લંડનઃ ગેમ્બલિંગ અને બેટિંગ કંપનીઓને મોટા ગજાના ફૂટબોલર્સ અને અન્ય સ્પોર્ટ્સ સેલેબ્રિટીઓ તેમજ રિયાલિટી શો અને સોશિયલ મીડિયા સ્ટાર્સને જાહેરાતોમાં લેવા પર ઓક્ટોબરમાં પ્રતિબંધ લાદવામાં આવનાર છે. 18 વર્ષથી ઓછી વયના લોકો અને અન્ય નિર્બળ-અસલામત જૂથોના રક્ષણ માટે જવાબદાર યુકેની એડવર્ટાઈઝિંગ વોચડોગ કમિટી ઓફ એડવર્ટાઈઝિંગ પ્રેક્ટિસ દ્વારા નિયમોમાં ફેરફાર જાહેર કરાયા છે. આ નવા નિયમો ટીવી, રેડિયો, અને સિનેમા એડ્સ સહિત બ્રોડકાસ્ટ મીડિયા તેમજ ઓનલાઈન, ન્યૂઝપેપર્સ, બિલબોર્ડ્સ અને પોસ્ટર્સ સહિત નોન-બ્રોડકાસ્ટ ક્ષેત્રને પણ લાગુ પડશે.
યુકેમાં એડવર્ટાઈઝિંગ આચારસંહિતામાં ફેરફારનો અર્થ એ છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જોસ મૌરિન્હો, માઈકલ ઓવેન અને હેરી રેડનેપ જેવા સ્ટાર્સ અને સેલેબ્રિટીઝને ચમકાવતી બેટિંગ અને ગેમ્બલિંગ માર્કેટિંગ જાહેરાતો ભૂતકાળ બની જશે. નવા વ્યાપક નિયમો હેઠળની જાહેરાતોમાં ફૂટબોલ કિટ્સ અને સ્ટેડિયમમાં ચોક્સ ટીમોને દર્શાવવી તેમજ 18 વર્ષથી ઓછી વયના યુવાવર્ગમાં લોકપ્રિય વીડિયો ગેમ કન્ટેન્ટ અને ગેમપ્લેનો ઉપયોગ પર પણ પ્રતિબંધ લાગી જશે.
વર્તમાન નિયમો હેઠળ પુખ્ત વયના કરતાં 18 વર્ષથી ઓછી વયના લોકોને વધુ અપીલ કરતી હોય તેવી જાહેરાત પર જ પ્રતિબંધ લાગે છે. નવા નિયમો હેઠળ બાળકો અથવા યુવાવર્ગને મજબૂત અપીલની શક્યતા ધરાવતી તેમજ ખાસ કરીને યુથ કલ્ચર સાથે સંકળાયેલા હોવાનું દર્શાવતી જાહેરાતો પર પ્રતિબંધ લાગી જશે અને તે કેટલા પ્રમાણમાં વયસ્કોને અપીલ કરશે તેને ધ્યાનમાં લેવાશે નહિ. જોકે, યુકેમાં વિજ્ઞાપન આચારસંહિતાનો અમલ કરાવતી એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ટીમ સ્પોન્સર્સના વિવાદાસ્પદ ક્ષેત્રને નિયંત્રિત કરવાની સત્તા ધરાવતી નથી.
નવેમ્બર મહિનામાં કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે તેના એક મહિના પહેલા ઓક્ટોબરમાં નવા નિયમો અમલમાં આવશે. આ સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ગેમ્બલિંગ અને બેટિંગ કંપનીઓ જુગારીઓને આકર્ષવા માર્કેટિંગ પર ભારે ખર્ચ કરતી હોય છે.