લંડનઃ સાઉથવેસ્ટ ઈંગ્લેન્ડના સ્વીન્ડનમાં નવું હિંદુ મંદિર ખૂલ્લું મૂકાયું છે. ગણેશ પૂજા તેમજ સત્યનારાયણની કથા સાથે સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા ૨૧ મેએ મંદિરમાં પ્રથમ વિધિસરની પૂજા ઉપરાંત કોમ્યુનિટી લંચનું આયોજન કરાયું હતું.
મંદિરનું સંચાલન સ્વીન્ડન હિંદુ ટેમ્પલ ટ્રસ્ટ હસ્તક છે અને પ્રદીપ ભારદ્વાજ તેના ચેરમેન છે. ટ્રસ્ટ લોકોને દર્શન અને પૂજાની સુવિધા ઉપરાંત દર મહિને ભજન-કિર્તન, પ્રીતિભોજ, મહોત્સવો, ધાર્મિક-શૈક્ષણિક-સામાજિક-સાંસ્કૃતિક અને ચેરિટી પ્રવૃત્તિઓ, પ્રવચનો, ધાર્મિક વિધિઓ, હિંદુ મૂલ્યો/પરંપરા, હિંદુવાદ અને તેના સિદ્ધાંતોને પ્રોત્સાહન, વિસ્તારના હિંદુઓને એકત્ર થવા માટેનું સ્થળ પૂરું પાડવું, સમુદાયના લોકોને સામાજિક આદાન-પ્રદાન માટે માધ્યમ પૂરું પાડવા સહિતના ઉદ્દેશો પર કામ કરવા માગે છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે અગ્રણીઓ અને મંદિર નિર્માણમાં સહયોગી લોકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારના લગભગ ૨૦,૦૦૦ હિંદુઓની આધ્યાત્મિક જરૂરિયાત માટે મંદિરની તાત્કાલિક જરૂર હતી. કારણ કે અહીં મંદિર ન હોવાથી લોકોને દર્શન અને પૂજા માટે લંડન અને બર્મિંગહામ જવું પડતું હતું.


