હર્ટફર્ડશાયર યુનિ.ની વિદ્યાર્થિની ડિઝાઈનર સમીતા શ્રેષ્ઠાને એવોર્ડ

Tuesday 06th June 2017 07:26 EDT
 
 

લંડનઃ યુનિવર્સિટી ઓફ હર્ટફર્ડશાયર ફેશનના ચાર વિદ્યાર્થી ડિઝાઈનરને ગ્રેજ્યુએટ ફેશન શો ખાતે ઈનોવેટિવ ડિઝાઈન્સ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ્સ એનાયત કરાયા હતા. ચેલસી ઓલ્ડ ટાઉન હોલ ખાતે ૧૭ મેએ વાર્ષિક ગ્રેજ્યુએટ ફેશન શોનું આયોજન કરાયું હતું, જેમાં પ્રતિભાશાળી એવોર્ડવિજેતાઓમાં સમીતા શ્રેષ્ઠાનો પણ સમાવેશ થયો હતો. ફેશન ઉદ્યોગના ચાર મોટા નામ ટેડ બેકર, F&F,મારિયા ગ્રાચવોગેલ અને એલી કેપેલિનો દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.

એલી કેપેલિનોના સ્થાપક અને સીઈઓ મિસ એલીસન લોઈડના હસ્તે સમીતા શ્રેષ્ઠાને તેના કલેક્શન્સમાં મેટી-ચમકરહિત અને રંગસંયોજનોના ઉપયોગ બદલ ધ એલી કેપેલિનો એવોર્ડ ફોર મોસ્ટ ક્રીએટિવ યુઝ ઓફ ફેબ્રિક એવોર્ડ એનાયત કરાયો હતો. સમીતાએ ખાસ કરીને દુબઈની ઈમારતોના સ્થાપત્યમાંથી પ્રેરણા મેળવી હતી. આ પછી તેઓ સોફ્ટ ટેઈલરિંગમાં ગયાં હતા, જ્યાં તેમણે ડેલપોઝો પાસેથી રંગના ઉપયોગની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.

સમીતાએ જણાવ્યું હતું કે,‘આ એવોર્ડ મેળવવાનો મને આનંદ છે. ફેબ્રિકમાં સમય અને નાણાનું રોકાણ કરવાનું મને વળતર મળ્યું છે. તેને જીવંત થતાં નિહાળવાનું ખરેખર ઉત્કૃષ્ટ છે. સમીતા શ્રેષ્ઠાના ગ્રેજ્યુએટ કલેક્શનનું બ્રાન્ડ નેમ ‘REJUVENATE’ છે. સમીતા ‘ફાઉન્ડર્સ ઓફ ફ્રેન્ડશિપ ગ્લોબલ’ની એક સ્થાપક છે, જેની સ્થાપના ‘સ્થાનિક મિત્રતા મારફત વૈશ્વિક સંવાદિતા’ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે સપ્ટેમ્બર ૨૦૦૧માં નોર્થ લંડન ખાતે કરવામાં આવી હતી.

યુનિવર્સિટી ઓફ હર્ટફર્ડશાયર ખાતે પ્રોગ્રામ લીડર અને ફેશન શોના કો-ઓર્ડિનેટર ટોની રોસેલાએ જણાવ્યું હતું કે,‘ આ વર્ષના ગ્રેજ્યુએટ ફેશન શોએ ફરી એક વખત અમારા યુવાન ડિઝાઈનર્સની અનોખી પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. એમે ચાર એવોર્ડવિજેતાને અભિનંદન પાઠવી સફળ કારકિર્દીની શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter