લંડનમાં ભગવાન જગન્નાથની રથયાત્રાઃ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ઉત્સવ

Wednesday 27th May 2026 06:48 EDT
 
 

લંડનઃ રવિવાર, 24 મે 2026ના દિવસે રાજધાની લંડનની શેરીઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ભવ્ય ઉજવણી સાથે ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીની પવિત્ર મૂર્તિઓ સાથે 40 ફૂટ ઊંચા ત્રણ રથને હાથથી ખેંચવા 10,000થી વધુ શ્રદ્ધાળુઓ, ધાર્મિક અગ્રણીઓ અને ઉત્સવપ્રેમીઓ લંડનના પાર્ક લેન ખાતે એકત્ર થયા હતા અને રથને ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે લઈ જવાયા હતા. લંડનમાં 57 વર્ષથી ઉજવાતો રથયાત્રા ઉત્સવ આસ્થા, સંસ્કૃતિ અને ઉજવણી દ્વારા વિવિધ કોમ્યુનિટીઓમાં એકતા પ્રસરાવે છે.

ભારે ગરમી હોવા છતાં, રાજધાનીમાં રંગીન પતાકાઓ, હરે કૃષ્ણના મહામંત્ર, આનંદિત નૃત્યો અને ઉજવણી સાથે યુરોપની સૌથી મોટી રથયાત્રા સેન્ટ્રલ લંડનની શેરીઓમાં પસાર થઈ હતી.ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે મુલાકાતીઓએ કીર્તન, ક્લાસિકલ ઓડિસી નૃત્ય પરફોર્મન્સીસ, શૈક્ષણિક પ્રદર્શન અને સાહિત્યના ડિસ્પ્લે સાથે સાંસ્કૃતિક ઉત્સવને માણ્યો હતો. શાકાહારી ભોજનની 16,000થી વધુ પ્રસાદથાળી નિઃશુલ્ક વહેંચાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર કુમારન પેરીસામીએ ઉત્સવમાં ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીના દર્શન કર્યા હતા, એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની મૂર્તિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને લોકોને સંબોધન કર્યું હતું.

લંડન રથયાત્રા ફેસ્ટિવલ ઓફ ચેરિયોટ્સના કો-ઓર્ડિનેટર તિતિક્ષુ દાસે જણાવ્યું હતું કે,‘રથયાત્રા હરે કૃષ્ણ આંદોલન તરફથી લંડનના લોકોને ભેટ છે.’ ISKCON UKના વહીવટી સંસ્થાના કમિશનર પ્રઘોષ દાસે જણાવ્યું હતું કે,‘ પાર્ક લેનથી ટ્રફાલ્ગર સ્ક્વેર સુધી ભગવાન જગન્નાથના ઉત્સવપ્રેમીઓ રથયાત્રાની અનોખી આધ્યાત્મિક આનંદની લહેર પર ફર્યા હતા. લંડનના સ્વચ્છ ભૂરા આકાશ હેઠળ ગાયન, નૃત્ય અને ખાણીપીણીનો આ દિવસ હતો જ્યાં ચહેરાઓ પર અપૂર્વ અને અસીમ આનંદ છલકાતો હતો. રથયાત્રાના આરંભથી થોડા સપ્તાહો પછી નોટિંગહામમાં ફરી દેખા દેશે ત્યાં સુધી વિરામ લેશે અને આગામી વર્ષે લંડનમાં ફરી રથયાત્રા યોજાશે અને લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ છલકાતો રહેશે.’

5000 વર્ષથી ચાલતી પરંપરા

ભારતના ઓરિસ્સા રાજ્યના જગન્નાથ પુરીના પવિત્ર નગરમાં રથયાત્રાની પરંપરા 5000 વર્ષથી ચાલતી આવી છે અને વિશ્વમાં સૌથી પ્રાચીન નગરયાત્રાનો ઉત્સવ છે. ભક્તોના માનવા અનુસાર ભગવાન જગન્નાથના રથના દોરડાં ખેંચવા તે ભક્તિ, સમર્પણ અને આશીર્વાદનું પવિત્ર કાર્ય છે.

પશ્ચિમમાં આ પ્રાચીન ઉત્સવનો આરંભ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ (ISKCON)ના સ્થાપક એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા કરાયો હતો. ભારતની બહાર સૌપ્રથમ રથયાત્રા ઉત્સવ 1967માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયો હતો તેમજ લંડનમાં પ્રથમ રથયાત્રા 1969માં યોજાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter