લંડનઃ તાજેતરમાં લંડનની રોયલ લેન્કેસ્ટર હોટેલ ખાતે બ્રિજ ઈન્ડિયા થિન્ક ટેન્કની યજમાનીમાં આયોજિત પ્રતિષ્ઠિત બ્લેક-ટાઈ ડિનર ઈવેન્ટમાં હર્ષદભાઈ કોઠારીને કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ કોમ્યુનિટીની સેવાના તેમના દાયકાઓ લાંબા સમર્પણ અને સમાજને અભૂતપૂર્વ યોગદાનની કદર કરે છે.
હર્ષદભાઈ કોઠારીએ 40 કરતાં વધુ વર્ષથી બ્રિટિશ ભારતીય અને ઈસ્ટ આફ્રિકન એશિયન કોમ્યુનિટીઓને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (LCCI)માં એશિયન બિઝનેસ એસોસિયેશન (ABA)ના બોર્ડ મેમ્બર અને એમ્બેસેડર તરીકે હર્ષદભાઈની નેતાગીરી બિઝનેસ ઈકોસિસ્ટમને આકાર આપવામાં અને મજબૂત બનાવવામાં સાધનરૂપ રહી હતી.
જાણીતા હોટેલિયર, ફિલાન્થ્રોપિસ્ટ તેમજ લંડન ચેમ્બર ઓફ કોમર્સના બોર્ડ મેમ્બર ટોની મથારુએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘હર્ષદ એ પ્રકારના નિઃસ્વાર્થ વ્યક્તિ છે જેઓ પડદા પાછળ કામ કરે છે, પરંતુ કદી યશ મેળવતા નથી. LCCI અને ABA સાથે દાયકા કરતાં વધુ સમયની તેમની સહભાગિતા અને સમર્પણની હવે કદર થઈ છે.’
પોતાના વારસાને વિસ્તારતા હર્ષદભાઈએ તાજેતરમાં ગ્લોબલ કોમ્યુનિટી ફોર ઈસ્ટ આફ્રિકન એશિયન્સનું લોન્ચિંગ કરી નિર્વાસિત તરીકે યુકે, કેનેડા અને અન્યત્ર સ્થળાંતર કરી ગયેલા લોકોને એક મંચ પર લાવ્યા હતા.
હર્ષદભાઈ કોઠારીની આજીવન સેવાની કદર કરવા ગિલ્ડહોલ ખાતે વિશેષ સમારંભમાં લંડન શહેરના સૌથી ઐતિહાસિક સન્માનમાં એક ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.