હાઉસ ઓફ કોમન્સમાં 22મો વાર્ષિક અહિંસા દિન ઉત્સવ

ડો. સોહનલાલ ગાંધીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનો અહિંસા એવોર્ડ એનાયત થયો

Wednesday 05th November 2025 11:30 EST
 
 

લંડનઃ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી (IOJ) અને જૈન ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) દ્વારા 16 ઓક્ટોબર - ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં 22મો વાર્ષિક અહિંસા દિન ઉજવાયો હતો. આ પ્રસંગે સાંસદો, જૈન તથા અન્ય ધર્મોના નેતાઓ, વિદ્વાનો અને વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાના આગેવાનો એકત્ર થયા હતા. આ વર્ષની થીમ ‘એકથી વધુ અસ્તિત્વસંબંધિત સંકટના સમયમાં ધર્મની ભૂમિકા - નોસ્ટ્રા એટેટેના સંદર્ભમાં’ પર વિચાર માટે હતી.
આમ આ પ્રસંગ નોસ્ટ્રા એટેટેની 60મી વર્ષગાંઠ સાથે જોડાયેલ હતો. વેટિકનની ઐતિહાસિક દસ્તાવેજ, જેમાં કેથોલિકોને અન્ય ધર્મોના આધ્યાત્મિક, નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોને સંવાદ અને સહકાર દ્વારા માન્યતા, સંરક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
આ વર્ષની ઉજવણી બે વિખ્યાત ખ્રિસ્તી નેતાઓની હાજરીથી સન્માનિત બની હતી. વેટિકનની ડિકાસ્ટરી ફોર ઇન્ટરરિલિજિયસ ડાયલોગનું પ્રતિનિધિત્વ કરતા મોન્સિગ્નર સેન્ટિયાગો માઈકલ અને બ્રિટન અને થાયેટીરાના આર્ચબિશપ નિકિટાસ.
ઉજવણીની શરૂઆત ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મેહુલ સંઘરાજકાના ઉષ્માભર્યા સ્વાગતથી થઈ. ત્યારબાદ પારુલ શાહ દ્વારા નવકાર મંત્ર અને ‘મૈત્રી ભાવના’ શાંતિકારક પાઠ દ્વારા સર્વ જીવોમાં શાંતિ, દયા અને મિત્રતાનો સંદેશ પ્રગટ કર્યો હતો.
ડો. મેહુલ સંઘરાજકાએ ત્યારબાદ નવનિયુક્ત જૈન ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના અધ્યક્ષ મેટ ટર્મેન સાંસદનું સ્વાગત કર્યું હતું. ટર્મેને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના અહિંસા અને અંતરધર્મીય સંવાદને પ્રોત્સાહન આપતા કાર્ય માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. આ પછી ગયા સપ્ટેમ્બરમાં અવસાન પામેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના પૂર્વ અધ્યક્ષ સ્વ. નેમુભાઈ ચંદેરિયાને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ડો. મેહુલ સંઘરાજકાએ યુનાઈટેડ કિંગડમમાં જૈન ધર્મને માન્ય ધર્મ તરીકે સ્થાપિત કરવા તેમના મહત્ત્વના યોગદાનની નોંધ લીધી. આશા ચંદેરિયા ગોવરે પોતાના પિતાની વિનમ્રતા, દયા અને સેવાભાવે ભરપૂર જીવન વિશે સંવેદનાત્મક શબ્દોમાં સ્મરણ કર્યું હતું.
ટ્રસ્ટી કુમાર મહેતાએ 2025ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના અહિંસા એવોર્ડના વિજેતા ડો. સોહનલાલ ગાંધી વિશેનું સાઇટેશન વાંચ્યું હતું. આ ઉલ્લેખમાં ડો. સોહનલાલ ગાંધીના અહિંસા, શાંતિ અને અંતરધર્મીય સમજૂતી પ્રત્યેના જીવનભરના સમર્પણની ઉજવણી કરાઇ તેની તેમજ શિક્ષણથી લઈને અણુવ્રત આંદોલનના વૈશ્વિક નેતૃત્વ અને યુએન સહિતના આંતરરાષ્ટ્રીય મંચો પર તેમના અહિંસા પ્રચારના પ્રયત્નો સુધીની વાત કરી હતી.
વેટિકનની ડિકાસ્ટરી ફોર ઇન્ટરરિલિજિયસ ડાયલોગના પ્રીફેક્ટ કાર્ડિનલ જ્યોર્જ જેકબ કુવાકડનો સંદેશ મોન્સિગ્નર સેન્ટિયાગો માઈકલ દ્વારા વાંચવામાં આવ્યો હતો. કાર્ડિનલે ડો. ગાંધીને અભિનંદન પાઠવ્યા હતા અને સ્વ. ડો. હર્ષદ સંઘરાજકા તથા શ્રી નેમુભાઈ ચંદેરિયાના જૈન-ખ્રિસ્તી સંવાદના વિકાસમાં આપેલા યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. આર્ચબિશપ નિકિટાસે ધર્મના માનવજીવનમાં કેન્દ્રસ્થાન વિશે અત્યંત તત્ત્વચિંતનાત્મક પ્રવચન આપ્યું હતું.
ડો. સોહનલાલ ગાંધીએ એવોર્ડ સ્વીકારતા અતિ વિનમ્રતા અને આભારનો ભાવ વ્યક્ત કર્યો. તેમણે વિશ્વમાં ફેલાયેલી હિંસા અને દુઃખ અંગે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે દરેક યુદ્ધ મનમાંથી શરૂ થાય છે તેથી શાંતિ પણ ત્યાંથી જ શરૂ થવી જોઈએ. ધ્યાન અને સદ્દ્વિચાર દ્વારા વ્યક્તિ આંતરિક અને બાહ્ય રીતે અહિંસાને વિકસાવી શકે છે. સાચી શક્તિ શાસનમાં નહીં, પણ સંયમમાં છે. તેમણે આ એવોર્ડ બધા અહિંસાપ્રેમી લોકોને સમર્પિત કર્યો અને નેમુભાઈ તથા હર્ષદભાઈના યોગદાનને વંદન કર્યા હતા.
ડો. મેહુલ સંઘરાજકાએ જૈન પાંડુલિપિઓના સંરક્ષણ અને અભ્યાસ અંગે ચાલી રહેલી પ્રગતિની માહિતી આપી હતી. તેમણે વેલકમ ટ્રસ્ટ અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહેમ સાથેના સહયોગનો ઉલ્લેખ કર્યો, જેના માધ્યમથી આ અમૂલ્ય ગ્રંથો વિદ્વાનો તથા સમુદાય માટે ઉપલબ્ધ બનશે. તેમણે વધુમાં યુનિવર્સિટી દ્વારા 150વિદ્યાર્થીઓ અને સંશોધકોને જૈન અભ્યાસ કાર્યક્રમોમાં દાખલ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
સાંજનું સમાપન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ટ્રસ્ટી અજય પુનાતરના આભારવિદાય શબ્દો સાથે થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter