી. તેમણે જણાવ્યું કે, આ કથા ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધોની ઉજવણીનું પ્રતીક છે. કેમ્બ્રિજ એક પ્રેરણાદાયી શહેર છે જે ઇતિહાસ, સંસ્કૃતિ અને વૈશ્વિક શોધકાર્યોથી સમૃદ્ધ છે. વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એકના પરિસરમાં હિંદુ આધ્યાત્મિક કાર્યક્રમ યોજાય છે તે એક મોટું સીમાચિહ્ન છે. જીસસ કોલેજ, કેમ્બ્રિજ ખાતે રામકથા કાર્યક્રમની કલ્પના સાર્વત્રિક શાંતિ અને સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવવાના એકંદર સિદ્ધાંતની આસપાસ કરવામાં આવી છે.
અભિવાદન પ્રવચનમાં લોર્ડ ડોલર પોપટે જણાવ્યું કે, સમગ્ર શ્રદ્ધાળુઓ અને ભક્તગણ વતી પુજ્ય બાપુનું સ્વાગત કરીએ છીએ. મારી સરકાર વતી હું પુજ્ય બાપુનું સ્વાગત કરું છું. રામકથા દ્વારા બાપુ જ્ઞાન અને અધ્યાત્મને એકસાથે લાવશે. કેમ્બ્રિજ એ છે જ્યાં યુવાનો શિક્ષણ અને ઉત્ક્રાંતિ માટે આવે છે. મોરારી બાપુનું વર્ણન પણ વાર્તા કહેવાનું એક શક્તિશાળી પરિવર્તનકારી સાધન છે કારણ કે તેમના પ્રવચનો વ્યક્તિઓને શીખવા અને વ્યક્તિગત વિકાસ માટે તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો કરવા પ્રેરણા આપે છે. આ આયોજન સર્વગ્રાહી શિક્ષણના ભાગરૂપે વિશ્વ સાહિત્ય, પૌરાણિક કથાઓ અને સાંસ્કૃતિક કથાઓના મહત્ત્વનું સંશોધન કરવાની તક પણ પૂરી પાડશે.
કિંગ ચાર્લ્સનો સંદેશો
લોર્ડ ડોલર પોપટે કથા સ્થળ પર હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. કિંગ ચાર્લ્સે પોતાના સંદેશામાં બ્રિટિશ-હિંદુ સમુદાયને આ આયોજન માટે શુભેચ્છા પાઠવી હતી. મોરારી બાપુના સત્ય, પ્રેમ અને કરુણાના પાઠ બધાને પ્રેરણા આપે છે. આ સાથે જ લોર્ડ પોપટે આર્ચબિશપ ઓફ કેંટબરીનો સંદેશો પણ વાંચી સંભળાવ્યો હતો.
ફ્યુઝનથી રામચરિત માનસની અનોખી પ્રસ્તુતિ
કેમ્બ્રિજ યુનિવર્સિટીના શિક્ષક કવિ ભાવે આઠ કોરસ અલ્યુમિનિ સાથે ભારતીય અને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુસિક ફ્યુઝનથી રામચરિત માનસની અનોખી પ્રસ્તુતિ આપી.
માસ્ટર ઓફ જીસસ કોલેજ સોનિટા એલીન - ઓબીઈ સાથે ખાસ વાત
કથાને છેલ્લે સુધી સાંભળી રહેલા માસ્ટર ઓફ જીસસ કોલેજ સોનિટા એલીન - ઓબીઈએ વાત કરતાં જણાવ્યું કે, આ બહુ જ આનંદદાયી અવસર છે. એક અનેરી આધ્યાત્મિક અનુભૂતિ મળી છે. હિંદુ સંસ્કૃતિને નજિકથી જાણવાનો અવસર મળ્યો છે. આ મારા જીવનના યાદગાર પ્રસંગોમાંનો એક બની ગયો છે. સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશો દરેક ધર્મ, સંપ્રદાય અને સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે. હું બધાને કેમ્બ્રિજમાં આવકારું છું. અમારા માટે બહુ ગૌરવની વાત છે કે કેમ્બ્રિજના ઘરઆંગણે આટલું સુંદર આયોજન થઈ રહ્યું છે જેમાં જ્ઞાન, વિજ્ઞાનની સાથે-સાથે માનવ જીવનના મૂલ્યોની પણ વાત થાય છે. ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ વંદનીય છે.
મીનલ સચદેવને મળીને સી.બી. પટેલ ભાવવિભોર થઈ ગયા
કથા પછી સી.બી. પટેલ પ્રાંગણમાં બધાને મળતા અને જય સિયા રામ શબ્દો સાથે અભિવાદન કરીને બધાની શાતા પુછતા હતા. ત્યારે જ એક એવી ઘટના બની જે જોઇને તેઓ ભાવવિભોર થઈ ગયા. એમને મળવા આવ્યા મીનલ સચદેવ. સી.બી.એ તરત તેમને કહ્યું કે પૂજ્ય રમેશભાઇ (રમેશભાઇ સચદેવ, મીનલ બેનના સસરા) કેમ છે? તમારા દીકરા રુદ્રે અત્યારે બહુ સરસ સ્વાગત પ્રવચન આપ્યું.
આ પછી મીનલબેનના પિતા હસુભાઇ માણેક, દાદા પ્રભુદાસ માણેકને પણ યાદ કર્યા. સી.બી.એ કહ્યું કે, પ્રભુદાસભાઇએ કંપાલાથી આફ્રિકામાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ માટે અદ્ભુત કામ કર્યા. આ સાંભળીને મીનલબેને પોતાના લોકેટમાં મુકેલો દાદા (પ્રભુદાસભાઇ) અને દાદીનો ફોટો સી.બી.ને બતાવ્યો. મીનલબેને કહ્યું, ‘હું કાયમ માટે મારી સાથે મારા દાદા-દાદીની ફોટો રાખું છું, જેથી એમના સંસ્કારપથ પર ચાલી શકું.’ આ સાંભળીને સી.બી. ભાવવિભોર થઈ ગયા અને કહ્યું - પહેલી વખત મેં કોઇ સંતાનને મોટા થયા પછી દાદા-દાદીના ફોટા સાથે રાખતા જોયા છે. ખરેખર હું માનું છું કે સંસ્કાર ને પરંપરા દાદા અને દાદી જ આપી શકે છે.’
પગથિયા સાક્ષી છે જ્ઞાનના વૈશ્વિક પ્રવાહના
જીસસ કોલેજમાં જ્યારે પહેલો પગ મૂકીએ ત્યારે દ્વાર પર જ એક જાજરમાન ઇતિહાસ સ્વાગત કરે છે. એ છે પહેલું પગથિયું. 900 વર્ષ જૂની આ યુનિવર્સિટીમાં એટલા બધા લોકો અહિંયા આવ્યા અને ગયા છે કે પગથિયા અડધા ઘસાઈ ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter