હવે પબ્સ અને રેસ્ટોરાં પણ વહેલાં ખુલી શકેઃ બ્રિટિશરો માટે વડા પ્રધાનનો આશાપૂર્ણ સંકેત

Saturday 06th June 2020 00:14 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પબ્સ અને રેસ્ટોરાં પણ આગામી મહિને ફરીથી ખુલી શકે છે. વડા પ્રધાને લાયઝન કમિટી સમક્ષ જણાવ્યું હતું કે અગાઉ કરતાં ઘણી ઝડપથી આગળ વધી શકાશે તેમ જણાય છે. તેમણે વિજ્ઞાનીઓને છ ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમની સમીક્ષા કરવા જણાવ્યું છે જેના કારણે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને ફરી ખુલવામાં અવરોધ સર્જાઈ રહ્યો છે. સરકારના વર્તમાન લોકડાઉન રોડ મેપમાં માર્ચથી બંધ રખાયેલાં પબ્સ અને રેસ્ટોરાં જેવા હોસ્પિટાલિટી સ્થળો ૪ જુલાઈ સુધી નહિ ખુલવાની શક્યતા હતી.

વડા પ્રધાન જ્હોન્સને બ્રિટિશરો ટુંક સમયમાં બિયર ગાર્ડનમાં ડ્રિન્ક્સનો આનંદ માણી શકશે તેવો આશાભર્યો સંકેત પાઠવ્યો છે. તેમણે ૨૭ મે બુધવારે સાંસદોની સમિતિને જણાવ્યું હતું કે તેમણે છ ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમની સમીક્ષાનો આદેશ કર્યો છે અને વોટરિંગ હોલ્સ તેમજ રેસ્ટોરાં ૪ જુલાઈ પહેલાં ફરી ખુલવાની તેમને આશા છે. છ ફૂટનો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી માટે મોટો અવરોધ છે અને ૮૦ ટકા પબ્સ આ નિયમના કારણે ખુલી શકવાની હાલતમાં નથી. યુકેમાં કોરોના વાઈરસના સંક્રમણને ટાળવા આ સૌથી કડક સંપર્કવિરોધી નિયંત્રણ છે જે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની એક મીટરની ભલામણ કરતાં બમણું અંતર છે. હોંગ કોન્ગ, સિંગાપોર, ફ્રાન્સ અને ચીનમાં એક મીટરનું અંતર રખાય છે જ્યારે ઓસ્ટ્રેલિયા, જર્મની અને નેધરલેન્ડ્ઝમાં ૧.૫ મીટરનું અંતર રાખવામાં આવે છે.

હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીનો આગવો રોડમેપ

હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીએ અગાઉ સરકારને ૭૫ પાનાનો રિપોર્ટ સુપરત કર્યો હતો જેમાં, ૨૩ માર્ચથી લોકડાઉનમાં બંધ પબ્સ અને રેસ્ટોરાંઝ ૪ જુલાઈથી ફરી ખોલી શકાય તે બાબતે સૂચનો રજૂ કરાયા હતા. ટ્રેડ ગ્રૂપ UKHospitalityના રોડમેપમાં બાર પર ડ્રિન્કર્સની લાઈન્સ પર પ્રતિબંધ, હોટેલ્સમાં બફે સિસ્ટમના અંત તેમજ ટેબલ પર પેપર અને સોલ્ટની નાની બોટલ્સ નહિ રાખવાનો સમાવેશ થાય છે. જોકે, છ ફૂટના વર્તમાન સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમમાં ફેરફારની માગણી કરાઈ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ફ્લોર પર નિશાનીઓ કે ટેપ્સ પણ લગાવી શકાય છે. ધ બ્રિટિશ બિયર એન્ડ પબ એસોસિયેશન દ્વારા જણાવાયું હતું કે જે પબ્સ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરી શકે તેમના માટે જુલાઈમાં ફરી ખુલવાનું સારું જ ગણાશે. તેમણે સલામત અને નાણાકીય રીતે પોસાય તેમ વેળાસર પબ્સ ખોલવામાં સરકારને સાથ-સહકારની ખાતરી આપી છે.

બિયર કે શરાબ પીવા માટે લોકોને બારની આસપાસ એકત્ર થવા દેવાના બદલે તેમને ટેબલ પર જ પીણાં પહોંચાડાશે. ગ્રાહક ચોક્કસ સ્થળે ઓર્ડર આપી શકે અને બીજા સ્થળેથી ડ્રિન્ક મેળવી શકે તેવો વિકલ્પ પણ સૂચવાયો છે. ખાલી ગ્લાસ પણ ટેબલ પર છોડી દેવાના રહેશે અને બારનો સ્ટાફ તેને લઈ જશે. ટોઈલેટ્સમાં પણ ભીડ ન થાય તે માટે નિયમો મૂકાશે. ટેબલ પર કેચપ, રાઈ કે પેપર અને સોલ્ટની નાની બોટલ્સ મૂકવાના બદલે પેપર કે પ્લાસ્ટિકના આવરણમાં વ્યક્તિગત આપવામાં આવશે. મેનુનો ઉપયોગ પણ ઓછામાં ઓછો કરાશે અને ઉપયોગ પછી સ્ટાફ દ્વારા તેને સ્વચ્છ કરી દેવાશે.

વેધરસ્પૂન પબ ચેઈનના ચેરમેન ટિમ માર્ટિને કહ્યું છે કે લોકડાઉનના કારણે તેમને ૯૦૦ પબ્સ બંધ કરવાની અને ૪૦,૦૦૦ વર્કર્સને ફર્લો પર ઉતારવાની ફરજ પડી છે. હરીફ ચેઈન ગ્રીન કિંગ દ્વારા ગ્રાહકો એપથી ઓર્ડર આપે અને બિયર ગાર્ડન્સ ખોલી શકાય તેની માગણી કરી હતી.

હોટેલ્સના માલિકો દ્વારા ગ્રાહકના હેન્ડશેક હવે જૂની વાત થઈ ગઈ છે. હવે સ્ટાફ દ્વારા નિયમોને આધીન અભિવાદન કરાશે. હોટેલ્સ બફે કે સેલ્ફ સર્વિસને ઉત્તેજન નહિ અપાય. રુમ સર્વિસનો સ્ટાફ પણ બારણે ટકોરા મારી વાનગી કે ડ્રિન્ક્સની ટ્રે બહાર મૂકી જશે.  સામાજિક અંતરના નિયમોના પાલન માટે આઉટડોર એરિયામાં પણ પેટ્રોલિંગ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter