સંસ્કારવાહિની: લોકસાહિત્ય અને ચારણી સંસ્કૃતિના Zoom કાર્યક્રમને અભૂતપૂર્વ લોક આવકાર

કોકિલા પટેલ Wednesday 20th January 2021 04:19 EST
 
 

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે રવિવારે રજૂ થયેલ ચારણી લોકસાહિત્યના ઓનલાઇન Zoom કાર્યક્રમને અભૂતપૂર્વ લોક આવકાર સાંપડ્યો છે. બપોરે ૩.૦૦થી ૫.૦૦ વાગ્યાનો કાર્યક્રમ સાંજના ૬.૧૫ સુધી ચાલ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થતા પહેલાં બપોરે ૨.૪૫ વાગ્યાથી ૧૦૦૦ દર્શકો-શ્રોતાજનો ઝૂમમાં જોઇન્ટ થઇ ગયા હતા. બ્રાયટન (GCS)ની ટેકનિકલ ટીમ દ્વારા સંચાલિત આ ઝૂમ કાર્યક્રમની કેપેસિટી ૧૦૦૦ની હોવાથી બીજા ૫૦૦થી વધુ લોકોનો સમાવેશ નહિ થઇ શકતાં નિરાશા સાંપડી હતી. "ચારણી લોકસાહિત્ય"નો આ કાર્યક્રમ માણવા યુ.કે. સહિત ભારત, અમેિરકા, કેનેડા તથા આફ્રિકાથી દર્શકો જોડાયા હતા.
કાર્યક્રમનું સંચાલન બ્રાયટન સ્થિત ગુજરાત કલ્ચરલ સોસાયટીના પૂર્વ પ્રેસિડેન્ટ અને મનોરંજન વિભાગના સેક્રેટરી ધીરૂભાઇ ગઢવી અને 'ગુજરાત સમાચાર'ના મેનજીંગ એડિટર કોકિલા પટેલે કર્યું હતું. સૌનું સ્વાગત કરતાં કોકિલા પટેલે કહ્યું કે, “ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' સમાચારપત્રો એ ધનોપર્જન કરવાનું એકમાત્ર સાધન નથી. આ સમાચાર પત્રો જ્ઞાનયજ્ઞ-સેવાયજ્ઞને વરેલાં છે. અમારા પ્રકાશક-તંત્રીશ્રી સી.બી. પટેલનો મુખ્ય આશય જ્ઞાનયજ્ઞ સાથે સમાજસેવા કરવાનો છે. કોરોના કાળમાં આપણે સૌ ઘરની ચારદિવાલો વચ્ચે પૂરાયા છીએ ત્યારે ઘેરબેઠાં ગંગાની જેમ આપણા વડીલો, ભાઇ-બહેનોને ઝૂમ મારફતે મનને આનંદ મળે એવું કંઇક કરવા સી.બી.એ નવો માર્ગ શોધ્યો જેને પ્રથમ મંગલાચરણે અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો છે. ભૂતકાળમાં 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' દ્વારા લંડન સહિત લેસ્ટર, નોટીંગહામ, બર્મિંગહામ, માંચેસ્ટર, પ્રેસ્ટનની સંસ્થાઓના સહયોગ સાથે માતૃવંદના, પિતૃવંદના, શ્રવણ સન્માન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે તા. ૧૪ ફેબ્રુઆરીએ આપણે ઝૂમ પર "પિતૃવંદના" કરતા વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ‘ગુજરાત સમાચાર'ની સ્થાપનાને આવતા વર્ષે ૫૦ વર્ષ પૂરાં થશે એની ઉજવણી માટે પણ ભવ્ય આયોજન થઇ રહ્યું છે.”
 ધીરૂભાઇએ સૌનું અભિવાદન કરી કાર્યક્રમની શરૂઆત ગીરના ચારણી બાળક રાજવીરની વિડિયો કલીપથી કરી. ચોમાસાની વર્ષાઋતુમાં જયાં સિંહો ફરે છે એ ગીરના જંગલોમાં મોરલા ટહૂકતા સંભળાતા હતા એવી હરિયાળી વચ્ચે ઢોર ચરાવતા, લાકડીના ટેકે ઉભેલા ચારણ બાળક રાજવીરને ચારણી ભાષામાં ગીતો લલકારતો જોઇ સૌ આશ્ચર્યચકિત બન્યા હતા. ત્યારબાદ ગીરનું જ ફરછંદ અને ગુજરાતમાં લોકપ્રિય ચારણ કલાકાર રાજભા ગઢવીએ જૂનાગઢથી સ્ટુડિયોમાંથી વાદ્યસંગીત સાથે પોતાની ચારણી શૈલીમાં લોકસાહિત્યની વાતો કરતાં કરતાં "શિવાજીને નીંદરું ના આવે, માતા જિજાબાઇ ઝુલાવે" જેવા અનેક ગીતો ચારણી ઢબે રજૂ કરી લોકસાહિત્યની રંગત જમાવી. રાજભાને રાત્રે જ અમરેલી ખાતે અન્ય કાર્યક્રમ માટે જવાનું હોવા છતાં તેઓએ 'ગુજરાત સમાચાર' અને ધીરૂભાઇના આમંત્રણને માન આપી "સંસ્કારવાહિની-લોકસાહિત્ય" કાર્યક્રમમાં ચારણી ઢબે દોહા-છંદ રજૂ કરી ચારચાંદ લગાવી દીધા હતા.
ગીરના નેહડામાં રહેતા ચારણ બાળકો રવિરાજ અને વિજયને આ કાર્યક્રમ માટે ખાસ રાજકોટ સ્ટુડિયોમાં લાવવામાં આવ્યા હતા. કોકિલા પટેલે રવિરાજ સાથે પ્રશ્નોત્તરી કર્યા બાદ ધીરૂભાઇ ગઢવીએ એમની ચારણી ભાષામાં આ બન્ને બાળકો સાથે વાતચીત કરી. ત્યારબાદ અસ્સલ ચારણી પહેરવેશ ચોયણી-પાઘડી સાથે સજ્જ રવિરાજ અને વિજયે ચારણી શૈલીમાં મા ભવાનીની સ્તુતિઓ અને છંદ રજૂ કરી સૌને ખુશ કરી દીધા.
ધીરૂભાઇ ગઢવીએ જણાવ્યું કે, “ગુજરાત સમાચાર-એશિયન વોઇસ તેમજ એમની ચેરિટી સંસ્થા કર્મયોગા ફાઉન્ડેશન દ્વારા ઘણા સેવાલક્ષી કાર્યો થઇ રહ્યાં છે. કર્મયોગા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સી.બી. પટેલ, પુષ્પાબેન પટેલ, સરોજબેન પટેલ તથા કાન્તિભાઇ નાગડા છે અને એના માનદ એકાન્ટન્ટ કૌશિકભાઇ દેસાઇ છે. કર્મયોગા ફાઉન્ડેશને અક્ષયપાત્ર સહિત ઘણી ધાર્મિક અને સ્થાનિક સામાજિક સંસ્થાઓને માતબર સહાય સાદર કરી છે. આપ ઓનલાઇન પર એના એકાઉન્ટ્સ જોઇ શકો છો. આ ચેરિટી સંસ્થા દ્વારા નેહડામાં રહેતા રવિરાજના શિક્ષણ માટે પણ યોગ્ય ફંડ ફાળવશે.”
“સંસ્કારવાહિની-ચારણી લોકસાહિત્ય"ને ઝૂમ દ્વારા રજૂ કરવાનો દ્રઢમનોરથ સેવનાર અમારા પ્રેરણાદાયક તંત્રીશ્રી સી.બી.પટેલે અપ્રતિમ સફળતાની સરાહના કરી ધીરૂભાઇ ગઢવી તથા બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના ટેકનિશીયન અનંતભાઇ સૂચક, મહેન્દ્રભાઇ ચૌહાણ તથા કેતનભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો. વધુમાં તેમણે કહ્યું કે, ‘હું કોઇ ધર્મ, જાતિ કે જ્ઞાતિ પ્રત્યે પક્ષપાત કરતો નથી પરંતુ ચારણોએ આપણા સમાજને ઘણું આપ્યું છે. એમના વતન ભાદરણ અને નજીકના વાડવોલમાં ચારણો વસતા હતા એનો ઉલ્લેખ કર્યો. ચારણોના કંઠે સાક્ષાત મા સરસ્વતી બેઠાં છે એટલે જ આવી જોરદાર શૈલીમાં અવિરતપણે તેઓ ચારણી છંદ-દોહા ગાઇ શકે છે. સી.બીએ અમેરિકાના ન્યુજર્સી સ્થિત રામભાઇ ગઢવીના ધર્મપત્ની ભાનુબહેનને રાખડી બહેન માન્યાં છે એમ કહીને જણાવ્યું કે એ નાતે ધ્રુવ ગઢવી મારો ભાણો થાય છે. સી.બી.એ રાજકોટથી ખાસ કાર્યક્રમમાં હાજરી આપનાર ડો. અંબાદાન ગઢવીનો સૌને પરિચય આપતાં કહ્યું કે, ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. અંબાદાનભાઇ ગઢવીનાં ઘણા પુસ્તકો પ્રકાશિત થયાં છે. મુંબઇસ્થિત જાણીતા ઉદ્યોગપતિ મોહનભાઇ પટેલે પણ અંબાદાનભાઇના પુસ્તકની પ્રસ્તાવના લખીને સહયોગ આપ્યો છે.”
યુએસએમાં ઘેર બઠાં આ કાર્યક્રમ નિહાળી રહેલા રામભાઇ ગઢવીએ ટૂંકમાં વકતવ્ય રજૂ કરતાં કહ્યું કે, 'ચારણી શૈલીમાં રજૂ થતા દોહા અને છંદ કેટલાકને સમજાતા નથી તો એનો અર્થ સરળ ભાષામાં સમજાવવો જોઇએ. આ કાર્યક્રમ અગાઉ બે દિવસ પહેલાં જ સમગ્ર ગઢવી સમાજે એમના માતાજી સોનલમાનો જન્મ દિવસ દેશવિદેશમાં ઉજવ્યો હતો એનો પણ ઉલ્લેખ કર્યો.”
ધીરૂભાઇએ જણાવ્યું કે, 'આ કાર્યક્રમ ચારણ તત્વનો છે. ચારણ તત્વને કારણે જ રાજભા ગઢવી અને બન્ને બાળકોને કંઠે માતાજીની કૃપાદ્રષ્ટિથી સતત ચારણીશૈલી વહેતી રહે છે. ધીરૂભાઇએ ચારણ ચાહક તરીકે સી.બી.ને બિરદાવ્યા. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત વેસ્ટકોમ્બ ગ્રુપના ડિરેકટર વ્રજભાઇ (વજુભાઇ) પાણખાણીયાનો પરિચય આપતાં ધીરૂભાઇએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રના ગૂનડા ખાતે સતપૂરણધામ વૃધ્ધાશ્રમ, નેપાળમાં સ્કૂલ નિર્માણ અને કેન્યામાં ઘણા સેવાકાર્યો વજુભાઇ પરિવાર દ્વારા થઇ રહ્યાં છે. દુબઈની હોટેલમાંથી કાર્યક્રમમાં ભાગ લેનાર વજુભાઇએ મધુરકંઠે માતૃ-પિતૃવંદના કરતું ભજન "ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, મારે નથી જાવું તીરથધામ" મધુર કંઠે રજૂ કર્યું.
બોલીવુડ ફિલ્મ સંગીત માટે યુ.કે.ભરમાં વિખ્યાત મહેશભાઇ ગઢવી તથા નીતુ ગઢવીએ સી.બી.ને મનગમતું ગુજરાતી ગીત "તારી આંખનો અફીણી", "વૈષ્ણવજન તો" અને હિન્દી ફિલ્મ ગીત "એક પ્યાર કા નગમા" રજૂ કર્યું ત્યારે ઝૂમ પર પોતપોતાના ઘરમાં લોકોને ડાન્સ કરતા જોઇ સૌ પ્રેક્ષકો પ્રભાવિત થયા હતા. જાણીતા ઝીટી.વી. પ્રેઝન્ટર ધ્રુવ ગઢવીએ ચારણ-ગઢવીનો ઇતિહાસ રજૂ કરતાં કહ્યું કે, ‘આપણી ચાર વર્ણવ્યવસ્થામાં ગઢવીઓનો કયાંય સમાવેશ થતો નથી. તેમની ગણના દેવીપુત્રો તરીકે થાય છે, પહેલાંના રજવાડાઓમાં રાજાઓના મહેલ, કિલ્લાઓનું રક્ષણ આ ગઢવીઓ કરતા. રાજમહેલોમાં રાણીઓના નિવાસમાં માત્ર ચારણોને જ જવાનો અધિકાર રહેતો. તેમના ઉપર એટલો વિશ્વાસ રહેતો, અસ્સલમાં તેઓ ગઢવીર તરીકે ઓળખાતા પણ હવે અપભ્રંશ થતાં તેઓ ગઢવી તરીકે ઓળખાય છે. ધ્રુવ ગઢવીએ ચારણી લોકસાહિત્યનો આ કાર્યક્રમ રજૂ કરવા બદલ સી.બી. પટેલ, ગુજરાત સમાચાર અને ધીરૂભાઇનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ ધીરૂભાઇએ ગઢવીઓ ગઢવીર કેમ કહેવાતા એ સમજાવ્યું.
કાર્યક્રમના અંતમાં પ્રતાપભાઇ ગઢવીએ માતાજીની સ્તુતિ ગાઇ અને ધીરૂભાઇ ગઢવીએ ઝવેરચંદ મેઘાણીની રચના "રાજ મને લાગ્યો કસુંબીનો રંગ' રજૂ કરીને સૌનો આભાર વ્યક્ત કર્યો અને સાડા ત્રણ કલાક ચાલેલા ઓનલાઇન ઝૂમ કાર્યક્રમમાં જોડાઇ નહિ શકનાર ભાઇ-બહેનો અને વડીલોની ક્ષમાયાચના કરી. સી.બી પટેલે પણ જોડાનાર સૌનો આભાર વ્યક્ત કર્યો.
પોરબંદર સાંદિપની આશ્રમના વિદ્યાર્થીઓ-ઋષિકુમારો સહિત એક જમાનાનાં ખ્યાતનામ બોલીવુડ સિંગર કમલા બારોટ (ગઢવી), ઇસ્ટ લંડનસ્થિત હર્ષા પંડ્યાનાં નિકટનાં સંબંધી તેમજ સંજય લીલા ભણશાલી સાથે ફિલ્મક્ષેત્રે કાર્યરત અને "બ્લેક" ફિલ્મનાં પ્રોડ્યુસર, એવોર્ડ વિજેતા ગૌતમી ભટ્ટે પણ મુંબઇમાં બેઠાં ઝૂમ પર આ કાર્યક્રમને માણ્યો હતો. આ કાર્યક્રમમાં લોર્ડ ધોળકિયા અને લોર્ડ ડોલરભાઇ પોપટ સહિત દેશવિદેશથી અનેક મહાનુભાવો જોડાયા હતા.
અંતમાં ધીરૂભાઇ ગઢવીએ જણાવ્યું કે, "ગુજરાત સમાચાર"ના નેજા હેઠળ કર્મયોગા ફાઉન્ડેશન દ્વારા આવા વિવિધ કાર્યક્રમો દર મહિને યોજાય એવી અમારી ઇચ્છા છે પરંતુ ઓન લાઇન ઝૂમ પર યોજાતા કાર્યક્રમોના આયોજન માટે પણ ખર્ચ થતો જ હોય છે.
આવા કાર્યક્રમમાં જોડાનાર દર્શકો-શ્રોતાઓ તરફથી જો યથાશક્તિ અનુદાન સાંપડે તો "સંસ્કારવાહિની" હેઠળ દર મહિને જુદા જુદા થીમ પર ઓનલાઇન કાર્યક્રમો રજૂ થઇ શકે. આપણા સાહિત્ય, સંગીત, સંસ્કાર, કલાને ધબકતી રાખતી "સંસ્કારવાહિની"ને સતત વહેતી રાખવા આપનો સહયોગ જરૂરી છે. ધીરુભાઇએ ખાસ ભારપૂર્વક જણાવ્યુંં કે જેઓએ યથાશક્તિ આર્થિક સહાય મોકલવી હોય તેઓએ કર્મયોગા ફાઉન્ડેશનના નામે ચેક મોકલી આપવો. એનો તમામ હિસાબ કૌશિકભાઇ દેસાઇ રાખશે.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter