સ્માર્ટફોનનો યુગઃ ‘Nomophobia’ ૨૦૧૮ના વર્ષ માટેનો શબ્દ

Tuesday 01st January 2019 06:47 EST
 
 

લંડનઃ આ સ્માર્ટફોન કે મોબાઈલ ફોનનો યુગ છે અને દરેકના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. કેમ્બ્રિજ ડિક્શનરીએ ‘Nomophobia’ (નો મોબાઈલ ફોન ફોબીઆ) શબ્દને ૨૦૧૮ના વર્ષ માટેનો શબ્દ જાહેર કર્યો છે, જેનો અર્થ મોબાઈલ ફોન પાસે ન હોવાની અથવા તેનો ઉપયોગ ન કરી શકવાથી સર્જાતા ભય કે ચિંતા થાય છે. ડિક્શનરીના સંપાદકોએ નોમોફોબીઆની સાથે જેન્ડર ગેપ, ઈકોસાઈડ અને નો-પ્લેટફોર્મિંગ શબ્દો પસંદ કર્યા હતા, જેના માટે લોકોનું મતદાન લેવાયું હતું. નોંધપાત્ર બાબત એ છે કે સૌપ્રથમ વખત યુકેની પોસ્ટ ઓફિસ દ્વારા ૨૦૦૮માં નોમોફોબીઆ શબ્દનો લેખિત ઉલ્લેખ કરાયો હતો.

કેમ્બ્રિજ ડિક્શનરીએ ‘Nomophobia’ શબ્દને ૨૦૧૮ના વર્ષ માટેનો શબ્દ જાહેર કર્યો છે. સંપાદકોએ નોમોફોબીઆ ઉપરાંત, જેન્ડર ગેપ, ઈકોસાઈડ અને નો-પ્લેટફોર્મિંગ શબ્દો પણ પસંદ કર્યા હતા. જોકે, મતદાનમાં લોકોએ નોમોફોબીઆને વર્ષના શબ્દ તરીકે પ્રાથમિકતા આપી હતી. કેમ્બ્રિજના સંપાદકોએ જણાવ્યું હતું કે નોમોફોબીઆ કોઈ વૈજ્ઞાનિક શબ્દ નથી અને ક્લિનિકલ ફોબીઆના અત્યંત ભયના લક્ષણના બદલે ચિંતાતુરતા દર્શાવે છે. સમગ્ર વિશ્વમાં મોટા ભાગના લોકો મોબાઈલ ફોનના સંદર્ભે આ પ્રકારની ચિંતા ધરાવે છે.

નોમોફોબીઆ અથવા તો ‘નો મોબાઈલ ફોન ફોબીઆ’નો દેખીતો અર્થ તમે મોબાઈલ ફોન વિનાના હો અથવા તેનો ઉપયોગ કરવા અક્ષમ હોય ત્યારે સર્જાતી ચિંતા એમ કરવામાં આવ્યો છે. યુકે પોસ્ટ ઓફિસ દ્વારા ૨૦૦૮ના રિપોર્ટમાં સૌપ્રથમ વખત આ શબ્દ લખાયો હતો અને આજે વિશ્વભરમાં તે પ્રચલિત અને લોકપ્રિય છે. કેમ્બ્રિજની ઓનલાઈન ડિક્શનરીમાં તેનો ઉમેરો કરી દેવાયો છે. સ્પર્ધામાં રહેલા ‘gender gap’ શબ્દનો અર્થ સમાજમાં પુરુષ અને સ્ત્રી સાથે વ્યવહાર, તેમનાં કાર્યો અથવા સિદ્ધિઓમાં તફાવત તરીકે કરાયો છે. ‘ecocide’ શબ્દનો અર્થ વિસ્તારમાં કુદરતી પર્યાવરણના નાશ અથવા નુકસાન સાથે સંબંધિત છે જ્યારે ‘no-platforming’ શબ્દનો અર્થ લોકોને તેમના વિચારો કે માન્યતા ખતરનાક અથવા અસ્વીકાર્ય ગણી તેમને જાહેર કરવાની તક આપવાના ઈનકારનો કરાયો છે.

અન્ય મુખ્ય ડિક્શનરીઓ દ્વારા પણ તેમના વાર્ષિક શબ્દ જાહેર કરવામાં આવ્યા છે. કોલિન્સ ડિક્શનરીનો ૨૦૧૮ માટેનો શબ્દ પ્લાસ્ટિક બોટલ્સ, કપ્સ, સ્ટ્રો અને બેગ્સ માટે વપરાતો ‘single-use’ શબ્દ છે. ઓક્સફર્ડ ડિક્શનરીએ મંતવ્યો, સંબંધો, સંસ્કૃતિઓ અને રાજકારણીઓ માટે પણ ઉપયોગમાં લેવાતા ‘toxic’ વિશેષણને આ વર્ષનો શબ્દ જાહેર કર્યો છે. ડિક્શનરી ડોટ કોમ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી ‘મિસઈન્ફોર્મેશન’ને વર્ષનો શબ્દ ગણાવ્યો છે, જ્યારે મેરિઅમ-વેબસ્ટર ડિક્શનરીએ ‘justice’ શબ્દની પસંદગી કરી છે. ધ ઓસ્ટ્રેલિયન નેશનલ ડિક્શનરી સેન્ટર દ્વારા ‘Canberra bubble’ને વર્ષના શબ્દ તરીકે મૂકાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter