સ્વપ્નસૃષ્ટિના દેશ અમેરિકાના સ્વાતંત્ર્યના 250 વર્ષની ઉજવણી

Wednesday 01st July 2026 07:22 EDT
 
 

ઓ અમેરિકા, ઓહ અમેરિકા! ભારત હોય કે નેપાળ, યુકે હોય કે યુરોપના દેશનો કોઈ નાગરિક, અમેરિકાનું સ્વપ્ન તેની આંખોમાં સતત અંજાયેલું રહે છે. ક્યારે અમેરિકા જઈએ અને ડોલર કમાઈએ, ધનવાન બની જઈએ, તેના સ્વપ્ના જ લોકોના દિલોદિમાગમાં ઘુમરાતાં રહે છે. પોતાના દેશથી બહાર જવામાં પ્રથમ પસંદગી અમેરિકાને જ અપાય છે. અમેરિકા એટલે સ્વર્ગ માનનારા લોકોની સંખ્યા કલ્પનાતીત કહી શકાય. આવું અમેરિકા તેના સ્વાતંત્ર્યના 250 વર્ષની શાનદાર ઉજવણી કરી રહ્યું છે. સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં તેની ઉજવણી ગયા વર્ષની 4 જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને હજુ પણ ચાલતી રહેશે તેમાં શંકાને સ્થાન નથી.

અનાયાસે જ અમેરિકા શોધાયુંઃ ઈટાલિયન સંશોધક અને નાવિક ક્રિસ્ટોફર કોલમ્બસ 1492માં ભારત જવાના નવા દરિયાઈ માર્ગની શોધમાં નીકળ્યો અને એટલાન્ટિક મહાસાગર પાર કરી 12 ઓક્ટોબર 1492ના દિવસે અમેરિકા ખંડના કેરેબિયન બહામાસ ટાપુઓ સુધી પહોંચી ગયો. કોલમ્બસ જીવનભર એ જ ભ્રમમાં રહ્યો કે તેણે ભારતનો કોઈ ટાપુ શોધ્યો છે. તેણે આ ટાપુને ‘ઈન્ડિઝ’ નામ આપ્યું હતું. આ પછી ઈટાલિયન સંશોધક અમેરિગો વેસ્પુચીએ આ પ્રદેશ ભારતનો ન હોવાનું પ્રતિપાદિત કર્યું અને તેના નામ પરથી આ ખંડનું નામ અમેરિકા રખાયું હતું.

ડેક્લેરેશન ઓફ ઈન્ડિપેન્ડન્સના 250 વર્ષઃ ભારત સહિતના દેશોએ જેમ ગ્રેટ બ્રિટનની વસાહતો તરીકે અનુભવ મેળવેલો છે તેમ અમેરિકા પર પણ બ્રિટનનું શાસન હતું. અમેરિકાની 13 કોલોની-વસાહતોના પ્રતિનિધિઓએ 4 જુલાઈ, 1776ના દિવસે બ્રિટનથી સ્વતંત્ર થવાની જાહેરાત કરી તેને ડેક્લેરેશન ઓફ ઈન્ડિપેન્ડન્સ કહેવાય છે. આ જાહેરનામા પર સૌપહેલા જ્હોન હેનકોકે હસ્તાક્ષર કર્યા અને તે પછીના દિવસો અને સપ્તાહોમાં થોમસ જેફરસન અને બેન્જામિન ફ્રેન્કલિન સહિત39 પ્રતિનિધિઓએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. થોમસ જેફરસને આ સ્વાતંત્ર્ય ઘોષણામાં કહેલા વાક્યો -‘અમે આ સત્યોને સ્વયંસ્પષ્ટ માનીએ છીએ કે, તમામ માનવીઓને સમાન રીતે સર્જવામાં આવ્યા છે, તેઓને તેમના સર્જક દ્વારા ચોક્કસ અવિભાજ્ય અધિકારો આપવામાં આવ્યા છે, જેમાં જીવન, સ્વતંત્રતા અને સુખની પ્રાપ્તિનો સમાવેશ થાય છે.’ આજે પણ આ વાક્યો અમેરિકનોના આદર્શો, વિચારો અને અધિકારોને સ્પષ્ટ કરે છે. આ અમેરિકાના સુવર્ણ ઈતિહાસનો આરંભ હતો. સ્વતંત્રતા, વિસ્તાર, આંતરિક સંઘર્ષ, યુદ્ધો, તકનીકી પ્રગતિ અને સામાજિક પરિવર્તનોથી ભરેલા આ 250 વર્ષમાં અમેરિકા નાનકડા વસાહતી દેશમાંથી વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા અને સુપરપાવર બન્યું છે.

અમેરિકન ક્રાંતિનો ઈતિહાસઃ ગ્રેટ બ્રિટનની વધુ નિયંત્રણો મેળવવાની નીતિના વિરોધમાં નોર્થ અમેરિકાની 13 કોલોનીઝ દ્વારા 1775માં બળવો પોકારાયો હતો. બ્રિટને લડેલા પોતાના યુદ્ધોનો ખર્ચ સરભર કરવા અમેરિકા પર અસહ્ય કરવેરા અને કાયદાઓ લાદતા પરિસ્થિતિ વકરી હતી. શરૂઆતમાં તો તે ગૃહયુદ્ધ જ હતું, પરંતુ ફ્રાન્સ અને સ્પેન દ્વારા અમેરિકાને મદદ કરાયાના પગલે તે આંતરરાષ્ટ્રીય યુદ્ધમાં ફેરવાયું હતું. નેધરલેન્ડ્સ દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સને સૌપ્રથમ માન્યતા આપવામાં આવી હતી. વર્ષ 1783ની પેરિસ સંધિ સાથે અમેરિકન ક્રાંતિયુદ્ધ સમાપ્ત થયું અને ગ્રેટ બ્રિટને પણ યુનાઇટેડ સ્ટેટ્સનો સાર્વભૌમ અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સત્તાવાર સ્વીકાર કર્યો. ઉત્તરના રાજ્યો અને દક્ષિણના રાજ્યો વચ્ચે ગુલામીપ્રથા મુદ્દે ભારે વિવાદ હતો. અબ્રાહમ લિંકનના નેતૃત્વમાં ઉત્તર (યુનિયન) અને દક્ષિણ (કોન્ફેડરસી) વચ્ચે યુદ્ધ (1861થી 1890) છેડાયું જેમાં યુનિયનનો વિજય થયો હતો.

અમેરિકન સંવિધાનનો ઇતિહાસઃ અમેરિકાના લોકતંત્રનાં પાયાસમાન બંધારણ વિશ્વનું સૌથી જુનું લેખિત બંધારણ છે. 1776માં આઝાદી મેળવ્યાં પછી અમેરિકાનો વહીવટ આર્ટિકલ્સ ઓફ કોન્ફેડરેશન હેઠળ ચાલતો હતો પરંતુ, રાજ્યો વચ્ચેના વિવાદો, કરવસૂલાતો અને વેપારમા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર નબળી પડતી હતી. આથી, ફીલાડેલ્ફીઆમાં મે 1787થી સપ્ટેમ્બર 1787 સુધી બંધારણ સભા યોજાઈ હતી, જેના અધ્યક્ષ જ્યોર્જ વોશિંગ્ટન હતા. 17 સપ્ટેમ્બર 1787ના દિવસે 39 પ્રતિનિધિઓએ તેના પર હસ્તાક્ષર કર્યા અને 1788માં નવ રાજ્યોની મંજૂરી સાથે 1789માં બંધારણ અમલી બન્યું હતું. જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા હતા. અમેરિકી બંધારણમાં અત્યાર સુધી 27 સુધારા કરવામાં આવ્યા છે. 13મા સુધારાથી ગુલામી નાબૂદ કરવામાં આવી હતી, 14મા સુધારાથી નાગરિકતા અને સમાન અધિકારો, 19મા સુધારાથી મહિલાઓને મતાધિકાર અને 26માં સુધારાથી 18 વર્ષે મતાધિકારની જોગવાઈ કરવામાં આવી હતી. બંધારણ હેઠળ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરીને સત્તા મળેલી છે જેમાં પરસ્પર નિયંત્રણો એટલે કે ચેક્સ એન્ડ બેલેન્સીસની વ્યવસ્થા છે.

અમેરિકાની સપ્તરંગી સંસ્કૃતિઃ અમેરિકાની પોતાની આગવી સંસ્કૃતિ નથી. તે અનેક સંસ્કૃતિઓનો મેળો છે. કોલમ્બસ અમેરિકા પહોંચ્યો તે પહેલાથી ત્યાં આદિવાસી મૂળ વતનીઓનો વસવાટ હતો, જેમને ‘રેડ ઈન્ડિયન્સ’ તરીકે ઓળખાવાયા હતા. અમેરિકા ખંડમાં જુદી જુદી 500થી વધુ ટ્રાઈબ્સ હતી, જેમની ભાષા અને સંસ્કૃતિઓ પણ અલગ હતી. મૂળ અમેરિકનોનો ઇતિહાસ વીરતા, સંઘર્ષ અને સ્થિરતાનો છે. આજે અમેરિકામાં ભારતીયો, ચાઈનીઝ, આફ્રિકન્સ, હિસ્પેનિક સહિતના લોકો પોતપોતાની સંસ્કૃતિઓ સાથે વસવાટ કરે છે અને અમેરિકાને મહાન બનાવવામાં યત્કિંચિત યોગદાન આપે છે.

અમેરિકાનું દેવું પણ જંગીઃ એ વાત સાચી છે કે અમેરિકા વિશ્વની મહાસત્તા, આર્થિક સુપરપાવર છે, પરંતુ સૌથી દેવાદાર દેશ પણ અમેરિકા જ છે. વિશ્વની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા હોવાં છતાં, તેનું જંગી રાષ્ટ્રીય દેવું 39 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે. વિશ્વભરમાં યુદ્ધો કરાવવા, જંગી લશ્કરી સહાયો આપવાના કારણે વધુપડતાં ખર્ચને પહોંચી વળવા અમેરિકી સરકાર ટ્રેઝરી સિક્યુરિટીઝ જારી કરે છે અને જાપાન, ચીન, યુકે, કેનેડા સહિત વિશ્વના અગ્રણી દેશો સૌથી સુરક્ષિત રોકાણ તરીકે મોટા પાયે સિક્યુરિટીઝ ખરીદી યુએસ સરકારને ઉછીના નાણા પૂરા પાડે છે અને તેના પર વ્યાજ પણ મેળવે છે. જોકે, અમેરિકી માલિકીનાં ફેડરલ રિઝર્વ, પેન્શન અને સામાજિક સુરક્ષા ટ્રસ્ટ ફંડ્ઝ, કોર્પોરેટ્સ, બેન્ક્સ અને વીમા કંપનીઓ પાસે પણ ટ્રેઝરી સિક્યુરિટીઝ ખરીદાયેલી રહે છે. એ પણ ઉલ્લેખનીય છે કે અમેરિકાના વર્તમાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના દેવાંનો ડુંગર ઘટાડવા વિશ્વના દેશોના વેપાર પર જંગી ટેરિફ્સ લાદવાની કવાયત કરેલી છે.

આર્થિક અને લશ્કરી આધિપત્યઃ અમેરિકા ભલે મોટું દેવાદાર હોય, પરંતુ વિશ્વના દેશોના કારોબાર પર તેની જોહુકમી યથાવત રહી છે તેનું કારણ જંગી અર્થવ્યવસ્થા અને આર્થિક આધિપત્ય છે. દુનિયાના દેશોએ વૈશ્વિક ચલણ તરીકે ડોલરને માન્ય રાખવો પડ્યો છે અને દેશોની કરન્સીનું મૂલ્યાંકન પણ ડોલરના આધારે જ કરાય છે. અમેરિકી ડોલર (USD) એ વિશ્વનું અગ્રણી અનામત ચલણ (Reserve Currency) છે. આંતરરાષ્ટ્રીય વેપાર મોટાભાગે ડોલરમાં થાય છે, જે અમેરિકાને વૈશ્વિક વેપાર પર સીધું નિયંત્રણ આપે છે. અમેરિકા અદ્યતન સૈન્યશક્તિ, વિશ્વની સૌથી મોટી GDP ધરાવતી અર્થવ્યવસ્થા, ટેકનોલોજીકલ પ્રગતિ, વૈશ્વિક નાણાકીય પ્રભાવ (ડોલરનું વર્ચસ્વ), અને નાટો (NATO) જેવા મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણોના કારણે વૈશ્વિક મહાસત્તા તરીકે ઓળખાય છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાનો ભારે પ્રભાવ રહ્યો હતો. જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યા પછી અમેરિકા યુદ્ધમાં સક્રિય બન્યું અને હિરોશીમા-નાગાસાકી પર અણુબોમ્બ ઝીંક્યા હતા જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. સિલિકોન વેલી જેવા ટેકનોલોજી હબ અને નાસા (NASA) જેવી સંસ્થાઓ દ્વારા અમેરિકા સ્પેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ઉદ્યોગોમાં મોખરે છે. વિપુલ કુદરતી સંપત્તિ અને વિશ્વભરમાંથી આવતા પ્રતિભાશાળી લોકો (ઇમિગ્રેશન) તેની સતત પ્રગતિના મુખ્ય સ્તંભો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter