અમદાવાદઃ આજથી 50 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના સદવિદ્યા અને સર્વજન હિતાય સંદેશાઓના પ્રચાર-પ્રસાર માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં ગુરુકુળની સ્થાપના કરીને પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીને સુકાન સોંપ્યું. આ વાતને જોતજોતામાં 50 વર્ષ પૂર્ણ થઈ ગયા. આ પ્રસંગે આગામી 17થી 22 ડિસેમ્બર 2026 દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - મેમનગરનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાશે. આ નિમિત્તે ભવ્ય 21 દિવસના મહા વિષ્ણુયાગનું આયોજન કરાયું છે.
આ મહોત્સવ પ્રસંગે અનેકવિધ આયોજન થઇ રહ્યા છે. જેના ભાગરૂપે 28 ડિસેમ્બર - રવિવારના રોજ ઘનશ્યામ મહારાજને 3000 કિલોનો ફલકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ન ભૂતો અને ભવિષ્યતી જેવી બ્રહ્મચોર્યાસીનું આયોજન પણ થયું હતું. જેમાં વડતાલ, ડભાણ, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ જેવા શહેરોમાંથી 600 જેટલા ભૂદેવો પધાર્યા હતા. જોગી સ્વામી સત્સંગ ભવનમાં એક સાથે 600 બાજોઠની હરમાળા કરવામાં આવી હતી. જેમાં ભૂદેવોને ચંદનનું તિલક, પુષ્પહાર, ટ્રાવેલિંગ બેગ, કાંડા ઘડિયાળ, ગરમ શાલ, દક્ષિણા જેવા વિવિધ ઉપહારોથી પૂજન કરાયું હતું. આ પછી ઉપસ્થિત સંતો-હરિભક્તો અને વિદ્યાર્થીઓએ ભૂદેવને વિવિધ પકવાનો જમાડ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે બ્રાહ્મણો આ ધરતીના દેવ છે એમણે આપણી સંસ્કૃતિ તથા સંસ્કૃતના રક્ષણ માટે ખૂબ મોટું સમર્પણ કરેલું છે. ભૂતકાળમાં આપ ભૂદેવોના વડવાઓએ શાસ્ત્રના રક્ષણ માટે પોતાની જાતના બલિદાન આપેલા છે. માટે જ ભગવાન સ્વામિનારાયણે ભૂદેવોને ખૂબ રાજી કર્યા હતા. એ જ પરંપરા આજ સુધી ગુરુકુળમાં સચવાયેલી છે. આજે પણ ગુરુકુળમાં 200 જેટલા ભૂદેવો વિદ્યાભ્યાસ સાથે સંસ્કૃતિના રક્ષણ માટે કટિબદ્ધ થઈ રહ્યા છે.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજીએ પણ ખાસ દરેક ભૂદેવોને વંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.


