સ્વિટ્ઝર્લેન્ડ, ઝેક રિપબ્લિક અને જમૈકા પણ ક્વોરેન્ટાઈન લિસ્ટમાં

Wednesday 02nd September 2020 03:03 EDT
 

લંડનઃ બોરિસ સરકારે જમૈકા, ઝેક રિપબ્લિક અને સ્વિટ્ઝર્લેન્ડ માટે પ્રવાસ નિયંત્રણો જાહેર કરી દીધા છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે આ ત્રણ દેશોના પ્રવાસેથી પરત ફરનારા બ્રિટિશરોએ ૧૪ દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં રહેવાનું થશે. આ નિયંત્રણ ૨૯ ઓગસ્ટ શનિવારના સવારના ૪(ચાર) વાગ્યાથી અમલમાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નિયમનો ભંગ કરનારાને ૧,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ કરાશે. બીજી તરફ, ક્યુબાથી બ્રિટન આવનારા લોકો માટે નિયંત્રણો દૂર કરી દેવાયાં હતાં.

નવી ટ્રાવેલ એડવાઈઝનો અર્થ એ છે કે બ્રિટિશ પર્યટકો માટે એક મહિના અગાઉ સલામત ગણાવાયેલા ૧૭ દેશોમાંથી યુકે આવનારા લોકો માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત બની ગયું છે. આ દેશોમાં સ્પેન, ફ્રાન્સ, નેધરલેન્ડ્ઝ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, ક્રોએશિયા, માલ્ટા, મોનાકો, એન્ડોરા, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, બહામાસ અને લક્ઝમબર્ગનો સમાવેશ થાય છે. બ્રિટનની સરખામણીએ માથાદીઠ કેસ ઓછાં હોવાં છતાં કેનેડા અને સિંગાપોર જેવા દેશોને મહિનાઓથી ‘રેડ લિસ્ટ’માં મૂકાયા છે. ક્વોરેન્ટાઈન લિસ્ટમાં વારંવાર ફેરફાર કરવાની સરકારની નીતિની ટીકા થઈ રહી છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિસ્થિતિ ઝડપથી બદલાતી હોવાના કારણે હવે અચાનક ક્વોરેન્ટાઈનમાં આવી જવાની તૈયારી સાથે જ વિદેશપ્રવાસ કરવો હિતાવહ છે.

જમૈકા, ઝેક રિપબ્લિક અને સ્વિટ્ઝર્લેન્ડ માટે પ્રવાસ નિયંત્રણો જાહેર કરી દેવાયા સાથે ૨૦,૦૦૦ જેટલા બ્રિટિશ પ્રવાસીઓએ સમયમર્યાદા પહેલા બ્રિટન પહોંચી જઈ ક્વોરેન્ટાઈનમાંથી બચવાની દોડધામ મચાવી હતી. ફોરેન ઓફિસે તમામ દેશોમાં બિનજરુરી પ્રવાસ નહિ ખેડવાની સલાહ પણ આપી છે. વિશ્વભરમાં કોરોના કેસીસ ફરી વધી રહ્યા છે ત્યારે યુકેમાં તમામ આવનારા લોકો માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત દાખલ કરવું પડે તેવી સ્થિતિ સર્જાવાની ચિંતા છે. સરકારે જણાવ્યું છે કે સાત દિવસના ગાળામાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૨૦થી વધુ કોરોના વાઈરસ કેસ નોંધાયા હોય તેવા દેશોમાંથી આવનારા લોકો માટે ફરજિયાત ક્વોરેન્ટાઈન લાગુ કરી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter