લંડનઃ યુકેની સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદાના કારણે હજારો લોકોએ ચોક્કસ નોકરી માટે અરજી કરતી વેળાએ જૂના અથવા નાના ક્રિમિનલ ગુનાઓ વિશે જણાવવાનું નહિ રહે. સુપ્રીમ કોર્ટે ૩૧ જાન્યુઆરીના ચુકાદામાં આ કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો અને હોમ તથા જસ્ટિસ સેક્રેટરીઓ દ્વારા કરાયેલી સંખ્યાબંધ અપીલો ફગાવી દીધી હતી. વર્તમાન કાયદા અનુસાર લોકોએ તેઓ સગીર હોય અને બાળપણ સમયના પણ અપરાધો કે સજા અને ચેતવણીઓ વિશે નોકરીદાતાઓને જણાવવું પડતું હતું. કેમ્પેઈનર્સ દ્વારા ડિસ્ક્લોઝર સ્કીમ બદલવા સરકારને જણાવાયું છે.
સુપ્રીમ કોર્ટે વ્યક્તિને માઈનોર હોય ત્યારે પણ એક કરતા વધુ વખત ગુનેગાર ઠરાવાયા હોય કે યુવાની ચેતવણીઓ કે ઠપકા અપાયા હોય તેવી બાબતોને જાહેર કરવાનો નિયમ ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. કોર્ટે ગુનેગાર ઠરાવાયેલી કે ચેતવણી અપાયેલી ચાર વ્યક્તિની તરફેણમાં ચુકાદો જાહેર કર્યો હતો. આ વ્યક્તિઓએ જણાવ્યું હતું કે વર્ષો અગાઉ તેમણે કરેલા ક્ષુલ્લક ગુનાઓ તેમના જીવનનો પીછો છોડતા નથી.
કેસમાં સંકળાયેલી એક મહિલાએ ૧૯૯૯માં દુકાનમાંથી ૯૯ પેન્સની કિંમતની બુકની ઉઠાંતરી કરી હતી. તેને સ્કીઝોફ્રેનિયાની અસર હતી અને તેણે જામીનની શરતોનું પાલન પણ કર્યું ન હતું. વર્તમાન કાયદાના કારણે તેણે બાળકો અથવા અસુરક્ષિત લોકો સાથે નોકરીની અરજી કરતી વેળાએ તેની બે સજા જણાવવા સાથે પોતાની મેડિકલ હિસ્ટરી પણ જણાવવી પડતી હતી. મોટા ભાગે બાળકોને બાળપણની ભૂલોની સજા કે અપાયેલી ચેતવણીઓ જીવનભર કલંકરુપ બની રહે છે.
આ ચાર વ્યક્તિએ પોતાના રેકોર્ડ્સ જાહેર કરવાના નિયમો યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટ્સના આર્ટિકલ આઠ (અંગત અને પારિવારિક જીવનના સન્માનનો અધિકાર) સાથે સુસંગત ન હોવાનું જણાવી તેને પડકાર ફેંક્યો હતો. સુપ્રીમ કોર્ટે બે વ્યક્તિના કેસમાં કોર્ટ ઓફ અપીલના ૨૦૧૭ના ચુકાદા સામે હોમ અને જસ્ટિસ સેક્રેટરીઓની અપીલો ફગાવી હતી, જ્યારે ત્રીજી વ્યક્તિના કેસમાં અપીલ માન્ય રાખી હતી અને ચોથા કેસમાં નોર્ધર્ન આયર્લેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની અપીલ ફગાવી હતી.


