લંડનઃ રોયલ મેઈલ દ્વારા પત્રો-પાર્સલ્સની ડિલિવરી કરવાનો સમય બદલાઈ રહ્યો છે તેના કારણે હજારો પરિવારોને પત્રો મોડાં મળશે. લોકો જ્યારે સાંજના 6 વાગ્યાની આસપાસ પોતાના ઘેર આવે ત્યારે પોસ્ટલ વર્કર્સ તેમને પત્રો પહોંચાડે તેમ રોયલ મેઈલના બોસીસ ઈચ્છે છે. ઓનલાઈન ઓર્ડર્સના પાર્સલ્સ અને બીજા દિવસે પહોંચાડવાની અન્ય આઈટમ્સ લોકોને સમયસર મળી જાય તે માટે આયોજન કરાયું છે. જોકે, કોમ્યુનિકેશન્સ વર્કર્સ યુનિયને (CWU) આ પ્લાનને ઘૃણાસ્પદ ગણાવ્યો છે.
રોયલ મેઈલ દ્વારા ડિલિવરીના સૂચિત પ્રસ્તાવના કારણે લાખો બ્રિટિશરોને પત્રો માટે સાંજના 6 વાગ્યા પછીના સમયે રાહ જોવી પડશે. મોટા ભાગના ઓનલાઈન ઓર્ડર્સ રાતના સમયે કરવામાં આવે છે અને ગ્રાહકો તેમની ખરીદીની આઈટમ્સ બીજા જ દિવસે મેળવી શકે તેવી વ્યવસ્થા રોયલ મેઈલ કરવા માગે છે જેના કારણે ડિલિવરીનો સમય બદલવાનું આયોજન છે.
યુકેના લંડનના થોડાં વિસ્તાર, કોર્નવોલ, કમ્બ્રીઆ, વેલ્સ અને સ્કોટલેન્ડ સહિત100થી વધુ વિસ્તારોમાં સાંજના 5 વાગ્યા પછી પોસ્ટ મળશે. જોકે, લંડનમાં એબી વૂડ, કમ્બ્રીઆમાં બેરો-ઈન-ફરનેસ અને કોર્નવોલમાં ટ્રુરો સહિતના 17 વિસ્તારોમાં બ્રિટિશરોએ સાંજના તમામ પત્રો માટે મોડામાં મોડાં બપોરના 4 વાગ્યા સુધીનો ડિલિવરીનો સમય છે તે બદલાઈને સાંજના 5 વાગ્યાનો કરાશે.
આ મુદ્દો CWU સાથેની વાટાઘાટોમાં ઉભો કરાશે. યુનિયનના બહુમતી સભ્યોએ પગાર અને કામકાજની સ્થિતિના વિવાદના પગલે હડતાળ માટે મતદાન કર્યું છે ત્યારે ગમે ત્યારે હડતાળ પડી શકે છે. શિયાળાના અંધારિયા સમયમાં સાંજના 5 વાગ્યા સુધી પત્રોની ડિલિવરી કરાય તેનો વિરોધ CWUએ કર્યો છે.


