શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ પારાયણની પૂર્ણાહૂતિ નિમિત્તે ગીતાહવન

Thursday 11th February 2021 04:25 EST
 
 

વિશ્વભરમાં વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના આક્રમણને કારણે લોકડાઉન અને કરફ્યુની પરિસ્થિતિમાં ચિન્મય મિશન અમદાવાદની એકેડમી ઓફ કલ્ચર એન્ડ આર્ટ્સ દ્વારા “ગીતા ચેન્ટિંગ ઇઝ એન્ચાન્ટિંગ” હેઠળ સંપૂર્ણ ગીતાપારાયણ ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું હતું. ૩૨૪ દિવસના આ અતૂટ ગીતા પારાયણની ૧૧મી ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ થઈ હતી. તે અવસરે ૧૨મી ફેબ્રુઆરીએ સંસ્થાના પરમધામ મંદિર ખાતે વિશેષ ગીતાહવનનું આયોજન કરવામાં આવ્યું છે. ગીતાના ૧૮ અધ્યાયનાં ૧૮ પારાયણ પૂરાં થયાં તેને તપ કહી શકાય અને એ તપ ગીતાહવન દ્વારા જગદ્ગુરુ શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવશે. મોટા ભાગે ૧૦૮ જપની માળા સાથે હવન કરવામાં આવે છે પણ આ હવનની વિશેષતા એ છે કે તેમાં ગીતાના અઢારેય અધ્યાયના કુલ ૭૦૦ શ્લોકોને એક પછી એક બોલીને “સ્વાહા ઇદંનમમ” સાથે આહુતિ આપવામાં આવશે. ગીતાહવન ભાગ્યે જ થાય છે કારણ કે તેમાં સમય પણ ઘણો લાગે છે. બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્યના માર્ગદર્શન હેઠળ યોજાનારો આ હવન સવારે ૬.૩૦ વાગ્યે શરૂ થશે અને લગભગ ૪ કલાક ચાલશે. ખાસ વાત એ છે કે આ અતૂટ પારાયણમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઓમાન જેવા દેશોમાંથી પણ લોકો જોડાયા હતા. જેમણે જીવનમાં કદી ગીતાનો શ્લોક બોલ્યો નહોતો તેવા લોકો પણ આ પારાયણ પછી સુંદર પઠન કરી શકે છે. તેમનો અનુભવ છે કે કોરોનાકાળમાં દિવસની શરૂઆત ગીતાપારાયણથી કરવાથી અનોખી ઊર્જાનો સંચાર થતો હતો અને હતાશામાંથી બહાર આવવામાં પણ ખૂબ મદદ મળી હતી. સૌ આ હવનમાં જોડાવાનો લાભ લઈ શકે તે હેતુથી સીએમઅમદાવાદ ફેસબુક પેજ પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter