ગુજરાત સમાચારની પ્રિન્ટ એડિશનને હાથોહાથ વાંચવા સતત આતુર રહેતાં શ્રીમતી લક્ષ્મીબહેન રમણલાલ પટેલનું ડિસેમ્બર 2023માં 93 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ તેમના પતિ શ્રી રમણલાલ પટેલનું 2018માં અવસાન થયા પછી નોર્થ હેરોમાં દીકરીની સાથે રહેતાં હતાં. તેમનાં લગ્ન 1951માં થયાં પછી જેમ ઘણા ભારતીયો ઈસ્ટ આફ્રિકા અને વિશ્વના અન્ય દેશોમાં વસવા સ્થળાંતર કરી ગયા હતા તેમ તેઓ પણ બહેતર જીવનની આશા સાથે પતિ સાથે 1952માં ઈસ્ટ આફ્રિકાના કેન્યા પહોંચ્યાં હતાં.
લક્ષ્મીબહેન મારા બાળપણમાં પહેલા ધોરણથી જ ગોઠિયા અને છેલ્લાં 50 વર્ષથી ન્યૂ જર્સીમાં રહેતા શ્રી ઘનશ્યામભાઈ પટેલ (મૂળ વતન કરમસદ, ગુજરાત, ભારત)ના મોટાં બહેન હતાં. ઈસ્ટ આફ્રિકાથી યુકે જનારા અન્ય ભારતીયોની માફક લક્ષ્મીબહેન અને રમણલાલ પણ 1974માં કેન્યા છોડી ઈંગ્લેન્ડ વસવાં આવ્યાં હતાં. તેમણે ભારે મહેનત કરી, જે પણ નોકરી હાથ લાગી તે કરી અને તેમની ચાર દીકરીઓ- લીના, ડિલા, ઈલાક્ષી અને પ્રીતિને સારું શિક્ષણ, સંસ્કૃતિ, મૂલ્યો તેમજ પૂર્વ અને પશ્ચિમ, બંને જીવનશૈલીનો વારસો આપ્યો હતો. પતિના અવસાન પછી લક્ષ્મીબહેનની સાથે રહી તેમની સારસંભાળ ચારેય દીકરીઓએ રાખી હતી. લક્ષ્મીબહેન ઘણાં માયાળુ હતાં અને પોતાના કરતાં પણ અન્યો વિશે પહેલાં વિચારતા અને જરૂરિયાતમંદોને મદદ કરવા બધું જ કરી છૂટતાં હતાં. મહાત્મા ગાંધીએ એક વખત કહ્યું હતું કે, ‘મારું જીવન એ જ મારો ઉપદેશ છે’ અને ઘણાં લોકોના આદર્શ રહેલાં લક્ષ્મીબહેનને આ સાચી રીતે લાગુ પડે છે.
મારા મિત્ર ઘનશ્યામભાઈના મોટાં બહેન હોવાના નાતે હું તેમને જાણતો હતો અને જ્યારે પણ ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતા મારા પત્રો તેઓ વાંચતાં ત્યારે ઘણાં ખુશ થતાં અને તેમના પરિવારજનો, પરિચિતો, મિત્રોને ગર્વ સાથે કહેતાં કે સુરેશભાઈ તેમના ભાઈ ઘનશ્યામભાઈના ઘણા સારા મિત્ર છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તો સુવર્ણસેતુ સમાન છે જે વિશ્વમાં હજારો વાંચકોને જોડે-સાંકળે છે. ઘણી વખત મને ઈંગ્લેન્ડ, ભારત, યુએસએ, કેનેડા, ઈસ્ટ આફ્રિકામાં વાચકો મારો પત્ર પ્રિન્ટ અથવા ઓનલાઈન એડિશનમાં વાંચતા ત્યારે તેમના તરફથી મને કોલ્સ અથવા વોટ્સએપ મેસેજીસ મળે છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ બિઝનેસ સાહસ હોવાં ઉપરાંત, ખૂબ કોમન્યુનિટી સેવા કરે છે. લોકો એકલા હોય તેમજ શિયાળાની ઠંડી, વરસાદ અને ઘેરું વાદળછાયું હવામાન હોય ત્યારે કશે જઈ શકાય તેમ ન હોય તેવા સમયે
તેમને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ મળે ત્યારે તે એકલતા, તણાવ અને હતાશાને હળવી બનાવે છે. મિચામના ટૂટિંગમાં રહેતાં શ્રીમતી મીનાબહેન ગીરિશભાઈ પટેલે તેમના પતિના અવસાન પછી એકમાત્ર દીકરી હીના સાથે કેનેડામાં સ્થળાંતર કર્યું હતું. અમે જ્યારે પણ તેમને મળવા જઈએ ત્યારે તેઓ ઈંગ્લેન્ડમાં ઘણાં સારાં સામાજિક જીવન વિશે અને જ્યારે તેઓ એકલાં હોય ત્યારે ગુજરાત સમાચારની કંપની મળી રહેતી તેને યાદ કરતા રહે છે.
ઈશ્વર સહુને સ્વસ્થ, સલામત અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના.
મારખમ, કેનેડા

