બર્મિંગહામ,લંડનઃ ઓક્સફર્ડની સુંદર હાઈસ્ટ્રીટ પર આવેલી હની‘ઝ ઓફ ધ હાઈ, ન્યૂઝ એજન્ટ્સ અને ઓફિસિઅન્સને 18 જૂન બુધવારે ધ ફેડરેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ રીટેઈલર્સ (FED) દ્વારા બેસ્ટ ન્યૂઝ એજન્ટ્સ અને ઓફિસિઅન્સ, બેસ્ટ કન્વિનીઅન્સ સ્ટોર અને બેસ્ટ ફોર હોમ ન્યૂઝ ડિલિવરીના એવોર્ડ્ઝ એનાયત કરાયા હતા. બર્મિંગહામમાં હિલ્ટન મેટ્રોપોલ ખાતે યોજાએલ ભવ્ય સમારંભમાં 600થી વધુ રીટેઈલર્સ, ઈન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવ્ઝ અને બિઝનેસ અગ્રણીઓ સૌથી શ્રેષ્ઠની પસંદગીનો તાજ કોના સિરે ઢોળાશે તે નિહાળવા એકત્ર થયા હતા. યુકે અને આયર્લેન્ડમાંથી પ્રાપ્ત હજારો એન્ટ્રીઝમાંથી આ નેશનલ એવોર્ડ્ઝ હિતેન અને કિન્નરી પટેલના ફાળે ગયા હતા.
જજીસે જણાવ્યું હતું કે ગત વર્ષે બેસ્ટ કસ્ટમર સર્વિસનો એવોર્ડ હાંસલ કર્યાં પછી હિતેન અને કિન્નરીએ ગ્રાહક જ રાજા છે તેની ચોકસાઈ સાથે બિઝનેસનો વિકાસ ચાલુ રાખ્યો હતો. તેમની વાઈન રેન્જ પર હસ્તલિખિત લેબલ્સ, જેવાં નવતર વિચારો, વિગતો પર ધ્યાન આપવા બાબતે જજીસ પ્રભાવિત થયા હતા. શોપ ડિસ્પ્લેઝ પર સારો પ્રકાશ, સ્વચ્છતા તેમજ વિદેશના સમાચારોના ટાઈટલ્સ સહિત સ્ટોક વિશેની માહિતીની જજીસે પ્રશંસા કરી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની વાતચીતમાં કિન્નરી પટેલે જણાવ્યું હતું કે,‘ફેડ એવોર્ડ્ઝનું અમારું આ બીજું વર્ષ છે અને ત્રણ કેટેગરીઝમાં ફાઈનાલિસ્ટ થવામાં અમે નસીબવંતા છીએ. એવોર્ડ્ઝ જીતવામાં અને મુશ્કેલ કેટેઝરીઝમાં પ્રશંસા મેળવવાનો અમને આનંદ છે. આ સાંજ અદ્ભૂત, સુનિયોજિત બની રહી, મારા પતિ હિતેન અને મારાં માટે આનાથી વધુ ખુશી શું હોઈ શકે?’
‘અમે હની‘ઝની ટીમના આભારી છીએ જેમની સખત મહેનત, સમર્પણ વિના આમાંથી કશું શક્ય બન્યું ન હોત. અવિરત સપોર્ટ અને પ્રોત્સાહન બદલ અમારા પરિવાર અને મિત્રોના પણ આભારી છીએ. અમારા વફાદાર અને દયાળુ ગ્રાહકોનો તમારા સતત પેટ્રોનેજ અને ભરોસા બદલ અમારા હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા વિના તો હની‘ઝ આ સ્થાને પહોંચી શકે નહિ. અમારા અદ્ભૂત ગ્રાહકોએ હની‘ઝને આ સ્થળે પહોંચાડવા ભારે સપોર્ટ આપ્યો છે. તેમના વિશ્વાસ અને વફાદારી થકી અમને વિકાસની શક્તિ મળી છે. હની‘ઝ આગામી ઘણાં વર્ષ સુધી તેમની સેવા અને કોમ્યુનિટીનું સીમાચિહ્ન બની રહેવા કટિબદ્ધ છે.’