લંડનઃ યૌનશોષણ, ગેન્ગ્સ, ક્રિમિનલ શોષણ અને હેરાફેરીનાં શિકાર બનેલાં બાળકો અને યુવા વર્ગ સાથે ભરોસાપાત્ર અને રક્ષાત્મક સંબંધો કેળવવા કોમ્યુનિટી સંસ્થાઓ સાથે મળી કામ કરવામાં મદદ કરવા હોમ ઓફિસ દ્વારા સ્થાનિક ઓથોરિટીઝને ૧૩ મિલિયન પાઉન્ડના ‘ટ્રસ્ટેડ રીલેશનશિપ્સ પીસ પ્રોજેક્ટ’ ફંડને લોન્ચ કરાયું છે. આ પ્રોજેક્ટ હેઠળ હંસલો કાઉન્સિલને ચાર વર્ષના ગાળામાં ૧.૨ મિલિયન પાઉન્ડનું ભંડોળ પ્રાપ્ત થશે.
‘PEACE (Protecting, Empowering, Against Child Exploitation) પ્રોજેક્ટ’ હેઠળ હંસલો બરોમાં બાળકો, યુવા વર્ગ, પરિવારો, શાળાઓ અને કોમ્યુનિટી સાથે મળીને બાળ યૌનશોષણ અને ગુનાઈત શોષણના મુદ્દા ઉકેલવા વિવિધ કામગીરી હાથ ધરાશે. આ ફંડ સ્થાનિક ભાગીદારો અને નિષ્ણાત સંગઠનોની મદદ સાથે બાળકો માટે બહેતર પરિણામો લાવવા કામ કરશે.
બાળકોની સુરક્ષા સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના ટેકા સાથે હંસલો સેફગાર્ડિંગ ચિલ્ડ્રન્સ બોર્ડ દ્વારા આ ફંડ મેળવવા પ્રયાસ કરાયો હતો. હંસલો કાઉન્સિલની ચિલ્ડ્રન સર્વિસીસના કેબિનેટ મેમ્બર કાઉન્સિલર ટોમ બ્રુસે જણાવ્યું હતું કે, ‘આપણો પ્રયાસ સફળ થયાનો આનંદ છે. જાતીય અને ક્રિમિનલ શોષણનું જોખઘમ ધરાવતા બાળકો અને યુવા વર્ગને સપોર્ટ કરવા અમે પ્રતિબદ્ધ છીએ. આ ભંડોળ સાથે અમે અસલામત બાળકોને કાળજી અને સપોર્ટ કરવાનું તેમજ આપણા બરોમાં તેઓ સમ્મિલિત થાય તેમાં મદદ કરવાનું ચાલુ રાખીશું. આ ભંડોળ સમગ્ર કોમ્યુનિટીમાં બાળશોષણ વિશે જાગરુકતા વધારશે’
આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી www.hscb.org.uk અથવા www.hounslow.gov.uk/ childprotection વેબસાઈટ્સ પરથી મેળવી શકાશે.

