લંડનઃ યુકેમાં ૭૫થી વધુ વયના લાખો પેન્શનર્સ-વૃદ્ધોને તેમના મનપસંદ ટેલિવિઝન કાર્યક્રમો નિહાળવા માટે લાયસન્સ ફી ચૂકવવી પડશે. મફત ટીવી લાયસન્સનો તેમના અધિકારનો પહેલી ઓગસ્ટથી અંત આવ્યો છે. જો અપવાદ સિવાયની કોઈ વ્યક્તિ લાયસન્સ વિના ટેલિવિઝન કાર્યક્રમો નિહાળશે તેને ૧૦૦૦ પાઉન્ડનો દંડ કરી શકાશે.
બીબીસીના આ નિર્ણયે વિવાદ અને રોષ સર્જ્યા છે. ૬૦ વર્ષથી વધુ વયના લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર લડત ચલાવતા કેમ્પેઈન ગ્રૂપ સિલ્વર વોઈસીસે પોતાના સભ્યોને આ નિર્ણયના વિરોધમાં પોતાની લાયસન્સ ફી રદ કરાવવા અનુરોધ કર્યો છે. એક વર્ષ થઈ જવા છતાં સરકાર કે બીબીસીએ ફ્રી ટીવી લાયસન્સ પુનઃ લાગુ કરવાના કોઈ પગલાં લીધા નહિ.
અત્યાર સુધી ૭૫ અને તેથી વધુ વયના લાખો પેન્શનર્સને વાર્ષિક ૧૫૯ પાઉન્ડની ફી ચૂકવવામાંથી મુક્તિ મળતી હતી પરંતુ, હવે સૌથી ઓછી આવક ધરાવનારા લોકોને જ આ સવલત મળશે. સરકારે ૨૦૧૫માં ૭૫થી વધુ વયના લોકો માટે મફત લાયસન્સીસનું ભંડોળ આપવાનું બંધ કરી બીબીસીને જવાબદારી સુપરત કરી હતી. જોકે, બીબીસી ગયા વર્ષે જ નાણા બચાવવા આ સુવિધા બંધ કરવાની જાહેરાત કરી હતી. ૭૫થી વધુ વયના લોકોને વાર્ષિક ફી ચૂકવવાની ફરજ પડાયા પછી બીબીસીને લાયસન્સ ફી તરીકે વધારાના ૨૫૦ મિલિયન પાઉન્ડની આવક થઈ છે અને હવે ગ્રેસ પીરિયડ પૂરો થયા પછી આવકમાં હજુ વધારો થશે.
વયોવૃદ્ધો માટે ફ્રી ટીવી લાયસન્સ જૂન મહિનામાં બંધ થવાનું હતું પરંતુ, કોરોના મહામારીના કારણે તેમાં ઓગસ્ટ સુધી રાહત અપાઈ હતી. ફેબ્રુઆરીમાં બીબીસીએ ટીવી લાયસન્સ ન પોસાય તેમના માટે દંડ નહિ લેવાની જાહેરાત કરી હતી જેની મર્યાદા જુલાઈના અંતે પૂરી થઈ છે. પેન્શન ક્રેડિટનો અધિકાર ધરાવતા ઓછી આવક સાથેના પેન્શનર્સ હજુ મફત ટીવી લાઈસન્સ મેળવી શકશે.