સ્થાનિક લોકોના ભારે વિરોધ છતાં વિશાળકાય મેકમેન્શન્સનું નિર્માણ

Thursday 16th January 2020 02:00 EST
 
 

લંડનઃ આપબળે બિલિયોનેર બનેલા ભાઈઓ મોહસીન અને ઝુબેર ઈસાએ લેન્કેશાયરના બ્લેકબર્નના સ્થાનિક લોકોના ભારે વિરોધ અને વિવાદ છતાં પાંચ એકસરખા ‘સુપર-સાઈઝ’ મકાન બાંધવાની શરૂઆત કરી દીધી છે. મોહસીન અને ઝુબેર યુરોપની સૌથી મોટી સ્વતંત્ર ફ્યૂલ રીટેઈલર ફર્મ યુરો ગેરેજીસના માલિક છે.

લોકોનો તીવ્ર વિરોધ છતાં બ્લેકબર્નની સાઈટ પર આઠ જૂના મકાનો તોડી પાડીને ૫૦૦૦ સ્ક્વેર ફૂટના પાંચ એકસરખા મકાનના બાંધકામ માટે પાયા ચણી દેવાયાં છે. આ વિશાળ મકાનો માટે એપ્રિલ ૨૦૧૮માં રજૂ કરાયેલા પ્લાન્સને ગત વર્ષે સપ્ટેમ્બરમાં મંજૂરી અપાઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે આવાં વિશાળ અને રાક્ષસી મકાનોથી વિસ્તારની લાક્ષણિકતા નષ્ટ થઈ જશે. સામાન્ય મકાનો કરતાં ૧૫૦૦ સ્ક્વેર મીટરની ફ્લોર સ્પેસ સાથેના મકાન ૪.૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. બ્લેકબર્નની બહારના શાંત વિસ્તારમાં મકાનોની કિંમત એક મિલિયન પાઉન્ડ જેટલી રહે છે.

આ ભાઈઓની સંયુક્ત સંપત્તિનું મૂલ્ય આશરે એક બિલિયન પાઉન્ડથી વધુ છે અને તેમની કંપનીનું વાર્ષિક વેચાણ પાંચ બિલિયન પાઉન્ડનું છે. બ્લેકબર્નમાં જન્મેલા ઈસા ભાઈઓ યુકેના સૌથી ધનવાન પરિવારોમાં એક છે તેમજ સમગ્ર વિશ્વમાં પેટ્રોલ સ્ટેશનો અને કન્વીનીઅન્સ સ્ટોર્સની માલિકી ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter