હડર્સફિલ્ડ ગ્રૂમિંગ ગેન્ગના ૧૬ સભ્યને ૨૨૧ વર્ષની સજા

સુત્રધાર અમીરીસિંહ ધાલીવાલને ૫૪ ગુનાસર આજીવન કેદઃ વધુ ચાર ગુનેગારની સજા હવે જાહેર કરાશેઃ રિપોર્ટિંગ પરના નિયંત્રણો ઉઠાવાયા

Wednesday 24th October 2018 02:16 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં સૌથી મોટા એક ગ્રૂમિંગ કેસમાં રિપોર્ટિંગ પરના નિયંત્રણો ઉઠાવી લેવા જજ જ્યોફ્રી માર્સન QC ની સંમતિના પગલે હડર્સફિલ્ડ ગ્રૂમિંગ ગેન્ગની ટ્રાયલની વિગતો જાહેર કરાઈ હતી. લીડ્સ ક્રાઉન કોર્ટ દ્વારા ત્રણ ટ્રાયલના અંતે આ ગેન્ગના ૧૬ સભ્યોને અસહાય કિશોરીઓની હેરફેર, બળાત્કાર અને ડ્રગ્સ આપવાના ગુનાસર કુલ ૨૨૧ વર્ષની જેલની સજા જાહેર કરવામાં આવી છે. અન્ય ચાર સભ્ય દોષિત ઠરાવાયા છે, જેમની સજા સંભળાવવાની બાકી છે. ગેન્ગના ૩૫ વર્ષીય સુત્રધાર અમીરીસિંહ ધાલીવાલને સંખ્યાબંધ બાળકો પર બળાત્કાર સહિત ૫૪ ગુના સબબે આજીવન કેદની સજા ફરમાવાઈ હતી, જેમાં ૧૮ વર્ષની લઘુતમ સજા છે.

જજ જ્યોફ્રી માર્સન Qcએ જણાવ્યું હતું કે ૧૫ અસહાય કિશોરીઓ વિરુદ્ધના આ જઘન્ય અપરાધો ૨૦૦૪થી ૨૦૧૧ના ગાળા દરમિયાન આચરાયા હતા. એક છોકરી તો તે સમયે ૧૧ કે ૧૨ વર્ષની હતી, જેનું કેર હોમમાંથી અપહરણ કરાયું હતું અને તેની સાથે સેક્સ કરવા અગાઉ નશીલી ડ્રગ્સ અપાઈ હતી. ગુનાની ત્રણ ટ્રાયલ દરમિયાન જ્યૂરી સમક્ષ રજૂઆત કરાઈ હતી કે મુખ્યત્વે હડર્સફિલ્ડના પુરુષોની આ ગેન્ગ દ્વારા કિશોરીઓને આલ્કોહોલ અને ડ્રગ્સ આપીને તેમની સાથે કારપાર્ક્સ, હોટેલ્સ, ટેઈકઅવેઝ, સ્નૂકર હોલ્સ, મૂર્સ અને રીઝર્વોઈર્સ લઈ જઈ જાતીય દુર્વ્યવહાર કરાયો હતો. ઘણી પીડિતાઓએ હાઉસ પાર્ટીઓમાં ડ્રિન્ક્સ અને ડ્રગ્સની રેલમછેલ પછી તેમના પર એક પછી એક પુરુષો દ્વારા બળાત્કાર કરાયાનું વર્ણન કર્યું હતું.

અમીરીસિંહ ધાલીવાલ આ ગેંગનો રીંગલીડર હતો. ગેન્ગના સભ્યો એકબીજાને ‘ડ્રેક્યુલા, બીસ્ટી અને ચિલર’ સહિતના ઉપનામોથી બોલાવતા હતા. બે સંતાનોના પરીણિત પિતા ધાલીવાલે સંખ્યાબંધ બળાત્કાર ગુજાર્યા હતા, બાળ વેશ્યાવૃત્તિને ઉત્તેજન આપ્યું હતું, અને અસહાય છોકરીઓની હેરાફેરી કરી હતી અને પોતાના મોબાઈલ ફોનમાં છોકરીઓના જાતીય શોષણનું ફિલ્માંકન કર્યું હતું. જજે જણાવ્યું હતું કે છોકરીઓ પ્રતિ તેનો વ્યવહાર તદ્દન ‘અમાનવીય’ હતો. ધાલીવાલે બીજા અપરાધીઓની હાજરીમાં નશામાં રહેલી ૧૫ વર્ષીય છોકરી પર બળાત્કાર કરવા અન્ય અપરાધીને ઉશ્કેર્યો હતો.

અસહાય છોકરીઓને ગેન્ગના સભ્યો દ્વારા લક્ષ્યાંક બનાવાતી હતી. આ બધી છોકરીઓનું ઘરેલું જીવન અશાંત હતું. બે કિશોરીઓ લર્નિંગ ડિસેબિલિટીથી પીડાતી હતી. એક છોકરીએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો હતો અને અન્ય એક છોકરીએ ગર્ભપાત કરાવેલો હતો. આ છોકરીઓની ખુશામત કરી લલચાવાતી હતી, તેમને મોંઘી કારમાં પાર્ટીઓમાં લઈ જવાતી હતી અને નાનીમોટી ભેટ પણ અપાતી હતી. ઘણી છોકરીઓને એમ લાગ્યું હતું કે પુરુષો તેમના પ્રત્યે સાચો પ્રેમ દર્શાવી રહ્યા છે. વાસ્તવમાં વિશ્વાસનું વાતાવરણ સર્જી તેમને ફસાવવામાં આવતી હતી.

સજા ફરમાવતા જજ જ્યોફ્રી માર્સન Qcએ જણાવ્યું હતું કે ગુજારાયેલા અત્યાચાર, ધાકધમકી અને ત્રાસના પરિણામે પીડિતાઓ અને તેમના પરિવારોને ભારે અસર થઈ હતી. ઘણી છોકરીઓ તેમના પર ગુજારાયેલા અત્યાચારની પીડામાંથી બહાર આવી શકશે નહિ. કોઈ અપરાધીએ તેમના કૃત્યો બદલ અફસોસ કે પસ્તાવો દર્શાવ્યો નથી. એશિયન મૂળના વ્યક્તિઓના જૂથ દ્વારા આ ઈરાદાપૂર્વકના અપરાધ કરાયા હતા.

હડર્સફિલ્ડ ગેન્ગના સભ્યોને સજા

અમીરીસિંહ ધાલીવાલ (આજીવન કેદ, લઘુતમ ૧૮ વર્ષ) • મોહમ્મદ અઝીમ (૧૮ વર્ષ) • ઝાહિદ હસન (૧૮ વર્ષ) • સાજિદ હુસૈન (૧૭ વર્ષ) • નસરત હૂસૈન (૧૭ વર્ષ) • રાજસિંહ બાર્સરાન (૧૭ વર્ષ) • મોહમ્મદ કામેર (૧૬ વર્ષ) • અબ્દુલ રહેમાન (૧૬ વર્ષ) • મોહમ્મદ રિઝવાન અસલમ (૧૫ વર્ષ) • નાહમન મોહમ્મદ (૧૫ વર્ષ) • વિક્સ મહમૂદ (૧૫ વર્ષ) • ફૈઝલ નદીમ (૧૨ વર્ષ) • મનસૂર અખ્તર (૮ વર્ષ) • ઈરફાન અહેમદ (૮ વર્ષ) • મોહમ્મદ ઈરફરાઝ (૬ વર્ષ) • મંઝૂર હસન (૫ વર્ષ)

ચાર દોષિતને પહેલી નવેમ્બરે સજા સંભળાવાશે

નિયાઝ અહેમદ • મોહમ્મદ ઈમરાન ઈબરાર • આસિફ બશીર • મોહમ્મદ અકરમ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter