લંડનઃ આખરે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને ડહાપણ આવ્યું છે. લોકલાગણી કહો કે રાજકીય દબાણને વશ થઈ BBCએ પીછેહઠ કરવા સાથે ૧૨ સપ્ટેમ્બરે યોજાનારા ‘લાસ્ટ નાઈટ ઓફ પ્રોમ્સ’ કાર્યક્રમમાં ‘રુલ બ્રિટાનિયા’ અને ‘લેન્ડ ઓફ હોપ’ રાષ્ટ્રપ્રેમનાં ગીતો યથાવત રીતે ગવાશે તેવો નિર્ણય જાહેર કર્યો છે. અગાઉ, આ ગીતો કહેવાતા સંસ્થાનવાદ અને ગુલામી સાથે સંકળાયેલા હોવાની ધારણાના પગલે આ ગીતો ગાવાના બદલે માત્ર ઓરકેસ્ટ્રા દ્વારા જ વગાડાય તેવો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયના પરિણામે, દેશનાં ઈતિહાસ, પરંપરા અને સંસ્કૃતિ વિશે શરમ સર્જાય છે તેવી રજૂઆતો સાથે વિવાદનો વંટોળ ફૂંકાયો હતો અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સહિત નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. BBCના નવનિયુક્ત ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ સ્પષ્ટ કર્યું હતું કે કોર્પોરેશનમાં નિષ્પક્ષતાનો જ એજન્ડા રહેશે, કોઈ પૂર્વગ્રહ ચલાવી લેવાશે નહિ.
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે ‘સમગ્ર દેશ ક્ષોભ-શરમ અનુભવે છે. લોકો તમામ અપૂર્ણતા સાતે આપણા ઈતિહાસ અને પરંપરાઓને ચાહે છે. તેને સેન્સર કરવાનો પ્રયાસ એ ગાંડપણ છે. આપણને યુકે અને આપણા ઈતિહાસ બાબતે ગૌરવ હોવાનું જોરથી કહેવું જ જોઈએ.’
BBC દ્વારા ૧૨ સપ્ટેમ્બરે યોજાનારા ‘લાસ્ટ નાઈટ ઓફ પ્રોમ્સ’ કાર્યક્રમમાં ‘રુલ બ્રિટાનિયા’ અને ‘લેન્ડ ઓફ હોપ’ ગીતો હંમેશની રીતે રજૂ કરાશે તેવા નિર્ણય નિર્ણય સાથે આ ગીતો ગવાશે કે રદ કરાશે અથવા માત્ર વાદ્યસંગીત રેલાશે તે બાબતે સર્જાયેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. આ નિર્ણય કોર્પોરેશનના નવા ડાયરેક્ટર જનરલ ટીમ ડેવી કારણભૂત છે. કોર્પોરેશને મોટી પીછેહઠ કરતા જણાવ્યું હતું કે આ બે ગીતો માટે બીબીસીના ગાયકોના વિશેષ સમૂહ ગોઠવાશે.
એડવર્ડ એલ્ગર દ્વારા કમ્પોઝ કરાયેલા Land of Hope and Glory ગીતમાં ‘By freedom gained, by truth maintained / Thine Empire shall be strong’ શબ્દો છે જ્યારે, ‘Rule, Britannia’ ગીતમાં ‘Britons never, never, never will be slaves’ પંક્તિઓ છે. શરુઆતમાં બંને ગીત રદ કરવાના સૂચનો પછી પરફોર્મન્સમાં સમૂહગાન નહિ પરંતુ, માત્ર વાદ્યસંગીત વગાડાશે તેવો નિર્ણય લેવાયો હતો. વિદાય થયેલા ડાયરેક્ટર જનરલ લોર્ડ હોલ ઓફ બિર્કેનહેડે સધિયારો આપ્યો હતો કે આગામી વર્ષે કોવિડ ૧૯ના નિયંત્રણો હટાવી લેવાય તે પછી આ બંને ગીતો રોયલ આલ્બર્ટ હોલમાં ‘લાસ્ટ નાઈટ ઓફ પ્રોમ્સ’ કાર્યક્રમમાં વ્યવસ્થિતપણે રજૂ કરાશે. આમ છતાં, બીબીસીના નિર્ણયની ટીકા યથાવત રહી હતી. બીજી તરફ, YouGov ના સર્વેમાં ૫૫ ટકાએ ગીતો રદ કરવા કે વાદ્યસંગીત સામે વિરોધ નોંધાવ્યો હતો અને માત્ર ૧૬ ટકાએ બીબીસીના નિર્ણયનું સમર્થન કર્યું હતું.