સ્વપ્ના, ઋણ અને છળકપટઃ વર્ક પરમિટ કૌભાંડથી નિર્બળ વિદ્યાર્થીઓનું શોષણ

ત્રિશલા ઝાલા Wednesday 17th June 2026 07:37 EDT
 
 

ઘણા સાઉથ એશિયન પરિવારો માટે યુકેમાં અભ્યાસ અથવા કામ કરવાનું સ્વપ્ન અમૂલ્ય હોય છે. વિદેશમાં શિક્ષણ મેળવવાથી સંતાનોનું ભવિષ્ય ઉજળું બનશે તેવી આશા સાથે પેરન્ટ્સ વર્ષો સુધી બચતો કરે છે, લોન્સ લે છે અને સંપત્તિ પણ વેચે છે. પરંતુ, સ્વપ્ન વાસ્તવિકતા સાથે ટકરાય ત્યારે શું થાય છે? સફળતાની કથાઓ પાછળ આસમાને જતા નિર્વાહખર્ચ સામે ઝઝૂમતા વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ્સ, બદલાતા ઈમિગ્રેશન નિયમો, એકલતા, ગેરમાહિતી અને કેટલાક કિસ્સામાં મજબૂરીને લક્ષ્ય બનાવતા કૌભાંડો રહેલા હોય છે.

આ કોઈ વ્યક્તિગત કિસ્સાઓની તપાસ નથી, પરંતુ બ્રિટિશ એશિયન સમાજના વર્ગોની અંદર ખોટાં વચનો, અવાસ્તવિક અપેક્ષાઓ અને નાણાકીય દબાણો વિશે જોવાં મળતી ચિંતા સંદર્ભે જાગરૂકતા ઉભી કરવાનો પ્રયાસ છે. ઘણા વિદ્યાર્થીઓ એ માન્યતા સાથે યુકેમાં આવે છે કે તેમને સરળતાથી કામ, નાણાકીય સપોર્ટ મળી જશે અને લાંબા સમય સુધીના ભવિષ્યનું નિર્માણ કરી શકશે. જોકે, વાસ્તવિકતા અલગ જ હોઈ શકે છે.

સમસ્યા અહીંથી શરૂ થાય છેઃ

આંતરરાષ્ટ્રીય ટ્યુશન ફી ઊંચી હોય છે, ભાડું, ટ્રાન્સપોર્ટ અને રોજિંદા ખર્ચા સતત વધતા જ રહે છે. આની સાથે, ઈમિગ્રેશન નિયમો વધુ કડક બનતા જાય છે અને વિદ્યાર્થીઓએ અભ્યાસ અને પાર્ટ-ટાઈમ કામકાજ સાથે સંતુલન સાધવા સાથે કાળજીપૂર્વક વિઝા શરતોનું પાલન કરવું પડે છે. અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે તાળો બેસતો નથી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ શોર્ટકટ્સ શોધવાની શરૂઆત કરે છે અને સમસ્યા અહીંથી જ શરૂ થાય છે.

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીતમાં ગીતાબહેન ચૌધરીએ જણાવ્યું હતું કે ઘણી વાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનો નોકરીઓનાં વચનો, સ્પોન્સરશિપ અથવા વર્ક પરમિટની ઓફર સાથે સંપર્ક સધાય છે. ‘ખરો લાભ તો વચેટિયાઓને જ મળે છે, જેઓ અસ્તિત્વ ન ધરાવતી તકો સાથે નબળા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી નાણા મેળવે છે. વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ્સને આશાની લાલચો અપાય છે, પરંતુ તેઓ જ આખરે જોખમ ઉઠાવતા હોય છે.’

આ દબાણો વિશે કોઈ વાત કરતું નથીઃ

મુદ્દો હંમેશાં માત્ર નાણાનો હોતો નથી. ઘણા વિદ્યાર્થીઓના શિરે પરિવારની અપેક્ષાઓનો બોજો હોય છે. ગીતાબહેન કહે છે કે દરિયાપાર માઈગ્રેશન કદી સામાજિક દબાણોના કારણે થવું ન જોઈએ. ખર્ચા, પડકારો અને વાસ્તવિકતાઓ સમજ્યા વિના જ વિદેશ જવાથી વિદ્યાર્થીઓ અને પરિવારો માટે કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઈમિગ્રેશન નિયમો અને વિદેશમાં જીવન વિશે ચોક્સાઈપૂર્વકની માહિતી મેળવવાની પૂરતી સુવિધા હોતી નથી. મોટા ભાગના માટે તો વિદેશ પહોંચ્યા પછી જ વાસ્તવિકતા સમજાય છે.

કેટલાક કોમ્યુનિટી મેમ્બર્સના જણાવ્યા મુજબ કડક ઈમિગ્રેશન નિયમોએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ્સ માટે અચોક્કસતા સર્જી છે. સ્ટુડન્ટ વિઝા પોલિસીઓમાં ફેરફારો અને પોસ્ટ સ્ટડી વર્ક રૂટ્સ વિશે ચર્ચાઓએ યુકેમાં તેમના ભવિષ્યનું આયોજન કરનારા યુવા વર્ગ માટે ચિંતા ઉભી કરી છે. નિયમો વધુ જટિલ બની જાય ત્યારે મુશ્કેલીઓ સર્જાય છે.

વિશ્વાસ કરો, પરંતુ સાવચેતી રાખોઃ

કોમ્યુનિટી સભ્યો સાથે ચર્ચાની મુખ્ય ફળશ્રુતિ સાવધાની રાખવાની આવશ્યકતા પર ભાર મૂકે છે. કોમ્યુનિટી એક હોય, ભાષા એક બોલાતી હોય તે સન્માનીય પોઝિશન હોય તેનો અર્થ એવો નથી કે તેઓ વિશ્વાસપાત્ર બની જાય છે. વિદ્યાર્થીઓએ હંમેશાં • સત્તાવાર સરકારી સ્રોતો મારફત માહિતી ચકાસવી જોઈએ • પેમેન્ટ્સ અને એગ્રીમેન્ટ્સના રેકોર્ડ્સ રાખવા જોઈએ • મૌખિક વચનો પર આધાર રાખ્યા વિના લેખિત કન્ફર્મેશન માગવું જોઈએ • મોટા નાણાકીય નિર્ણયો લેતા પહેલા સ્વતંત્ર સલાહ મેળવવી જોઈએ • શંકાસ્પદ કામગીરીનો રિપોર્ટ કરવો જોઈએ.

ગીતાબહેનનાં જણાવ્યાં મુજબ ઘણા લોકો પોતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું સ્વીકારી શકતા નથી અને મૌન જાળવે છે. તેમને ભાડાં, કામ અને પરિવાર શું વિચારશે તેની ચિંતા હોય છે. તેઓ કોમ્યુનિટીના સપોર્ટનું મહત્ત્વ જણાવતાં કહે છે કે,‘જો તમે હિન્દુ છો તો મંદિર જાવ અને ત્યાં લોકો સાથે વાત કરો. તમારી સમસ્યા વિશે મૌન ન રહેશો. કોઈ દેશમાં પહોંચતા પહેલા તમારા અધિકારો, બેનિફિટ્સ, વિઝા શરતો અને તમને લાગુ પડતા કાયદાઓને બરાબર સમજો. હંમેશાં કાનૂની માર્ગ પસંદ કરો, તમારી કોમ્યુનિટીના સંપર્કમાં રહો અને જરૂર લાગે ત્યાં મદદ પણ માગો.’

સમસ્યા દરિયાપારનું સ્વપ્ન સેવવાની નથી, પરંતુ ખોટાં વચનો, ગેરમાહિતી અને અવાસ્તવિક અપેક્ષાઓની છે. એજન્ટને નાણા ચૂકવતા પહેલા, વચનો પર ભરોસો કરતા પહેલા અને જીવનની સૌથી મોટી ભૂલ આચરતા પહેલા તમારી જાતને સાદો પ્રશ્ન કરો કે તમે સારી રીતે સંશોધિત તકમાં આગળ વધી રહ્યા છો કે અન્ય કોઈના કહ્યા મુજબ સ્વપ્નનો પીછો કરી રહ્યા છો?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter