લંડનઃ અનાથાશ્રમોને મદદ કરવા માટે સ્વયંસેવક તરીકે વિદેશ જતા ગેપ યર સ્ટુડન્ટ્સ અજાણતા જ બાળકોની હેરાફેરી અને જાતીય શોષણની પ્રવૃત્તિમાં મદદરૂપ થતા હશે તેવી ચેતવણી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)ના ચેરિટી કો-ઓર્ડિનેટર ડેવિડ કોલ્સે ઉચ્ચારી છે. દરમિયાન, LSEએ જાહેરાત કરી છે કે તે હવે ઓર્ફનેજ પ્લેસમેન્ટ્સને ઉત્તેજન આપશે નહિ.
કોલ્સે જણાવ્યું હતું કે કોઈ બિઝનેસની માફક કાર્યરત આ અનાથાશ્રમો દ્વારા ‘લાયકાત વિનાના અને અયોગ્ય’ વિદ્યાર્થીઓનું શોષણ થાય છે અને તેઓ વોલન્ટિયરોનો ઉપયોગ માર્કેટિંગના સ્વરૂપે કરે છે. અનાથાશ્રમોમાં તમારા બાળકો સારી કામગીરી કરશે તેવું કહીને તેમના બાળકોને ત્યાં મોકલવા માટે પરિવારોને તૈયાર કરવામાં આવે છે.
દર વર્ષે A લેવલના રિઝલ્ટ જાહેર થયા બાદ યુકેથી સેંકડો વિદ્યાર્થીઓ એક વર્ષ માટે વિકાસશીલ દેશો તરફ જાય છે. સ્કૂલો કે મકાનો બાંધવા અથવા સુનામી પછીની કામગીરી માટે સ્વયંસેવક તરીકે વિદેશ જવાનું લોકોને સારું લાગે પરંતુ, ઘણી વખત જે લોકોને મદદ કરાતી હોય તેમને માટે તે હાનિકારક પણ બની શકે છે.

