લંડનઃ યુકેમાં 18 વર્ષથી ઓછી વયના ટીનેજર્સ માટે લગ્નો પર પ્રતિબંધના ખરડાને હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોએ પસાર કરી દીધો છે અને હાઉસ ઓફ લોર્ડ્સમાં પણ આ ખરડો સરળતાથી પસાર કરી દેવાશે. હવે માતાપિતાની સંમતિ હશે તો પણ 18 વર્ષથી ઓછી વયના બાળકો લગ્ન કરી શકશે નહિ. જે વયસ્કો વિદેશમાં પોતાના બાળકોના નાની વયે લગ્નો ગોઠવે છે તેમની સામે કાનૂની કાર્યવાહી પણ શક્ય બનશે.
હાલ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 17 અને 18 વર્ષના ટીનેજર્સ માતાપિતાની સંમતિ હોવાનું દર્શાવી લગ્ન કરી શકે છે. સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આવાં લગ્ન માટે માત્ર બે સાક્ષીની જરૂર પડે છે. આના પરિણામે, લગ્ન કરવા માટે ભાગી જનારા ટીનેજર્સ માટે સ્કોટલેન્ડનું ગ્રેટના ટાઉન ઘણું લોકપ્રિય બન્યું હતું.
આ બિલ સ્પોન્સર કરનારા ટોરી સાંસદ પૌલિન લાથામે કાયદામાં ફેરફારને યોગ્ય દિશામાં વિશાળ કદમ તરીકે ગણાવ્યો હતો. વર્તમાન કાયદો 70 વર્ષથી અમલમાં હતો અને પુરાણા સમયના સામાજિક મૂલ્યોને દર્શાવે છે. લેબર શેડો જસ્ટિસ મિનિસ્ટર અન્ના મોકમોરિને કહ્યું હતું કે યુવા વ્યક્તિએ 18વર્ષ સુધી ભણવું જોઈએ પરંતુ, તે 16 વર્ષની વયે લગ્ન કરી શકે તે આશ્ચર્યજનક છે અને 21મી સદીમાં તેને સ્થાન હોવું ન જોઈએ.


