વણથંભ્યા મૂક સેવક : શ્રી જનકભાઈ છોટાભાઈ પટેલ

Tuesday 05th June 2018 06:36 EDT
 
ડાબેથી શ્રીમતી પુષ્પાબેન, જનકભાઇ અને દોહિત્્ર નિકુંજભાઇ
 

સોજીત્રાના મૂળ વતની અને હાલ નોર્થ લંડનમાં રહેતા તેમજ વિવિધ સંસ્થાઅોમાં વિવિધ હોદ્દાઅો પર તન, મન અને ધનથી સેવા આપનાર શ્રી જનકભાઈ છોટાભાઈ પટેલના ઝળહળતા ૯૦મા જન્મ દિનની ઉજવણી તા. ૧ મે ૨૦૧૮ના રોજ નજીકના પરિવારજનોની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

૧ મે ૧૯૨૮ના રોજ મગાડી, કેન્યામાં જન્મેલા જનકભાઇ માત્ર ૭ વર્ષની વયે ભારત ગયા હતા અને સોજીત્રા, શુક્લતિર્થ અને આણંદમાં વધુ અભ્યાસ કર્યો હતો. તેઅો ૧૯૫૦માં વધુ અભ્યાસ અને ધંધાર્થે નૈરોબી આવ્યા હતા. તેમણે કેન્યા ખાતે શિક્ષણ વિભાગ અને એકાઉન્ટ્સ જનરલ વિભાગમાં સેવાઅો આપી હતી. ૧૯૫૨માં હાયર સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ થતા તેમને એકાઉન્ટ્સ અોફિસર તરીકે પ્રમોશન મળ્યું હતું. તે પછી તો તેમણે એકાઉન્ટન્ટ ગ્રેડ ટુ તરીકે બઢતી મેળવી હતી. ફેબ્રુઆરી ૧૯૬૭માં તેમની પોસ્ટને આફ્રિકનાઇઝ્ડ કરાતા પોતાની વેપાર અને વીમા કંપની શરૂ કરી હતી.

જનકભાઇમાં સેવાના ગુણ પહેલેથી જ હોઇ નાઇરોબીથી લંડન આવ્યા બાદ ટૂંક જ સમયમાં સૌના લોકપ્રિય બની ગયા હતા. ૧૯૭૨ની સાલમાં ‘સોજીત્રા સમાજ'ની સ્થાપનામાં તેમનો મહત્વપૂર્ણ ફાળો હતો. ૧૯૭૪-૭૫માં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેમણે ‘ટ્રસ્ટી’ તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે છ-ગામ સાથે મળીને ‘લગ્ન-સહાયક સમિતિ’ની શરૂઆત કરી હતી અને તેના પ્રથમ ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા.

આજ રીતે ૧૯૭૦ના અરસામાં તેઅો બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન વેમ્બલીમાં જોડાયા હતા અને પુસ્તકોની અછત હોવા છતાંય બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનની આગવી પોતીકી લાયબ્રેરીની રચના માટે તેમણે જાતે જવાબદારી ઉપાડી લઈ પુસ્તકાલય ઊભું કર્યું હતું.

૧૯૭૦ના સમયગાળા દરમિયાન તેઅો નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજમાં જોડાયા હતા અને ૧૯૭૫-૭૬માં પ્રમુખ તરીકે નિમણુંક થયા બાદ તેમણે રાસ-ગરબાની હરીફાઈની શરૂઆત કરી. તે સમયે લંડનના મોભાદાર ગણાતા એલેક્ઝાન્ડ્રા પેલેસમાં સૌ પ્રથમ વખત રાસ-ગરબાની હરીફાઈ યોજાઈ ત્યારે ચાર હજાર જેટલા ગુજરાતીઓથી સભાખંડ ચીક્કાર ભરાઈ ગયો હતો.

તેમણે NAPSના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા આપી હતી. આ અને આવા અનેક કાર્યક્રમોને પગલે લંડન – યુકેમાં વસતા સૌ ગુજરાતીઅોમાં સંસ્કાર અને સહકારની ભાવનાને વેગ મળ્યો હતો. લંડનમાં વસતા ગુજરાતી પરિવારોમાં થતી સામાજીક તકરાર કે વિવાદના નિવારણ માટે જનકભાઈને મધ્યસ્થી તરીકે ખાસ આમંત્રણ અપાતું હતું. તેમના નિખાલસ અને ન્યાયી નિર્ણયનો સૌ આદર સાથે સ્વીકાર કરતા હતા.

પ.પૂ. ઇન્દીરા બેટીજીના આજ્ઞાથી પ્રેરિત થઈ 'નોર્થ લંડન પૃષ્ઠી સ્વાધ્યાય’ સત્સંગ મંડળની ૧૯૯૧માં શરૂઆત કરી હતી. જેના તેઅો સંચાલક હતા. આજ રીતે લંડનના આર્ચવેમાં પાટીદાર સમાજના મકાનમાં શિવ શક્તિ મંદિર બન્યું ત્યારે જનકભાઈની નિમણુંક સૌ પ્રથમ ચેરમેન તરીકે કરાઇ હતી. આ મંદિરમાં લગ્ન અને રજીસ્ટ્રેશનની પણ સુવિધા હતી. જેમાંના ચાર રજીસ્ટ્રારમાં તો જનકભાઈ પણ સામેલ થયા હતા. ધર્મપત્ની અ. સૌ. પુષ્પાબેન અને પુત્ર-પુત્રીઅોનો વિશાળ પરિવાર ધરાવતા જનકભાઇ હજુ આજે પણ ‘સોજીત્રા સમાજ’ના વાર્ષિક સંમેલનમાં અવશ્ય હાજરી આપે છે.

જનકભાઇએ જ્યારે ઇસ્ટ આફ્રિકન દેશોમાંથી મોટી સંખ્યામાં ભારતીયોનું સ્થળાંતર થયું હતું ત્યારે તેમને બ્રિટનમાં સ્થાયી કરવામાં, વેપાર તેમજ ઘર લેવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

નિવૃત્તી બાદ જનકભાઇ સડબરી સ્થિત બર્નહામ વેટરન ક્લબના સભ્ય બન્યા હતા. જ્યાં ઘરડા અને ઉંમરલાયક એવા ૬૦ જેટલા સદસ્યો - ગુજરાતીઓ સાથે ભેગા થઈને આનંદ પ્રમોદમાં સમય વિતાવે છે. જનકભાઇ માને છે કે વિદેશમાં જન્મેલા અને ઉછરેલા તમામ યુવાનોએ એક વખત તો ભારતની મુલાકાત લેવી જ જોઇએ જેથી તેઅો તેઅો પોતાના સાંસ્કૃતિક વારસા, સંસ્કાર અને ધરોહરને જાણી સમજી શકે.

આખી જીંદગી જેમણે સેવા કરવાનું ભાથુ બાંધ્યું છે એ જનકભાઈને ગુજરાત સમાચાર પરિવારના લાખ લાખ વંદન અને તેમના ૯૦મા જન્મ દિને પ્રભુ એમને દિર્ઘાયુ બક્ષી સદાય તંદુરસ્ત રાખે એ જ અભ્યર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter