હવે ૧૬ વર્ષના ટીનેજર્સને પણ વર્કપ્લેસ પેન્શનનો લાભ મળશે

Tuesday 03rd October 2017 15:00 EDT
 
 

લંડનઃ સરકારની વિચારાધીન નવી યોજના હેઠળ ૧૬ વર્ષના ટીનએજર્સ પણ સૌપ્રથમ વખત વર્કપ્લેસ પેન્શનનો લાભ મેળવી શકશે. અત્યારે ૨૨ વર્ષથી વધુ વયના વર્કર્સ ૧૦,૦૦૦ પાઉન્ડથી વધુ વાર્ષિક વેતન મેળવે તો તેમના નોકરીદાતા દ્વારા આપમેળે જ પેન્શન યોજનાઓમાં નોંધણી થઈ જાય છે. સરકાર હવે તેની ફ્લેગશિપ યોજનાની વયમર્યાદા નીચી ઉતારવા ઈચ્છુક છે.

વધુમાં વધુ લોકો પોતાની નિવૃત્તિ માટે બચત કરતા થાય તેને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારે ૨૦૧૨માં આ યોજના ચાલુ કરી હતી. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા આ વર્ષના અંત સુધીમાં પ્રસિદ્ધ કરાનારી સમીક્ષામાં પેન્શન યોજનાઓ માટે લઘુતમ વયમર્યાદા જાહેર કરાય તેવી શક્યતા છે. પૂર્વ પેન્શન મિનિસ્ટર અને રોયલ લંડન ખાતે પોલિસી ડાયરેક્ટર સ્ટીવ વેબે જણાવ્યું હતું કે,‘અમે લોકોને હંમેશાં કહીએ છીએ કે તેઓ નિવૃત્તિ માટે ત્વરાએ બચત કરવાનું શરૂ કરે તે સારું રહેશે. આપણો કાયદો એવો ન હોવો જોઈએ જેમાં ૨૨ વર્ષથી નીચેના વર્કર્સને બાકાત રાખવામાં આવે. વયમર્યાદા દુર કરવાથી કે ઘટાડવાથી યોગ્ય મેસેજ મોકલી શકાશે.’

કામદારો ઓટો-એનરોલમેન્ટનો વિકલ્પ નહિ અપનાવવાનું પણ પસંદ કરી શકે છે. જોકે, ૧૦માંથી એક કરતા પણ ઓછા વર્કર તેમને દૂર કરવાનું જણાવે છે. બચત કરનારાની સંખ્યા ૨૦૧૨માં ૭.૮ મિલિયન હતી, જે ગત વર્ષે ઉછાળા સાથે વધીને ૧૩.૫ મિલિયન સુધી પહોંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter