લેસ્ટરઃ રુશી મીડના મેલ્ટોન રોડ પર આવેલા જૂના પોલીસ સ્ટેશનમાં હનુમાનજી બિરાજમાન થવાના છે. હનુમાનજીને સમર્પિત આ મંદિર ‘શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર’ નામથી ઓળખાશે. લેસ્ટરમાં આ પ્રકારનું હનુમાનજીનું આ પ્રથમ મંદિર હશે. પાંચ વર્ષ અગાઉ બંધ થયેલા પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી ઓફિસીસ કામ કરતી હતી.
પહેલા ડિસેમ્બર ૨૦૧૯માં આ સ્થળનો મંદિર તરીકે ઉપયોગ કરવાની વિચારણા થઈ હતી પરંતુ, તે યોજના ખોરંભે પડી હતી. લેસ્ટરસ્થિત શ્રી હનુમાન ટેમ્પલ ચેરિટીએ અહીં હનુમાનજીનું મંદિર બનાવવાનું બીડું ઝડપ્યું છે. ચેરિટીના ટ્રસ્ટી રોજેશ પટેલના જણાવ્યા અનુસાર લેસ્ટરમાં આ પ્રકારનું પ્રથમ મંદિર હશે અને કોઈ સંપ્રદાયને લક્ષમાં લીધા વિના સમગ્ર કોમ્યુનિટી માટે ખુલ્લું રહેશે. શ્રી હનુમાન ટેમ્પલ ચેરિટી દ્વારા હનુમાનજીને સમર્પિત આગવું મંદિર હોય તેવા શુભ ઉદ્દેશ સાથે ૨૦૧૭થી લેસ્ટરમાં વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા આ જૂથના ભક્તો ગુજરાતના સાળંગપુર હનુમાનજી મંદિરના ભક્તજનો છે અને લેસ્ટરસ્થત નવું મંદિર ગુજરાતના મૂળ સાળંગપુર મંદિરની શાખા બની રહેશે. સાળંગપુર મંદિરના મુક્ય સાધુ-સંતોએ ૨૦૦૩માં લેસ્ટરની મુલાકાત લીધી હતી. આ પછી, હનુમાનજીને સમર્પિત મંદિર હોવા વિશે સ્થાનિક ભક્તોની લાગણી પ્રબળ બની હતી.
દિવાળી ઉત્સવ અને અસુરરાજ રાવણના પરાજયમાં મદદની કથાના સંદર્ભે હનુમાનજી કેન્દ્રસ્થાને છે. ટેમ્પલ ચેરિટી દિવાલીના સમયે લોકડાઉનના નિયંત્રણો કેવાં હશે તેના અપડેટ્સની રાહ જુએ છે જેથી, જાહેર જનતા માટે મંદિરને ખુલ્લું મૂકી શકાય. હાલમાં જૂના પોલીસ સ્ટેશનની ઓફિસમાં હનુમાનજીનું હંગામી મંદિર છે અને તેમની મૂર્તિ ભારતના રાજસ્થાનમાં તૈયાર થઈ રહી છે. આગામી વર્ષોમાં વર્તમાન બિલ્ડિંગની નવેસરથી સજાવટ અને મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે ટેમ્પલ ચેરિટી ઉત્સુક છે.


