સંસ્કારોના સિંચન માટે એટીએમની જેમ મંદિરોની સ્થાપના થવી જોઇએઃ સાધુ પ્રેમવત્સલદાસજી

વિશેષ મુલાકાત

- મહેશ લિલોરિયા Wednesday 02nd August 2023 06:34 EDT
 
 

(સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ યુકેની સ્થાપનાને ૬ ઓગષ્ટના રોજ ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ મહોત્સવમાં હાજરી આપવા કુમકુમ - મણિનગરના સંતો લંડન પધાર્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ – મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી સાથે ખાસ વાતચીતના અંશો...)
• પ્રશ્નઃ દેશ-વિદેશમાં મંદિરોની સ્થાપનાથી શું લાભ થશે?
મંદિર નિર્માણનો ઉદ્દેશ્ય મંદિરમાં આવનારને સકારાત્મક ઉર્જાથી ભરી દેવાનો છે, દિવ્યતા સાથે જોડી દેવાનો છે. એથી વધુ એનું આત્યાંતિક કલ્યાણનો માર્ગ સિદ્ધ કરવાનો છે. મંદિર નિર્માણ વ્યક્તિગત રીતે તથા સામાજિક રીતે ફાયદામંદ છે. આજનાં આધુનિક યુગમાં આપણા નવયુવાનોને પશ્ચિમી સંસ્કૃતિનું ઘેલું લાગ્યું છે. જો આપણે રહેતા હોઈએ ને આસપાસ મંદિર હોય તો ત્યાં ચાલતી બાળસભા, યુવાસભામાં, સંસ્કારોનું સિંચન થાય ને તેઓ આડા રસ્તે ન જાય. માટે જ ઠેર... ઠેર... એટીએમની જેમ મંદિરોની સ્થાપના થવી જ જોઇએ કારણ કે બંને સંકટ સમયની સાંકળ છે. જ્યારે જાઓ ત્યારે આપણને લાભ જ થાય.
દેશની સાથે સાથે વિદેશોમાં પણ મંદિર નિર્માણનો ફાયદો એ છે કે, આપણાં જ સંતાનો વિદેશ ભણવા ગયા હોય કે ધંધાર્થે ગયા હોય ત્યાં જેને આપણી ભારતીય સંસ્કૃતિવાળું મંદિર મળે તો તેમને ઘર જેવી જ હૂંફ અને સંસ્કાર મળે છે.
• પ્રશ્નઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશમાં કયારથી આવતા થયા, એનાથી પ્રજાને શું લાભ થયો?
સૌપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને તેમના પ્રથમ પટ્ટશિષ્ય શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી (કુમકુમ મંદિરના સંસ્થાપક) ઈ.સ. 1948 આફ્રિકા ગયા અને ભારતીય સંસ્કૃતિના પ્રચારને પ્રસાર કરવા માટેની પહેલ પાડી. તેઓ ત્યાં ચાર મહિના રોકાયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને બળીયા બનાવ્યા અને ત્યાં ભવિષ્યમાં મંદિર કરવાનો પણ પ્લાન કર્યો. અનેક માણસોને સદાચાર, સંસ્કારની રીત શીખવી. એ પછી પણ તેઓ અનેક વખત આફ્રિકા પધાર્યા.
ઈ.સ. 1970માં શ્રી મુક્તજીવન સ્વામીબાપા લંડન પધાર્યા અને સારાય યુરોપમાં સત્સંગ સભાઓ યોજી. લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર સભા કરીને તેઓશ્રીએ અંગ્રેજી ભાષામાં પ્રવચન આપીને ભારતીય સંસ્કરોનું સિંચન કર્યું અને અનેક ને વ્યસનોથી મુક્ત કરી સદાચારના માર્ગે વાળ્યાં.
આ જ માર્ગે તેમના પ્રથમ પટ્ટશિષ્ય સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ ચાલ્યા અને તેઓ સાત વખત લંડન પધાર્યા અને સૌના જીવમાં ભગવાનનું પ્રાધાન્ય કેળવાય તે માટે સ્ટેનમોર વિસ્તારમાં મંદિરની પણ સ્થાપના કરી છે. જેથી આજે કેટલાય બાળકો - યુવાનોનું જીવન ભક્તિમય બન્યું છે.
આ મંદિરને તા. 6 ઓગષ્ટના રોજ 10 વર્ષ પૂર્ણ થાય છે તે માટે જ અમો પણ આ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - યુકેના મહોત્સવ પ્રસંગે આવ્યા છીએ અને પાંચ દિવસ ભવ્ય મહોત્સવ ઉજવવાના છીએ. આવી રીતે મંદિરો થવાથી અને સંતોના વિદેશ વિચરણ થી આપણા ભારતીય સંસ્કારો સચવાય છે અને તેને પોષણ મળ્યું છે.
• પ્રશ્નઃ આજની યુવા પેઢીને શું સંદેશ આપશો?
આજની પેઢીની વિચારધારા એવી છે કે એક જ જિંદગી મળી છે તો માણી લો... અને બધા જ ભોગ-વિલાસ, વૈભવનાં સુખ પામી લો. ખર્ચા કર્યા પછી જે બચે એને બચત કે ઈન્વેસ્ટ ના કરો, પણ તમારી કમાણીમાંથી અમુક હિસ્સો તમારી તથા તમારાં પરિવારની મેડિકલ સિક્યોરિટી માટે, અમુક હિસ્સો રિઝર્વ તરીકે કોઈ કઠણ કાળમાં જો તમારી જોબ ન રહે તો એવાં સમય માટે, અમુક હિસ્સો ધર્માદા માટે, અમુક હિસ્સો સેફ ઈન્વેસ્ટ માટે અને અમુક હિસ્સો તમારાં રોજનાં જીવન જરૂરિયાતનાં ખર્ચ કે ઘરની જવાબદારી પાછળ વાપરો. આ બધાં પછી જે બચે તેને તમે... તમારાં મોજ-શોખ માટે વાપરી શકો છો. એ પણ જરૂરી છે, પણ એ મર્યાદિત હોવું જોઈએ, બેફામ નહિ... તમારા જીવનની કિંમત જાણો... આજે યુવાનો કલાકો સુધી મોબાઈલ પર સોશિયલ મીડિયામાં વ્યતીત કરી દે એ મૂર્ખામી છે. વાંક તમને મળતા મર્યાદિત સમયનો નથી, તમને ટાઈમ મેનેજ કરતાં આવડતું નથી એનો છે. માટે એ કરતાં શીખો કારણ કે દરેક સફળ વ્યક્તિઓ પાસે પણ દિવસનાં ર૪ કલાક જ છે. જીવનમાં પ્રગતિ કરતાં રહેવાં માટે નિયમિત રીતે શીખતાં રહેવું જરૂરી છે. અને શીખતાં રહેવા માટે પુસ્તક વાંચન જરૂરી છે. આ પછી પરિવારને સમય અને મહત્ત્વ આપો અને સતત પોઝિટીવ અભિગમ રાખો.
• પ્રશ્નઃ આજનો માણસ માનસિક તણાવમાં જીવી રહ્યાો છે તેનાથી મુક્ત થવા શું કરવું જોઈએ?
ભીખારી, શેઠિયો, રાજા - આ ત્રણેય વર્ગનાં લોકોને સ્ટ્રેસ હોય છે. કારણ કે સ્ટ્રેસ એ જીવનનું અવિભાજ્ય અંગ છે એટલે કે સ્ટ્રેસ તો બધાને હોય, પણ જે સ્ટ્રેસને મેનેજ ના કરી શકે એ કાં તો નાસીપાસ થઈ જાય છે, કાં તો ગાંડો થઈ જાય છે, કાં તો આત્મહત્યા પણ કરે છે. સ્ટ્રેસને મેનેજ કરવા માટે, સ્પષ્ટ સમજણ અને સ્પષ્ટ વર્તનની જરૂર છે. તમને તમારી લાઈફસ્ટાઈલ મેનેજ કરતાં ન ફાવે તો પણ સ્ટ્રેસ જન્મે. વ્યક્તિએ 8 કલાક - ઈમાનદારીથી વ્યવસાય / નોકરી અર્થે. 8 કલાક - સારી રીતે આરામ, ઊંઘ વગેરેમાં. અને 8 કલાક - ફેમિલી, ફેન્ડ્સ, ફેઈથ (શ્રદ્ધા), હેલ્થ (સ્વાસ્થ્ય), હાઈજીન (શુદ્ધતા), હોબી (શોખ) આમાં આપવાં જોઈએ. આ છેલ્લાં 8 કલાક તમે સારી રીતે મેનેજ નથી કરતાં એટલે સ્ટ્રેસ જન્મે છે. દુનિયામાં સૌથી આનંદની પળ ત્યારે આવે છે જ્યારે આપણે આપણા આત્મીયજન સાથે ઘડી બે ઘડી સમય પસાર કરતાં હોઈએ.
• પ્રશ્નઃ આપણી ગુજરાતી માતૃભાષા જીવંત રાખવા શું કરવું જોઈએ?
આજના આધુનિક યુગમાં મોટાં ભાગની તકો અને ઉચ્ચ કારકિર્દી અંગ્રેજી ભાષાના માધ્યમથી મળે છે તો એ ભાષા ભલે શીખીએ, પણ માતૃભાષાનું અલગ જ મહત્ત્વ છે. આપણી માતૃભાષા એ આપણી સંસ્કૃતિ છે. આપણે આપણાં બાળકો માટે નિયમિત સમય કાઢીને તેમને માતૃભાષા વાળા હાલરડાં ગાઈ સંભળાવવા જોઇએ. તેમની કેર લેવા માટે બહારનાં કોઈ બહેન રાખવાને બદલે આપણે જાતે પરવરિશ કરી માતૃભાષાનું જ્ઞાન પીરસીએ. નિત્યે ધ્રુવ, નચિકેતાની પ્રેરણાદાયી વાર્તા સંભળાવી સંસ્કારોનું સિંચન કરીએ. રોજ નીતનવા પુસ્તકો વાંચવાની પ્રેરણા કરીએ. આપણા ધાર્મિક પુસ્તકો આપણી માતૃભાષામાં લખાયેલા હોય તે વાંચતાં કરીએ. રોજ ગુજરાતી થોડું થોડું વ્યાકરણ ભણાવીએ. વકતૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવીએ. ઘરમાં માતૃભાષાસભર વાતાવરણ આપીએ. તો બાળકોમાં સંસ્કાર સિંચન સાથે સાથે આપણી માતૃભાષાનું પણ મહત્વ સમજાય.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - યુકેનો 10 મો પાટોત્સવ
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-સ્ટેનમોર મંદિરનો 10મો પાટોત્સવ ભારે ધર્મમય વાતાવરણમાં ઉજવાઇ રહ્યો છે. આ પ્રસંગે ‘શ્રી પુરુષોત્તમ ગીતા ગ્રંથની’ પારાયણ યોજાઇ છે, જે કથામૃતનું પાન અમદાવાદથી પધારેલા શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને સાધુ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવી રહ્યા છે, જ્યારે શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રી હરિધર્મભૂષણદાસજી સ્વામી પારાયણનો સંહિતા પાઠ કરશે.
વિગતવાર કાર્યક્રમ
• 3 ઓગસ્ટ (સવારે: 8.00થી રાત્રે 8.00) - શ્રી સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, કીર્તન-ભક્તિ, કથામૃત પાન

• 4 ઓગસ્ટ (સાંજેઃ 4.30થી 8.00) - પારાયણ વાંચન, યુવાનો દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ

• 5 ઓગસ્ટ (સવારે: 8.00 થી રાત્રે 12.00) - શ્રી હરિ જાપ સામૂહિક યજ્ઞ અને (સાંજે: 5.00 થી 7.30) શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય નગર યાત્રા

• 6 ઓગસ્ટ (સવારે: 8.00થી રાત્રે 12.00) સ્વાગત યાત્રા, શ્રી ઘનશ્યામ મહારાજનો પંચામૃતથી અભિષેક, પારાયણની પૂર્ણાહુતિ, સંતવાણી આદિ વિવિધ કાર્યક્રમ. આ પ્રસંગે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવનકવન ઉપર તૈયાર થયેલ પુસ્તકનું વિમોચન કરાશે.
મહોત્સવનું લાઇવ પ્રસારણ ‘SWAMINARAYAN MANDIR KUMKUM’ યુટ્યુબ ચેનલ ઉપર થઇ રહ્યું છે.

મહોત્સવ અંગે વધુ જાણકારી માટે સંપર્કઃ જાદુભાઈ હિરાણી (મોબાઇલ +44 7917 080602)
• સ્થળઃ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - કુમકુમ, યુનિટ 9 અને 10, હનીપોટ બિઝનેસ સેન્ટર, પાર રોડ, સ્ટેનમોર - HA7 1NL)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter