હરખે હૈયું હિલોળે ચઢે એવા આનંદ મેળામાં હાલો જઇએ

કોમેડી સીરીયલ 'ભાગ બકુલ ભાગ'ના કલાકારોને મળો : 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'ની મુલાકાત લો : ટિકીટની £૨-૫૦ની ટિકીટની રકમ "હોપ ફોર ચિલડ્‌રન"ને મળશે : "દિલ્હી અોન ધ ગો" દ્વારા સ્વાદિષ્ટ અને મજેદાર વાનગીઅો માણો

Tuesday 13th June 2017 14:25 EDT
 

ગીત-સંગીત-નૃત્ય, ખાણી-પીણી, શોપીંગ, મનોરંજનને માણવા તેમજ આરોગ્ય, પ્રોપર્ટી, રોકાણ, વીમો અને અન્ય બેન્કિંગ સેવાઅોની વિસ્તૃત માહિતી મેળવવા માટે આનંદ મેળાની ચાતક નજરે રાહ જોતા ઇંગ્લેન્ડવાસીઅોની આતુરતાનો અંત તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ આવી રહ્યો છે. જી હા, લાજવાબ હવામાન અને સુરજદાદાની કૃપા વરસતી હશે ત્યારે આપ સૌ માટે, આપની ખાસ પસંદગીને લક્ષમાં લઇને તૈયાર કરાયેલ આનંદ મેળામાં અમે આપ સૌનું સ્વાગત કરવા આતુર છીએ. છેલ્લા છ વર્ષથી આપના માટે જ યોજાઇ રહેલો આનંદ મેળો બ્રિટનમાં થતાં બધા એશિયન મેળાઅોમાં પહેલો ક્રમ ધરાવે છે અને યુકેવાસી એશિયન પરિવારોની પ્રથમ પસંદ છે. પ્રતિ વર્ષ આનંદ મેળામાં ૫,૦૦૦ જેટલા લોકો ઉમટી પડે છે જે તેની લોકપ્રિયતાનું ઉત્તમ ઉદાહરણ છે. સૌના લોકપ્રિય એવા આનંદ મેળાનું આયોજન સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. આનંદ મેળામાં ભાગ લેવા વિવિધ સંસ્થાઅો,મંદિરો, સંગઠનોના લોકો ગૃપમાં આવે છે અને કોવેન્ટ્રી અને અન્ય નગરોથી કોચ લઇને આપણા સમુદાયના લોકો મેળો મહાલવા આવનાર છે.

આવો અને કોમેડી સીરીયલ 'ભાગ બકુલ ભાગ'ના કલાકારોને મળો

આનંદ મેળામાં દર વર્ષે અમે નાચ-ગાન-ગીત-સંગીતને રજૂ કરતા નીતનવા કલાકારોને રજૂ કરીએ છીએ. આ વર્ષે રીસ્તે ટીવી ચેનલ પર આવતી કોમેડી સીરીયલ 'ભાગ બકુલ ભાગ'માં વસાવડા પરિવારના સદસ્યોનો રોલ કરીને હસી હસીને લોટપોટ કરાવતા અને બકુલ વસાવડાનો રોલ કરતા જય સોની, મોર્ડન પત્ની શીના બકુલ વસાવડાનો રોલ કરતી હીના નવાબ અને દેશી ગામડીયણ પત્ની જીજ્ઞા બકુલ વસાવડાનો રોલ કરતી શ્રુતી રાવત આપ સૌનું મનોરંજન કરવા ઉપસ્થિત રહેનાર છે. ટીવી સીરીયલ ક્ષેત્રે નામના ધરાવતા વિખ્યાત કલાકારોને જોવા, મળવા અને માણવાની તક આપ સૌને આનંદ મેળામાં મળશે. ટીવી આર્ટીસ્ટોનું આગમન તેમને મળનાર વિઝા પર આધારિત છે.

આપના £2-50 કોઇના લાડકવાયાને મદદરૂપ થશે

આનંદ મેળાનું આગવું અને મહત્વનું આકર્ષણ એ છે કે તેમાં ચૂકવવામાં આવતી પ્રવેશ ફીની સંપૂર્ણ રકમ પસંદ કરાયેલ ચેરીટીને અપાય છે. આ વર્ષે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. જેથી તમે ખરીદેલી £૨-૫૦ની ટિકીટની રકમ "હોપ ફોર ચિલડ્‌રન"ને સુપ્રત કરવામાં આવશે. જ્યારે ૧૨ વર્ષથી નાના બાળકો માટે પ્રવેશ મફત છે. "હોપ ફોર ચિલડ્‌રન"ની વધુ માહિતી આપને www.hope-for-children.org પરથી મળી રહેશે.

'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'

પહેલું સુખ તે જાતે નર્યા. આનંદ મેળામાં આપના સારા આરોગ્યની જાળવણી અને સુખાકારી માટે આનંદ મેળામાં 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નો સમાવેશ કરાયો છે. જેમાં ભારતમાં વિવિધ ક્ષેત્રે આરોગ્ય સેવા આપતા અમદાવાદના વિખ્યાત ડો. ભલ્લા, ડો. રાજીવ ગુપ્તા,, અગ્રણી કન્સલ્ટન્ટ ડો. શેખર અને અન્ય વિખ્યાત હાર્ટ, આઇવીએફ અને જોઇન્ટ રીપ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહેશે અને તેઅો દર્દીઅોના પ્રશ્નો અને મુશ્કેલીઅોને સમજીને નિ:શુલ્ક માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તેઅો આરોગ્ય બાબતે પ્રવચન પણ આપશે. આ નિષ્ણાંત તબીબો ડેન્ટલ ટ્રીટમેન્ટ, ની અને હીપ રીપ્લેસમેન્ટ ટ્રીટમેન્ટ અને તેના વિકલ્પો, આઇ ટ્રીટમેન્ટ અને વિકલ્પો, આઇવીએફ - ઇનફર્ટીલીટી ટ્રીટમેન્ટ અને તેના વિકલ્પો, પ્રિવેન્ટીવ હેલ્થકેર સોલ્યુશન્સ, કેન્સર સ્ક્રીનીંગ સોલ્યુશન્સ અને યોગા તેમજ આયુર્વેદિક ટ્રીટમેન્ટના વિકલ્પો અંગે મફત પ્રાથમિક કન્સલ્ટેશન આપશે.

તાજેતરના બીબીસીના અહેવાલો મુજબ છેલ્લા ચાર વર્ષોમાં છ મહિના કે વધુ સમયથી સર્જરીની રાહ જોતા દર્દીઅોની સંખ્યા વધીને ત્રણ ગણી થઇ ગઇ છે. માર્ચ ૨૦૧૩માં અોપરેશનની રાહ જોતા દર્દીની સંખ્યા ૪૫,૦૦૦ હતી જે ગત માર્ચ માસમાં ૧૩૦,૦૦૦ થઇ છે. NHS પ્રવક્તાના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં અોપરેશન માટે એક વર્ષથી રાહ જોતા દર્દીઅોની સંખ્યા ૧૩,૦૦૦ જેટલી છે. NHSના વડાએ પણ ની અને હીપ રીપ્લેસમેન્ટ જેવી સર્જરી ૧૮ સપ્તાહ કરતા અોછા સમયમાં થશે તેવી ગેરંટી આપવાની ના કહી હતી.

સ્વાદિષ્ટ વાનગીઅોની અનેરી મઝા

આપણા મેળાઅોમાં હરહંમેશ ખાણી પીણીને મહત્વ આપવામાં આવે છે. તેથી જ તો આનંદ મેળામાં લંડનની વિખ્યાત કેટરીંગ કંપની "દિલ્હી અોન ધ ગો" દ્વારા સ્વાદિષ્ટ અને મજેદાર ચણા મસાલા, શાહી પનીર, તરકા દાલ, રાઇસ, રોટી, પાવ ભાજી, વડા પાવ, ફરસાણમાં સમોસા, મેથી ગોટા, મસાલા મોગો, પાપડીનો લોટ, ભેલપુરી, આલુ ટીક્કી ચાટ, પાપડીના લોટ અને ગુલાબ જાંબુ, ફાલુદો અને આઇસ ક્રિમની મજા માણવા મળશે. કિફાયતી ભાવે આપના પેટની ભુખ તો સંતોષાઇ જશે સાથે સાથે તમે 'દિલ્હી અોન ધ ગો'ને ફરી અોર્ડર આપશો એમાં અમને જરાય શક નથી.

નૃત્ય સાથે સૂર-સંગીત મેળાનો ઉલ્લાસ

દર વર્ષની જેમ આ વખતે પણ બ્રિટનના જાણીતા ગાયક કલાકાર નવિન કુંદ્રા, કિશન અમીન, મોહમ્મદ ફહાદ, રાજા કાશેફ, રૂબાયત જહાં, લોકગીત કલાકાર વિનોદ પટેલ, રોમાનીયન મૂળના ચક્ષુવિહિન બહેન એન્ડ્રીયાના ગલાણી પોતાના સમુધરૂ અવાજમાં બોલીવુડના લોકપ્રિય સુમધુર ગીતો રજૂ કરશે. બીજી તરફ મીરા પર્ફોર્મીંગ આર્ટ્સના મીરા સલાટ, હની કલારીયા ડાન્સ ગૃપના હની કલારીયા, ઇસ્ટ વેસ્ટ ફ્યુઝન ડાન્સ ગૃપ, કુંતલ ગૃપ બોલીવુડ ડાન્સ તેમજ એકે ડાન્સ એકેડેમીના કલાકારો નૃત્ય રજૂ કરશે.

આ ઉપરાંત સ્થાનિક પ્રતિભાઅોને ખીલવવાના આશય સાથે યુવાન અને બાળ કલાકારોને પણ તક આપવામાં આવી છે. જેમાં ૮ વર્ષના યુવાન ગાયક કલાકાર રેનીયા બેનર્જી, ૧૧ અને ૧૨ વર્ષના કલાકારો શ્રેયા અને વેદાંત તેમજ ૧૩ વર્ષના યક્ષ રાવલ, તનીશા બિશ્વાસ, બિલેતે બેંગોલી ગૃપ અને લંડન શરદ ગૃપ દ્વારા સુમધુર ગીતો અને નૃત્યો રજૂ કરાશે. અંશમિતા સહા કથક નૃત્ય, સંગીતા નાયક અને પ્રિયદર્શીની પાંડા અોડીસી નૃત્ય, ઇન્ડિયન લેડીઝ ઇન યુકે, પાયલ બાસુ, આહના અને શિવાંગી દ્વારા નૃત્ય રજૂ થશે. તો યુકેના સૌથી યુવાન યોગ ચેમ્પીયન ઇશ્વર શર્મા યોગના આસનો રજૂ કરશે. વર્ષોથી સૌનું મનોરંજન કરતા વિખ્યાત કોમેડી કલાકાર અને અગ્રણી શ્રી ભાનુભાઇ પંડ્યા અવનવા જોક કહીને હાસ્યનું મોજુ લહેરાવશે.

હેરો લેઝર સેન્ટર ખાતે પ્રતમ ત્રણ કલાક માટે પાર્કિંગ મફત છે અને આખઝા દિવસના પાર્કિંગના ચાર્જીસ માત્ર £5 છે. વધુ માહિતી માટે સંપર્ક: 020 7749 4080.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter