હાઉસ ઓફ લોર્ડ્સની સંખ્યા ઘટાડી ૬૦૦ કરવા ભલામણ

નવા ઉમરાવો માટે ૧૫ વર્ષની મુદતની ભલામણઃ ERS સર્વેમાં ચૂંટાયેલું હાઉસ ઓફ લોર્ડ્સ ઈચ્છતા ૬૩ ટકા મતદારઃ

Tuesday 31st October 2017 16:11 EDT
 
 

લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના ભાવિ સંબંધે રાહ જોવાતા રિપોર્ટમાં ઉમરાવોની સંખ્યા ૨૫ ટકા ઘટાડી ૬૦૦ની કરવા ભલામણ કરવામાં આવી છે. મંગળવારે ટ્રેઝરીના પૂર્વ સિવિલ સર્વન્ટ ટેરેન્સ બર્ન્સના વડપણ હેઠળની લોર્ડ સ્પીકરની કમિટીના જાહેર કરાયેલા રિપોર્ટમાં નવા ઉમરાવો માટે ૧૫ વર્ષની મુદત નિશ્ચિત કરવા જણાવાયું છે. ઉમરાવોમાં ઘટાડો તમામ પક્ષો માટે ‘બેના પ્રવેશ સામે એકની વિદાય’ના ધોરણે કરાશે. સભ્યોનો ઘટાડો થશે પરંતુ, ૨૦૨૭ પહેલા ભલામણ અનુસારની સંખ્યાએ પહોંચાશે નહિ. જો બિશપને ગણતરીમાં ન લેવાય તો આ સંખ્યા ૫૭૪ની થશે. હાલ લોર્ડ્સ ગૃહમાં બિશપો સિવાય ૭૦૦થી વધુ સભ્યો છે. જોકે, ઈલેક્ટોરલ રીફોર્મ સોસાયટી (ERS) વતી BMG Research દ્વારા હાથ ધરાયેલા સર્વે અનુસાર ગત બે વર્ષમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં ધરમૂળથી ફેરફાર કરવાની માગણી જોર પકડી રહી છે.

રિપોર્ટમાં એવી ભલામણ કરાઈ છે કે કોઈ પણ જૂથને બહુમતી મળે નહિ તે રીતે પાર્ટીને વજન અપાશે અને સભ્યોના ઓછામાં ૨૦ ટકા નિષ્પક્ષ ક્રોસબેન્ચર હોવા જોઈશે. લોર્ડ્સની ભાવિ નિયુક્તિઓ સરકારના વિવેક મુજબ નહિ થાય પરંતુ, ગત ચૂંટણીમાં પક્ષના સરેરાશ વોટ શેર અને કોમન્સમાં જીતેલી કુલ બેઠકના આધારે કરવામાં આવશે. પૂર્વ ટોરી કેબિનેટ મિનિસ્ટર અને લોર્ડ સ્પીકર નોર્મન ફાઉલરે જણાવ્યું હતું કે આ રિપોર્ટ લોર્ડ્સને પોતાના સુધારાની મહત્ત્વની તક પૂરી પાડશે. હાઉસ ઓફ લોર્ડ્સમાં ૨૫૨ કન્ઝર્વેટિવ, ૧૯૯ લેબર, ૧૦૦ લિબરલ ડેમોક્રેટ્સ, ૧૮૧ ક્રોસબેન્ચર, ૨૪ બિશપ અને ૪૩ અન્ય સભ્ય છે. લોર્ડ્સ ગૃહમાંથી ૯૨ સિવાયના તમામ વંશાનુગત ઉમરાવોને ૧૯૯૯માં દૂર કરાયા હતા. ૨૦૧૦ પછી નવા ૨૯૫ ઉમરાવને ગૃહમાં સ્થાન અપાયું હતું.

લોર્ડ ભીખુ પારેખે આ મુદ્દે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસને જણાવ્યું હતું કે ‘હાઉસ ઓફ લોર્ડ્સ ઘણું જ મોટુ છે અને તેનું કદ ૩૦૦ લોર્ડની સંખ્યા સુધી ઘટાડવાની જરુર છે. તે સંપૂર્ણતઃ ચૂંટાયા વિનાનું છે, જે યોગ્ય નથી. કે્ટલાક પ્રતિષ્ઠિત નાગરિકો ચૂંટણી લડતા નથી અને તેમને હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્ત કરવા જોઈએ. આશરે ૨૦ ટકા સભ્ય આ કેટેગરીમાં હોવા જોઈએ. નવા રિપોર્ટે કદ વિશે ઘણી મૂલ્યવાન ભલામણો કરી છે અને મને આશા છે કે સમગ્ર ગૃહ અને કોમન્સ દ્વારા તેને બહાલી મળશે.’

રિપોર્ટની અંતિમ ભલામણ અગાઉ લોર્ડ ધોળકિયાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસને જણાવ્યું હતું કે ‘હાઉસ ઓફ લોર્ડ્સના રિફોર્મ્સમાં લિબરલ ડેમોક્રેટ્સ મોખરે છે. અમે સ્વતંત્ર નિયુક્તિના થોડાં પ્રમાણ સાથે મુખ્યત્વે ચૂંટાયેલા ગૃહને સમર્થન કરીએ છીએ. સુધારાની ચર્ચા ૭૦ વર્ષથી ચાલે છે. અત્યાર સુધી આપણે નાના સુધારા કર્યા છે. આપણે ડાઉનિંગ સ્ટ્રીટમાં સરકારની સત્તા તેમજ લેજિસ્લેટિવ માળખામાં સાંસદો અને ઉમરાવોની ભૂમિકાની મૂળભૂત સમીક્ષા કરવી જોઈએ. આ દરમિયાન, નિવૃત્તિ અને ફિક્સ મુદતની નિમણૂકોથી મદદ મળશે.’

હાઉસ ઓફ લોર્ડ્સના કદ વિશે લોર્ડ સ્પીકરની કમિટીનો રિપોર્ટ જાહેર કરાયો છે તેવા સમયે સંખ્યાબંધ કૌભાંડોના પર્દાફાશના પગલે લગભગ ૬૩ ટકા મતદારો ઉમરાવસભા ચૂંટાયેલી હોય તેમ ઈચ્છે છે, જ્યારે ૨૭ ટકા મતદાર ઉમરાવસભાને સંપૂર્ણ નાબૂદ કરવાની તરફેણ કરે છે. વર્ષ ૨૦૧૫માં સંપૂર્ણ અથવા અંશતઃ ચૂંટાયેલા લોર્ડ્સને ઈચ્છનારાની સંખ્યા ૪૮ ટકા હતી, જ્યારે સંપૂર્ણ નાબૂદીની તરફેણ કરનારા ૨૨ ટકા હતા. જોકે, ૧૦ ટકા લોકો ઉપલા ગૃહમાં કોઈ ફેરફાર કરવો ન જોઈએ તેમ માને છે.

ERS દ્વારા નવા પોલિંગમાં જાણવા મળ્યું છે કે ૪૪ ટકા લોકો પાર્લામેન્ટ ‘મારા જેવી વ્યક્તિની દરકાર કે ચિંતાઓની રજૂઆત કરતી નથી તેવી લાગણી ધરાવે છે, જ્યારે ૩૦ ટકા લોકો પાર્લામેન્ટ સાથે સહમત થાય છે. ૩૯ ટકા ધનવાન AB વોટર્સની સરખામણીએ માત્ર ૨૨ ટકા વર્કિંગ ક્લાસ/ Deવોટર્સ જ પાર્લામેન્ટ તેમનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું માને છે. આવી જ રીતે, ૩૯ ટકા મકાનમાલિકોની સરખામણીએ માત્ર ૧૮ ટકા સોશિયલ હાઉસિંગ ટેનન્ટ્સ જ પાર્લામેન્ટ તેમનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું માને છે. ERS સંશોધનમાં પાર્લામેન્ટના મહત્ત્વના કાર્યોમાં પ્રદાન આપવામાં નિ્ષ્ફળ રહેલા લોર્ડ્સ દ્વારા ૨૦૧૬-૧૭માં ખર્ચ અને એલાવન્સીસમાં ૪૦૦,૦૦૦ પાઉન્ડ ક્લેઈમ કરવામાં આવ્યો હોવાનું દર્શાવાયા પછી આ મત વ્યક્ત કરાયો છે. ERS દ્વારા ૧૫૦૦ પુખ્ત મતદારના કરાયેલા સર્વેના નવા તારણો બુધવારે અને પાઉસ ઓફ લોર્ડ્સનું સંપૂર્ણ ઓડિટ ૬ નવેમ્બરે જાહેર કરાશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter