સ્વામીનારાયણ સંપ્રદાય – હિંદુ ધર્મમાં નવા યુગનો પ્રારંભ

- નીતિન પલાણ Tuesday 02nd February 2021 13:58 EST
 
 

(પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતી ની ઉજવણીના ભાગ રૂપે તેમના વિશે માસિક લેખની શ્રેણીમાં આ બીજો લેખ રજૂ કરું છું. ગયા લેખમાં આપણે પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ વિશે ટૂંકમા વિગતો મેળવી. આ મહિને ભગવાન સ્વામીનારાયણ અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના પરિચય સાથે ૧૧ લેખોની આપણી યાત્રાનો પ્રારંભ કરીશું. )

હિંદુ ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે ભગવાન – પરમાત્મા - હંમેશા તેમણે રચેલી સૃષ્ટિના રક્ષણ માટે અને નૈતિક ધાર્મિક પરંપરાઓને ભૂલાવી દેવાઈ હોય તેવું તેમને લાગે ત્યારે- પૃથ્વી પર અવતરણ કરે છે.

ભગવાન સ્વામીનારાયણનો જન્મ ૧૭૮૧માં ઉત્તર ભારતના નાનકડા છપૈયા ગામમાં થયો હતો. તેમનું નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું હતું. તેઓ તેમના માતા પિતાના ત્રણ સંતાનોમાં એક હતા. તેમના બાળપણનો ઈતિહાસ અદભૂત હતો. તેમણે તેમની ઘણી આધ્યાત્મિક શક્તિઓના દર્શન કરાવ્યા હતા. તેમના માતા-પિતાના મૃત્યુ પછી ૧૧ વર્ષની કુમળી વયે તેમણે ઘર છોડી દીધું હતું અને સમગ્ર ભારતની યાત્રા શરૂ કરી હતી. તેમણે સાત વર્ષ સુધી ભારતનું ભ્રમણ કર્યું હતું અને જાતે જ પ્રવાસ ખેડ્યો હતો અને તે પણ શરીર પર ફક્ત લંગોટ જેવા વસ્ત્ર સાથે. શિયાળાના મધ્યભાગમાં તેમણે હિમાલય તરફ જવા પ્રયાણ કર્યું હતું. ભારતનો પ્રવાસ તેમણે છેલ્લે ગુજરાતના એક નાના ગામ લોજમાં પૂરો કર્યો હતો.

તે પછી તેઓ રામાનંદ સ્વામીને મળ્યા હતા. તેમણે તેમના શિષ્યોને કહ્યું કે તેમની સામે જે યુવાન ઉભો છે તેઓ માનવીના સ્વરૂપમાં ભગવાન છે. તેમને સહજાનંદ નામ સાથે દીક્ષા આપવામાં આવી હતી. ટૂંક સમયમાં જ રામાનંદ સ્વામીએ સંપ્રદાયની ધૂરા ૨૦ વર્ષીય સહજાનંદને સોંપી હતી. તેઓ પાછળથી સ્વામીનારાયણ તરીકે જાણીતા થયા.

ભગવાન સ્વામીનારાયણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને મોક્ષમાર્ગના તેમના વારસાને સંક્ષિપ્તમાં આ રીતે જણાવી શકાયઃ

૧. ભગવાન સ્વામીનારાયણે પાંચ તત્વો જીવ (આત્મા), ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વિશે સમજ આપી હતી.

૨. તેમણે સ્વામીનારાયણ મંત્ર પણ આપ્યો.

૩. તેમણે નિઃસ્વાર્થ સેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો અને જીવનના આવશ્યક ભાગ તરીકે સમાજને કશુંક પાછું આપવું જોઈએ તે સમજાવ્યું.

૪. તેમણે મંદિરોના નિર્માણને પ્રોત્સાહન આપ્યું. ભગવાન સ્વામીનારાયણે વ્યક્તિગત પૂજા અને સામુદાયિક સેવાના સ્થાન તરીકે છ મંદિરોનું નિર્માણ કરાવી વ્યક્તિઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

૫. તેમણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પાલનના પાયા સાથેના સંપ્રદાયના નિર્માણ થકી ભગવાન સાથે તાદાત્મ્ય કેળવવા અને પવિત્ર જીવન જીવવાને પ્રોત્સાહન આપ્યું.

૬. વચનામૃત અને શિક્ષાપત્રી તેમના બે મહત્ત્વના ધર્મગ્રંથો છે. વચનામૃત ગ્રંથ પ્રશ્રો અને ઉત્તરોના સ્વરૂપમાં છે. આ બધા ભગવાન અને સાધુઓ અથવા ભક્તો સાથે થયેલા સંવાદ છે. તેમાં ઘણાં ઊંડા આધ્યાત્મિક પ્રશ્રોના સ્પષ્ટ અને ટૂંકમાં વ્યવહારિક ઉત્તરો છે. શિક્ષાપત્ર નાની પુસ્તિકા જેવી છે જેમાં, રોજિંદા જીવન દરમ્યાન શું કરવું અને શું ન કરવું તેના વિશે સમજણ અને માર્ગદર્શન આપ્યું છે. સંપ્રદાયના ભક્તો દરરોજ બન્ને પુસ્તકનું વાંચન કરે છે.

૭. હજારો ભક્તોને પ્રેરણા પૂરી પાડવા માટે ભગવાન સ્વામીરાયણે તેમના જીવનકાળમાં ૩૦૦૦ સાધુઓનો સમૂહ તૈયાર કર્યો હતો. તેમણે જીવંત ઉદાહરણથી નેતૃત્વ કરવાનું હતું. તેઓ નિષ્કામ, નિસ્વાદ, નિર્બોધ, નિસ્નેહ અને નિર્માણ એમ પાંચ વ્રતને અનુસરતા હતા.

૮. તેમનું સૌથી મોટું યોગદાન અક્ષર પુરુષોત્તમના વેદિક સિદ્ધાંતની સ્થાપનાનું હતું. તેમાં ભગવાન (પુરુષોત્તમ) અને તેમના સૌથી કૃપાપાત્ર ભક્ત (અક્ષર)નો પડઘો પડે છે. ૧૮૩૦માં ધામમાં ગયા (દેહત્યાગ) પછી પણ ભગવાન સ્વામીનારાયણ પવિત્ર અને જ્ઞાની ગુરુઓના માધ્યમથી પૃથ્વી પર હંમેશાં વિદ્યમાન છે. ગુરુઓ ભક્તોને પરમ મુક્તિના પંથે જવા પ્રેરણા પૂરી પાડે છે.

BAPS સ્વામીનારાયણ સંસ્થા અને અત્રે રજૂ કરેલ બાબતો અંગે www.baps.org પરથી વધુ માહિતી મળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter