લંડન ન્યૂ યર્સ ડે પરેડમાં શ્રી મુક્તાજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડે સુરાવલિઅો છેડી

Tuesday 02nd January 2018 05:58 EST
 
વ્હાઇટ હોલ – વેસ્ટ મિન્સ્ટર તરફ રથમાં આરૂઢ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ અને શ્રી મુક્તિજીવન સ્વામીની પ્રતિમા સાથે કુચ કરતા શ્રી મુક્તિજીવન સ્વામી પાઇપ બેન્ડ લંડનના કલાકારો
 

વર્ષ ૨૦૧૮ના શુભારંભ સાથે સેન્ટ્રલ લંડનના રાજમાર્ગો પર ન્યૂ યર્સ ડે પરેડનું અદભૂત આયોજન કરાયું હતું. વિશ્વ વિખ્યાત અને ઐતિહાસિક લંડન ન્યૂ યર્સ ડે પરેડ દર વર્ષે દુનિયાભરમાંથી કૂચ કરનારા વિવિધ બેન્ડ્સ, ફ્લોટ્સ અને રજૂઆતને આકર્ષિત કરે છે. જેમાં આ વર્ષે શ્રી મુક્તાજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ લંડને પણ ભાગ લઇ બ્રિટીશ અને ભારતીય સંસ્કૃતિનું અનન્ય સંયોજનરૂપે પરંપરાગત સ્કોટીશ અને ભારતીય ધૂનો રજૂ કરી હતી.

લોર્ડ મેયર અોફ વેસ્ટમિન્સ્ટર દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી યોજાતી આ પરેડને આ વર્ષે ૬.૫ લાખ લોકોએ જોઇ હતી. વિશ્વભરના ૬૦૦ ટીવી સ્ટેશને તેનું પ્રસારણ કર્યું હતું અને અમેરિકાથી ૨૧ અને લંડનના ૧૫ બરોના બેન્ડે તેમાં ભાગ લીધો હતો. 

પચાસ જેટલા બ્રિટીશ ભારતીય મૂળના પાઈપર્સ અને ડ્રમર્સે પોતાની સંગીત પ્રતિભા અને લશ્કરી-શૈલી શિસ્ત દર્શાવ્યા હતા. પિકેડિલીથી કૂચ કરીને બેન્ડ પિકાડિલી સર્કસ, ટ્રફાલ્ગર સ્ક્વેર થઇ વેસ્ટમિન્સ્ટર સ્થિત પાર્લામેન્ટ અને વ્હાઇટહોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પરેડ સમાપ્ત થઇ હતી. ભવ્ય અને પરંપરાગત પાઈપિંગ ધૂનની પ્રસ્તુતિ 'વેન સેઇન્ટ્સ ગો માર્ચિંગ ઈન' અને 'સ્કોટલેન્ડ ધી બ્રેવ', તેમજ બોલિવૂડના ટોચના ગીતોની ધૂનો રજૂ કરાઇ ત્યારે સૌએ જાણ્યું હતું કે આ બેન્ડ સ્કોટીશ નહિં પણ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીનું છે અને ત્યારે સૌ પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

૧૯૭૦માં બૅન્ડના સ્થાપક અને વૈશ્વિક આધ્યાત્મિક અગ્રણી પૂ. શ્રી મુક્તિજીવન સ્વામીબાપા તેમના સમક્ષ ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે સ્કોટિશ બેન્ડ દ્વારા છેડવામાં આવેલી વિવિધ ધૂનથી પ્રભાવીત થયા હતા. તેમના આદેશને પગલે શ્રી મુક્તિજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ લંડનની ૧૯૭૨માં સ્થાપના થઇ હતી. આજે આચાર્ય સ્વામીશ્રી મહારાજના પ્રેરણા હેઠળ, લશ્કરી શૈલી અને શિસ્ત સાથે નાગરિક બેન્ડ તરીકે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ બન્યું છે. બૅન્ડ અસંખ્ય ચેરીટી સંસ્થાઓનો ટેકો આપે છે અને હર મેજેસ્ટી મહારાણી એલિઝાબેથ દ્વિતીય ગોલ્ડન એન્ડ ડાયમંડ જ્યુબિલીસ સહિતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રસંગે બેન્ડે પ્રદર્શન કર્યું છે.

શ્રી મુક્તિજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ લંડનની અન્ય ચાર ભગીની સંસ્થાઅો યુએસએ, કેન્યા, માન્ચેસ્ટર અને ભારતમાં સ્થપાયેલી છે. બેન્ડ હાલમાં ૨૨૫થી વધુ સભ્યો ધરાવે છે, જેમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની સામાજિક અને સખાવતી પ્રવૃત્તિઓનું મુખ્ય પાસું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter