શ્રી પ્રજાપતિ એસોસિએશન યુ.કે. દ્વારા 10મુ સીનિયર્સ સ્નેહ સંમેલન યોજાયું

નિવૃત્તિ પહેલા અને નિવૃત્તિ પછીની પ્રવૃત્તિઓનું પ્લાનિંગ તેમજ વયોવૃદ્ધોને સાઈબરક્રાઈમના જોખમો સહિતની બાબતો પર ચર્ચા કરાઈ

Tuesday 20th June 2023 14:21 EDT
 
 

બર્મિંગહામઃ શ્રી પ્રજાપતિ એસોસિએશન યુ.કે. દ્વારા 10મા સીનિયર્સ સ્નેહ સંમેલનનું આયોજન બર્મિંગહામના રાધાસ્વામી રસીલા સત્સંગ સેન્ટર ખાતે રવિવાર, 21 મે 2023ના રોજ કરાયું હતું. આ સ્નેહ સંમેલનમાં નિવૃત્તિ અગાઉના આયોજન, નિવૃત્તિ પછીની પ્રવૃત્તિઓ તેમજ વયોવૃદ્ધોમાં સાઈબરક્રાઈમના જોખમો બાબતે જાગૃતિ વિશે રજૂઆતો અને ચર્ચાઓ કરાઈ હતી. યુકેના 14 શહેરો અને ટાઉન્સમાંથી આવેલા આશરે 650 વરિષ્ઠ નાગરિકોની શ્રી પ્રજાપતિ એસોસિએશન (SPA) બર્મિંગહામના 70 સ્વયંસેવકોએ સરભરા કરી હતી.

સ્નેહ સંમેલનના સવારના સત્રનો આરંભ આરતી સાથે કરાયો હતો. મનુભાઈ મિસ્ત્રી (ટેમસાઈડ) અને હંસાબહેન (લૂટન)ની આગેવાની હેઠળ હનુમાન ચાલીસાનો પાઠ ગવાયા પછી સીનિયર્સ કમિટીના ચેરપર્સન બલવંતભાઈ મિસ્ત્રી (લંડન)એ સ્વાગત પ્રવચન કરતા સમારંભમાં આવવાના પ્રયાસની પ્રશંસા કરી હતી. SPA બર્મિંગહામ શાખાના સભ્યો રસિકભાઈ પટેલ, અંબાલાલભાઈ મિસ્ત્રી, નયનાબહેન મિસ્ત્રી, સુશીલાબહેન મિસ્ત્રી અને જમનાબહેન મિસ્ત્રીએ ‘આજ અમારા આંગણિયાને પાવન કરવા કાજ, પધારો મોંઘેરા મહેમાન’ સ્વાગત ગીત સાથે ઓડિયન્સમાં ઉપસ્થિતોને ભાવભર્યો આવકાર આપ્યો હતો.

એજ યુકેના સર્વિસ મેનેજર સુકી બિન્નિંગ અને હેડ ઓફ ઓપરેશન્સ સદાફ અઝીમે અંગ્રેજી અને હિન્દીમાં નિવૃત્તિ અગાઉ અને, નિવૃત્તિ પછીના આયોજનો વિશે માહિતીપ્રદ રજૂઆત કરી હતી જેમાં, એકલતા, એકલવાયાપણું ગરીબી, હાઉસિંગ મેન્ટેનન્સ, આરોગ્યની સમસ્યાઓ કેવી રીતે સામનો કરવો અને ડિજિટલ બનવા સહિતની બાબતો આવરી લેવાઈ હતી. SPA UKદ્વારા 250 પાઉન્ડનો ચેક દાન તરીકે Age UKને અપાયો હતો. આ રજૂઆતો પછી, SPA Walsall શાખાના સભ્યોએ બે સુંદર ભજન ગાયા હતા.

સંમેલનમાં પ્રજાપતિ સમાજના બે ‘શતાયુ’ શ્રીમતી મણિબેન નારણભાઈ પટેલ (વોલ્સાલ) અને શ્રી નારણભાઈ પુરુષોત્તમભાઈ મિસ્ત્રી (લંડન)નું ટોકન ગિફ્ટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. SPA લેસ્ટર બ્રાન્ચની બહેનોએ ખુરશી પર બેસીને ‘ચાલો ગરબા ફિટ કરવા’ની રજૂઆતમાં બેસીને અને ઉભાં રહીને વિવિધ કસરતો કેવી રીતે કરી શકાય તે સમજાવ્યું હતું. આ પછી, લોકો એકબીજા સાથે સારી રીતે હળીમળી શકે તે માટે લાંબા સમય સુધી લંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન પછી, લૂટનના પુષ્પાબહેન મિસ્ત્રીએ વૃદ્ધાવસ્થામાં જાતને પ્રવૃત્તિમય રાખવા આપણા વડીલોએ વિવિધ શોખ કેળવ્યા હતા તેના વિશે ચર્ચા શરૂ કરી હતી. ઓડિયન્સના સભ્યોએ મગજને સતેજ રાખવા સુડોકુ અને ક્રોસવર્ડની રમતો, ગાર્ડનિંગ, વોલન્ટીઅરીંગ, પેઈન્ટિંગ અને બાળપોથીઓમાં રંગપૂરણી સહિતની પ્રવૃત્તિઓના ઉદાહરણો આપ્યા હતા. આ પછી, સીનિયર્સ કમિટીના નવા સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં લૂટનના શ્રી અનિલભાઈ મિસ્ત્રી (ચેરપર્સન), લેસ્ટરના શ્રી મનહરભાઈ મિસ્ત્રી (સેક્રેટરી) તેમજ લેસ્ટરના કલાબહેન મિસ્ત્રી અને રંજનબહેન ગોસાઈ (સહાયકો) ચૂંટાઈ આવ્યાં હતાં.

ઈલેક્શન પછી, SPA લંડન શાખાના સભ્યોએ ‘નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ’ નામે કોમેડી નાટક રજૂ કર્યું હતું. બર્મિંગહામના શ્રી પિયુષભાઈ મિસ્ત્રીએ સાઈબર ક્રાઈમ તેમજ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન્સ અને ઈન્ટરનેટના ઉપયોગ સમયે શું કાળજી લેવી તેની સમજ આપી હતી. આ રજૂઆત પછી, બ્રેડફોર્ડ શાખાના સભ્યોએ ‘રમૂજી ભજનો’ની જમાવટ કરી હતી જ્યારે બર્મિંગહામના શ્રી ધનસુખભાઈ મિસ્ત્રીએ ક્લાસિક ભજનો અને ગઝલો ગાઈને ઓડિયન્સને રસતરબોળ કરી દીધું હતું.

SPA UK ના પ્રમુખ કમલેશભાઈ મિસ્ત્રીએ આ પ્રોગ્રામ વિશે જણાવ્યું હતું કે,‘આઘણો સુંદર કાર્યક્રમ હતો. મહામારી જેવા પડકારો છતાં આપણા સમાજને તે ગતિશીલ રાખે છે અને આપણે તમામ વયજૂથના લોકો માટે ઘણી નવી પહેલ કરવાનું ચાલુ રાખ્યું છે.’ બ્રિટન અને ભારતના રાષ્ટ્રગીતોના ગાન પછી કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

યુકેસ્થિત ચેરિટી સંસ્થા શ્રી પ્રજાપતિ એસોસિએશન યુ.કે.ની સ્થાપના 1975માં કરાઈ હતી જેની 14 શાખા ઈંગ્લેન્ડમાં ફેલાયેલી છે. સંસ્થાનો ઉદ્દેશ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને આગળ વધારવા તેમજ પ્રજાપતિ કોમ્યુનિટીમાં ગરીબી અને માંદગીમાં રાહત મેળવવાનો છે. સંસ્થા દ્વારા નેશનલ સ્પોર્ડ્સ ડે, મહિલા સંમેલન, સીનિયર્સ સંમેલન, ફેમિલી ફન ડે, યુથ બોલ, પ્રજાપતિ્ઝ ગોટ ટેલેન્ટ સહિતના વાર્ષિક કાર્યક્રમો અને ઓનલાઈન પ્રેઝન્ટેશન્સ કરવામાં આવે છે. સંસ્થાની 14 શાખાઓ દ્વારા પણ વિવિધ ઈવેન્ટ્સ યોજાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter