લંડનઃ હોમ ઓફિસના ત્રાસવાદ સંબંધિત ઈમિગ્રેશન કાયદાની કોર્ટ ઓફ અપીલના ચુકાદામાં ભારે ટીકા કરવામાં આવી છે અને તે કાયદાની કાનૂની રીતે ખામીયુક્ત હોવાનું જણાવી તેને બદલવા જણાવ્યું છે. આમ, ઉચ્ચ કૌશલ્યપૂર્ણ માઈગ્રન્ટ્સનો યુકેમાં સ્થાયી થવાના અધિકાર મુદ્દે કોર્ટ ઓફ અપીલમાં વિજય થયો છે. કોર્ટ ઓફ અપીલના ૧૬ એપ્રિલ મંગળવારના ચુકાદામાં ત્રણ ભારતીય અને એક પાકિસ્તાની સહિત ચાર અરજદારોને તપાસાયા હતા. આ અરજદારોને હાઈલી સ્કીલ્ડ કેટેગરીમાં યુકેમાં અચોક્કસ મુદત સુધી રહેવાની છૂટ (Indefinite Leave to Remain-ILR)નો ઈનકાર કરવામાં આવ્યો હતો. લંડનમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આ ચાર કેસની સાથે સુનાવણી કરાઈ હતી, જેમાં યુકે હોમ સેક્રેટરી સાજિદ જાવિદ વિરુદ્ધ ચુકાદામાં તેમના વલણને ‘કાનૂની દૃષ્ટિએ ખામીયુક્ત’ ગણાવાયું હતું.
હોમ ઓફિસ દ્વારા કાયદાના પેરેગ્રાફ ૩૨૨ (૫)ના દુરુપયોગ થકી સેંકડો લોકોની અરજીઓ નકારવા વિશે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા સંખ્યાબંધ આર્ટિકલ્સ લખવામાં આવ્યા હતા તેમજ અસરગ્રસ્તોના ઈન્ટર્વ્યૂઝ પ્રસિદ્ધ કરાયા હતા. ઘણા કિસ્સામાં અસરગ્રસ્તોએ પોતાના ટેક્સ રેકોર્ડ્સમાં સુધારા કર્યા હોવાથી તેઓને ‘ત્રાસવાદી’નું લેબલ લગાવી દેવાયું હતું. હોમ ઓફિસ દ્વારા મુખ્યત્વે ભારતીય અને પાકિસ્તાની સહિત ઓછામાં ઓછાં ૩૦૦ હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સની વસવાટની અરજીઓ નકારાઈ હતી તેમજ અન્ય ૯૭ લોકોએ યુકે છોડી દીધું હતું. જાન્યુઆરી ૨૦૧૫થી મે ૨૦૧૮ના ગાળામાં આશરે ૪૦૦ લોકોને તેની અસર થઈ હતી. ઘણાં લોકોએ આ મુદ્દાને ‘એશિયન વિન્ડરશ સ્કેન્ડલ’ ગણાવ્યો હતો.
લોર્ડ જસ્ટિસ અંડરહિલ, લોર્ડ જસ્ટિસ હિકિનબોટમ અને લોર્ડ જસ્ટિસ સિંહના ૬૦ પાનાનાં જજમેન્ટમાં હોમ ઓફિસની ભારે ટીકા કરાવા સાથે એક કેસને ‘નકારી’ કઢાયો હતો જ્યારે, અન્ય ત્રણ કેસને અપીલ માટે પરવાનગી અપાઈ હતી. તેમાંથી એક કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે તે ચોક્કસપણે કાયદા સાથે સુસંગત નથી અને સેક્રેટરી ઓફ સ્ટેટ ચોક્કસ અપ્રામાણિકતા દર્શાવવામાં નિષ્ફળ ગયા છે. ચુકાદામાં સ્પષ્ટ કરાયું હતું કે ચારેય કેસમાં અપીલની પરવાનગી અપાશે.
કોર્ટે જણાવ્યું હતું કે અરજદારો દ્વારા ફાઈલ કરાયેલા ટેક્સીસમાં તફાવત જણાવાથી હોમ ઓફિસે અરજદારો અપ્રામાણિક હોવાનું જણાવી સીધી કાર્યવાહી કરી હતી. તેમને નિર્દોષ ખુલાસો કરવાની તક અપાઈ ન હતી. કોર્ટે પ્રક્રિયાના અનેક દિશાનિર્દેશો કર્યાં છે, જેની આવાં ઘણાં કેસીસને અસર થવાની શક્યતા છે. પેરેગ્રાફ ૩૨૨ (૫) અન્વયે ૭૦થી વધુ અપીલ અથવા અપીલ માટે પરવાનગીની અરજી કોર્ટ સમક્ષ છે તેમજ ફર્સ્ટ-ટિયર ટ્રિબ્યુનલ અથવા અપર ટ્રિબ્યુનલમાં સંખ્યાબંધ ચેલેન્જીસ પડતર છે.
હૈદરાબાદથી આશિષ બાલાજીગારી કહે છે કે,‘આ મોટી રાહત છે પરંતુ, માર્ગ ઘણો લાંબો અને વિકટ રહ્યો છે.’ તેમણે રજૂ કરેલી ભૂલસુધારણાને ‘અપ્રામાણિક કૃત્ય’ ગણાવ્યા પછી ખુલાસાની તક ન અપાઈ હોવાનું કોર્ટને જણાતાં હવે તેમની ILR માટે અરજીની ફેરતપાસ હાથ ધરાશે. સોમનાથ મજમુદારના કિસ્સામાં પણ હોમ સેક્રેટરી દ્વારા યોગ્ય પ્રક્રિયાની ફરજનો સ્પષ્ટ ભંગ કરાયાનું કોર્ટને જણાયું હતું. જોકે, મજમુદાર આ પછી ભારત આવી ગયાનું મનાય છે અને યુકેમાં રહેવાના અધિકારના ઈનકારને રદ કરાવી દેવાયો છે. ભારતીય મૂળના આવાઈસ કાવસ, તેમના પત્ની અને બાળકો તેમજ પાકિસ્તાની નાગરિક આમોર આલ્બર્ટના કેસ પણ પુનઃ મૂલ્યાંકન માટેનાં છે.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ આ ચુકાદાનો કાળજી સાથે અભ્યાસ કરી તેનો પ્રતિભાવ આપશે. પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘આ પ્રકારના કેસીસમાં પેરેગ્રાફ ૩૨૨ (૫)નો ઉપયોગ યોગ્ય હોવાનું સ્વીકાર્યું છે અને જેમના ટેક્સ રેકોર્ડ્સ અને ઈમિગ્રેશન અરજીઓમાં વિસંગતતા હોય તેવાં લોકો પાસે સંપૂર્ણ અને સંતોષકારક ખુલાસા મેળવવા બાબતે અમે સાચાં છીએ.’ મોટા ભાગના અસરગ્રસ્ત માઈગ્રન્ટ્સ એક દાયકા કરતા વધુ સમયથી અહીં રહેતા હતા અને તેમના સંતાનો પણ યુકેમાં જન્મ્યાં હતાં. કેટલાકને તો અન્ય કેટેગરીના વિઝા માટે અરજી કરવાની પરવાનગી અપાઈ ન હતી અને દેશ છોડવા માત્ર ૧૪ દિવસનો સમય અપાયો હતો. જે લોકોએ અહીં રહીને અપીલ કરી હતી તેઓ તેમના કામ કરવાના, બેન્ક એકાઉન્ટ રાખવાના, ડ્રાઈવિંગ લાયસન્સ અને મફત NHS સારવારની સુવિધાના અધિકારો તીવ્રપણે મર્યાદિત કરી દેવાના જોખમનો સામનો કરી રહ્યા છે.